Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કુંદન હોસ્પિટલમાં એક જ રાતમાં ૪ દર્દીના મોત

મોરબીના રસીલાબેન નરસંગભાઈ રામાવત (ઉ.૬૫), અભી ખાનપરા (ઉ.૨૩), એક જામનગરના અને એક પોરબંદરના દર્દીનું ઓકિસજનના અભાવે મોત : મૃતક દર્દીઓના સગાઓનો આક્ષેપ : હોસ્પિટલમાંથી રાત્રે ફોન આવ્યો કે હોસ્પિટલમાં ઓકિસજન ખલાસ થઈ ગયો છે તાત્કાલીક વ્યવસ્થા કરી આપો : દર્દીના સ્નેહીજનો ઓકિસજનની વ્યવસ્થા કરે એ પહેલા જ ચારેય દર્દીઓના મોત નિપજ્યા

રાજકોટ : અહિંની કુંદન હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ ચાર દર્દીઓના ઓકિસજનના અભાવે મૃત્યુ નિપજતાં દર્દીઓના સગાઓએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. દર્દીઓના સગાઓએ હોસ્પિટલના ડોકટરો ઉપર ભારે આક્ષેપો કર્યા હતા. આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે તાત્કાલીક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ : કોરોનાની મહામારીએ આતંક મચાવ્યો છે. દર્દીઓ ટપોટપ ગુજરી રહ્યા છે. ઈન્જેકશન અને ઓકિસજનની અછતના કારણે મોટાભાગના દર્દીઓના અવસાન થઈ રહ્યા છે. દરમિયાન અહિંની ભકિતનગર સર્કલ નજીક ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલ કુંદન હોસ્પિટલમાં એક જ રાતમાં ચાર દર્દીઓના મોત નિપજતાં હાહાકાર મચી જવા પામ્યો છે. દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો છે કે અમોને રાત્રીના હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે હોસ્પિટલમાં ઓકિસજન ખલાસ થઈ ગયો છે તમે કોઈપણ સંજોગોમાં ઓકિસજનની વ્યવસ્થા કરી આપો. દર્દીના સગાઓ ઓકિસજનની વ્યવસ્થા કરે એ પહેલા જ ચાર દર્દીઓના મોત નિપજ્યા હતા.

મળતી વિગતો મુજબ મોરબીના રસીલાબેન નરસંગભાઈ રામાવત (ઉ.વ.૬૫)નું અવસાન થયુ હતું. દર્દીઓના સગાઓએ જણાવ્યુ હતું કે, અમને હોસ્પિટલમાંથી ગત સાંજે ફોન આવ્યો કે હોસ્પિટલમાં ઓકિસજન ખલાસ થઈ ગયો છે. તમે કોઈપણ સંજોગોમાં ઓકિસજનની વ્યવસ્થા કરી આપો. દર્દીઓના સગાએ ઓકિસજનના બાટલાની અને દર્દીને જામનગર હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી લીધી હતી, પરંતુ હજુ ઓકિસજનનો બાટલો દર્દીને ચડાવે એ પહેલા જ તેઓનું અવસાન થયુ હતું.

અન્ય એક અભી ખાનપરા (ઉ.વ.૨૩) નામના રાજકોટના દર્દી છેલ્લા નવ દિવસથી કુંદન હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા તેઓને પણ આ જ રીતે ફોન આવ્યો હતો કે ઓકિસજનની વ્યવસ્થા તાત્કાલીક કરી આપો, પરંતુ તે પહેલા જ તેઓનું પણ અવસાન થયુ હતું. તેવી જ રીતે પોરબંદરના અને એક જામનગરના દર્દીનું પણ ઓકિસજનના અભાવે મોત નિપજ્યા હતા.

દરમિયાન દર્દીના સગાઓના અવસાન થતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલ ખાતે ભારે દેકારો મચાવી દીધો હતો. જેના પગલે હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

  • હોસ્પિટલમાં ઓકિસજનની કોઈ ઘટ્ટ નથી, પૂરતી વ્યવસ્થા છે : ડો.દીપ રાજાણી

રાજકોટ : અહિંના ભકિતનગર સર્કલ નજીક ગાયત્રી મેઈન રોડ ઉપર આવેલ કુંદન હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઈ રહેલ ૪ દર્દીઓના ઓકિસજનના અભાવે મૃત્યુ નિપજતા ભારે હોબાળો મચી ગયો હતો, દરમિયાન આ અંગે હોસ્પિટલના ડો. દીપ રાજાણીએ જણાવ્યુ હતું કે હોસ્પિટલમાં ઓકિસજનની કોઈ ઘટ્ટ નથી. ગત સાંજે ઓકિસજન ઓછુ થતાં તાબડતોબ ઓકિસજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં કોરોનાના ૩૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

  • ઓકસીજન વગર ખાનગી હોસ્પિટલમાં મોત અંગે તપાસ સમિતિની રચના

રાજકોટ : શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલ કુંદન હોસ્પિટલમાં ઓકસીજનની અછતને કારણે દર્દીઓના મોત થયાના અહેવાલો અંગે કલેકટર રેમ્યા મોહને યુધ્ધના ધોરણે તપાસ સમિતિની રચના કરી છે.

આ તપાસ સમિતિમાં સીટી પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી ઉપરાંત એક એનેસ્થેસ્ટીસ્ટ ડોકટર સહિતનાઓની નિમણૂંક કરી છે જે આ પ્રકરણમાં તપાસ કરશે. આ તકે કલેકટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ હોસ્પિટલમાં બે દર્દીઓની સ્થિતિ અતિગંભીર હતી અને તેઓના મૃત્યુ થયાનું ખુદ હોસ્પિટલ સંચાલકોએ જાહેર કર્યું છે.

(3:11 pm IST)