Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સાધુ વાસવાણી રોડ-યુનિવર્સિટી રોડ-સ્લમ વિસ્તારો 'મતદાન' સ્લીપ વિહોણાઃ હજારો લોકોમાં દેકારોઃ 'મત' આપવા કયાં જવુ ? મોટો પ્રશ્ન

ખાસ કરીને ૬૯-રાજકોટમાં જ મોટો ભગોઃ ખુદ તંત્રની કબુલાતઃ હવે બીએલઓ સામે પગલા અંગે નિવેદન !! : ચૂંટણી પંચ સુધી ફરીયાદોઃ જવાબદાર અધિકારીઓ બચાવમાં ઉતર્યાઃ લોકોમાં ભારે ટીકા : એટલુ જ નહિ જેમણે નામો ઉમેરવા ફોર્મ ભર્યા એમને પણ સ્લીપ કે ઓળખપત્ર કાર્ડ નથી મળ્યાઃ મતદાન મથકો ઉપર સંખ્યાબંધ માથાકુટની વિગતો

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ લોકસભા બેઠકનું મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે, તે સારી વાત છે, આચારસંહિતા ભંગ કે કોઈ નિંદનીય ઘટના નથી તે પણ સારી બાબત છે, પરંતુ ખાટલે મોટી ખોટ તેમ કલેકટર તંત્ર તરફથી બીએલઓ મારફત ઘરે ઘરે અપાયેલ મતદાન સ્લીપ હજારો લોકો સુધી રાજકોટમાં નહીં પહોંચ્યાની વ્યાપક ફરીયાદોથી દેકારો બોલી ગયો છે. લોકોને મત આપવો છે, પરંતુ મતદાન સ્લીપ નથી, એવા સેંકડો લોકોની ફરીયાદો છે કે મત આપવા કયાં જવુ ? તે ખબર નથી અને ધોમધખતા તાપમાં હેરાન-પરેશાન થઈ ગયા છે.

મળતી વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ ઉપર સેંકડો લોકોને મતદાન સ્લીપો પહોંચી નથી. આવી જ રીતે સ્લમ વિસ્તારોમાં રહેતા નાગરીકો સરકારી તંત્રની સ્લીપ વિહોણા છે.

ખાસ કરીને સૌથી વધુ ફરીયાદો ૬૯-રાજકોટ વિસ્તારમાં વધુ છે અને આ બાબત જવાબદાર અધિકારીઓ કબુલી રહ્યા છે.

કલેકટર તંત્રનુ હવે કહેવુ છે કે, ચૂંટણી બાદ બીએલઓ સામે પગલા લેવાશે. બીએલઓની જવાબદારી છે, સવાલ એ છે કે, બુથ લેવલ ઓફિસરો તમારો જ સ્ટાફ છે, ખાત્રી કેમનો કરાય ? અને છેવટ સુધી સ્લીપનું વિતરણ ૯૦ થી ૯૫ ટકા થઈ ગયુ તેવા દાવા કરાઈ રખાયા.

સ્લીપો નથી પહોંચી તે અંગે ચૂંટણી પંચ સુધી પણ ફરીયાદો પહોંચી છે અને સ્લીપના ડખ્ખા અંગે જવાબદાર અધિકારીઓ બચાવમાં ઉતરી ગયા છે. લોકોમાં સ્લીપના ધાંધીયા અંગે ભારે ટીકા થઈ રહી છે.

આશ્ચર્ય એ છે કે, આ વખતે મતદાન કરવા અંગે મતદાર યાદીમાં જેમના નામો નહોતા તેમણે નામો ફોર્મ નં. ૬ ભર્યા, એમને પણ સ્લીપ કે ઓળખપત્ર કાર્ડ નથી મળ્યા, આવાનો સેંકડો લોકો છે, મતદાન મથકો ઉપર આ બાબતે અનેક સ્થળે માથાકુટ થયાનું પણ બહાર આવ્યુ છે.

(3:54 pm IST)