Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટમાં ભરઉનાળે 'ટાઢક' કરાવતુ મતદાનઃ બપોર સુધીમાં ૪૫ ટકા

સવારમાં મતદારોનો ઉમળકો દેખાયોઃ બપોર વચ્ચે મતદાન ધીમુઃ છેલ્લી બે કલાક ધસારો થવાની ધારણા : રાજકોટ મતક્ષેત્રમાં ૧૮ ઈ.વી.એમ., ૨૨ વીવીપેટ બગડયાઃ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણઃ કગથરા-કુંડારિયાનું ભાવિ કેદઃ મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા, ક્રિકેટર ચેતેશ્વર પુજારા વગેરેનું રાજકોટમાં મતદાનઃ અનિલ જ્ઞાન મંદિર ખાતે કોંગી ઉમેદવાર લલિત કગથરાનું મતદાનઃ ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા મોરબી લોકસભા મતક્ષેત્રના મતદાર છે

રાજકોટ, તા., ૨૩:   લોકશાહીના પવિત્ર પર્વ એટલે ચૂંટણી. આજે આ પર્વની  રાજકોટ લોકસભા બેઠક પર ઉત્સાહથી ઉજવણી થઇ રહી છે. મતદારો સવારથી ઉમળકા સાથે  શાંતિપુર્ણ મતદાન કરી રહયા છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૪.૨ ટકા મતદાન થયાનું સતાવાર રીતે નોંધાયું છે.  ૩ વાગ્યા સુધીમાં રાજકોટ બેઠકનો મતદાનનો આંકડો ૪પ ટકા આસપાસ પહોંચી ગયાનું જાણવા મળે છે. સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૦ ટકા નજીક મતદાનનો આંકડો રહે તેવી ધારણા છે.

 આજે સવારે ૬ થી ૭ મોકપોલ બાદ સવારે ૭ વાગ્યાથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે, જડબેસલાક પોલીસ સુરક્ષા, દરેક મતદાન મથક ઉપર સીઆરપીએફના બે-બે જવાનોની ટીમ, તથા બૂથ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ હોય કોઇ ઘટના બની નથી. પ્રથમ બે કલાક સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૦.૩૯ ટકા મતદાન થયાનું સત્તાવાર જાહેર થયેલ.  પછીની૨ કલાકમાં મતદાન વધીને ર૪.૧ર ટકાએ પહોંચ્યું હતું. ૧ વાગ્યા સુધીમાં આ આંકડો ૩૪.ર ટકા થયો હતો.

રાજકોટ-લોકસભા બેઠક ઉપર ભાજપના મોહનભાઇ કુંડારિયા તો કોંગ્રેસના લલીતભાઇ કગથરા સહિત કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે, તમામ ઉમેદવારોનું ભાવી મતમશીનમાં કેદ થયું છે.

રાજકોટ લોકસભા સંસદિય વિસ્તારમાં કુલ ૧૮ લાખ ૮૪ હજાર મતદારો તો ૨૦૫૦ મતદાન મથકો છે.

આજે સવારે ૬ થી ૭ મોકપોલ દરમિયાન જ ઢગલાબંધ ઇવીએમ-વીવીપેટ બગડતા બદલાવવા માટે દરેક મદદનિશ ચૂંટણી અધિકારીને દોડધામ થઇ પડી હતી, જિલ્લામાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૮ ઇવીએમ અને રર વીવીપેટ બગડયા હતા.

મતદાન માટે ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી  રહ્યો છે, અપંગો-વૃદ્ધો- દિવ્યાંગો પણ આકારા તાપથી બચવા મતદાન મથકે ઉમટી પડયા હતા. તંત્ર દ્વારા ૩૫ દિવ્યાંગોને સહાયક-વ્હીલચેર જેવી સુવિધા પણ પૂરી પડાઇ છે. બપોર વચ્ચે આ લખાય છે ત્યારે મતદાનનું પ્રમાણ ધીમુ થઇ ગયું છે. સાંજે ૪ થી ૬ છેલ્લી બે કલાક ફરી મતદાનનું પ્રમાણ વધવાની આશા છે. ૬ વાગ્યા બાદ તમામ ઇવીએમ અને વીવીપેટ જે તે મતદાન મથકથી મત ગણતરી સ્થળ સરકારી ઇજનેરી કોલેજ, કણકોટ ખાતે લઇ જવામાં આવશે.  ત્યાં સખત બંદોબસ્ત હેઠળ ૧ મહિનો મશીનો સચવાશે. તા.ર૩ મેએ મત ગણતરી થશે.

મતદાનનું પ્રમાણ

સમય

ટકા

સવારે ૭ થી ૯

૧૦.રર

સવારે ૯ થી ૧૧

ર૪.રર

સવારે ૧૧ થી ૧

૩૪.૦ર

બપોરે ૧ થી ૩

૪પ (અંદાજીત)

મતદાનની સાથે.... સાથે...

અમદાવાદ,તા.૨૩: ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો અને વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચુંટણી માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું.જેમાં કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડવાની ફરિયાદો મળી હતી.

પાટણના સાંતલપુર તાલુકાના લુનીચાના ગામે ઇવીએમ મશીન ખોટવાયું હતું લુનીચાના ગામે ઇવીએમ બગડતા થોડા સમય માટે મતદાન બંધ રહ્યું હતું.જો કે અધિકારીએ બીજુ ઇવીએમ લગાવ્યું હતું અને ત્યારબાદ ફરીથી મતદાન શરૂ થયું હતું.

ભરૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે મતદાન કર્યું હતું.  અહેમદ પટેલે પીરામણ ગામની શાળામાં સવારે નવ વાગે મતદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યા બાદ  માતા હીરાબાએ રાયસણ પંચાયત ઓફિસમાં જઇને મતદાન કર્યું હતું.તેમના પરિવાર સાથે હીરાબા મતદાન મથકે પહોંચ્યા હતાં. તેમણે સંદેશ આપ્યો હતો કે મતદાન કરવામાં ઉમરની કોઇ સીમા મર્યાદા હોતી નથી.એ યાદ રહે કે ૯૮ ઉમર છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ નડિયાદ શાળા નંબર એકમાં મતદાન કર્યું હતું.

 રાધનપુરના દસ ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર ૨૭૫ ભાણવડમાં ૪૨ મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટકાયા છે. ૫થી વધુ બૂથો પર ઈવીએમ બદલવામાં આવ્યાં છે.  મોરવાહડફના વાસડેલીયા ગામે ઈવીએમ ખોટકાયું. લુનીચાના ગામે પણ ઈવીએમ ખોટકાયું. વ્યારાના કે.કે. કદમ વિદ્યાલયના ઈવીએમને ચાલુ થવામાં વિલંબ લાગ્યો. સખી મતદાન મથકમાં પણ ઈવીએમ ખોટકાયું. વ્યારાની દક્ષિણપથ હાઈસ્કૂલમાં પણ ઈવીએમ શરૂ થવામાં વિલંબ થયો. જો કે દક્ષિણપથ હાઈસ્કૂલમાં અડધા કલાક બાદ ઈવીએમ શરૂ થયા હતાં. ઉમરગામ તાલુકાના ધોડિપાડાના ૧૪૫ મથકનું ઈવીએમ ખોટકાતા મતદાનમાં વિલંબ થતા મતદારોમાં રોષ જોવા મળ્યાં.

ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં પણ વાવડી ગામે બુથ નંબર ૨૦નું ઈવીએમ ખોટકાયું હતું. તંત્ર દ્વારા ઈવીએમ બદલવાની કવાયત કરાઈ. વડોદરામાં પણ વારસીયા રિંગ રોડની ગુરુકુળ શાળામાં ઈવીએમ બગડ્યું.

 સવારે ૭ કલાકથી શરૂ થયેલા મતદાન અંગેના શરૂઆતના બે કલાકના આંકડા આવ્યાં છે જે મુજબ શરૂઆતના બે કલાકમાં ૨૬ બેઠકો પર ૧૮થી ૨૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

રાજકોટ લોકસભા બેઠકના મતદાનની ટકાવારીઃ ટંકારા - ૧૪.૫૦ %, વાંકાનેર - ૯.૬૭%, રાજકોટ ઇસ્ટ - ૯.૭૩%, રાજકોટ વેસ્ટ - ૯.૭૧ %, રાજકોટ સાઉથ - ૯.૩૧ %, , રાજકોટ રૂરલ - ૧૦.૬૫ %, જસદણ - ૧૦.૨૨%,સાબરકાંઠામાં ૯ વાગ્યા સુધીમાં ૧૦.૯૦% મતદાન. ભાવનગર જિલ્લામાં ૨ કલાકમાં ૧૦.૩૭ ટકા મતદાન પણ નોંધાયું

મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળા ખાતે લાઈનમાં ઊભા રહીને મતદાનની ફરજ બજાવી. ગરમીના માહોલમાં પણ તેમને ૮૦થી ૮૫ ટકા મતદાન થાય તેવી શક્યતા વર્ણવી.

ગુજરાતના સુરતમાં કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાથમાં કમળની મહેંદી કરીને જતી મહિલાઓને બૂથથી દૂર રાખવા અંગે ઓનલાઈન ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. થોડા દિવસ અગાઉ જ ભાજપની મહિલાઓ દ્વારા મહેંદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

યાત્રાધામ દ્વારકામાં ભિક્ષુકોએ વહેલી સવારે લાઈનમાં ઊભા રહીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી. સંસારથી અલગ રહેતા ભિક્ષુકોએ પણ સવારમાં ભિક્ષાવૃત્તિ છોડીને મતદાન કર્યું. ભગવાનની જય બોલાવતા સાધુઓએ ભારત માતા કી જય બોલાવીને મતદાન કર્યું.

રાજકોટમાંથી ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ મતદાન કર્યું હતું. તેઓ તેની પત્ની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં.

(3:40 pm IST)