Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટમાં સવારે યુવા મતદારો નિકળી પડયાઃ જબરો ઉત્સાહ

સૌ પ્રથમ મતદાન કરનારા યુવાઓએ પોતાનો ફોટા સોશ્યલ મીડિયામાં શેર કર્યા : બપોરે તડકાથી બચવા અનેક લોકોએ મોર્નીંગ વોક સાથે જ મતદાન કર્યુઃ સવારે દરેક વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન શરૂ થઇ ગયુ

રાજકોટ તા. ર૩ :.. આજે ભારત પર્વ એટલે કે લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબકકાનું મતદાન થઇ રહ્યુ છે. આ વખતે ચૂંટણીમાં મતદાન અંગે જબરૂ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યુ હતું જેની અસરથી યુવા મતદારોમાં મતદાન માટે જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સવારથી જ લોકો મતદાન કરવા નિકળી પડયા હતાં.

આજે વહેલી સવારે ૭ વાગ્યાથી શહેરનાં મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયેલ મતદારોની કતારોમાં સૌથી વધુ યુવા મતદારો જોવા મળ્યા હતાં.

ખાસ તો આજે સૌ પ્રથમ વખત મતદાનનો લ્હાવો મેળવનારા યુવક - યુવતિઓ દ્વારા તેઓએ કરેલા મતદાનનાં ફોટોઓ સોશ્યલ મીડિયામાં શેર કરવાનાં ટ્રેન્ડને કારણે મતદાનનો જબરો ઉત્સાહ દેખાયો હતો.

નોંધનીય છે કે, આજે બપોરનું તાપમાન યલો એલર્ટ એટલે કે ૪૦ ડીગ્રીથી ઉપર જવાની આગાહી છે ત્યારે સેંકડો લોકો કે જેઓ મોર્નીંગ વોકમાં નિકળ્યા હતાં તેઓએ પણ વહેલી સવારે ટાઢાપોરે મતદાનનો લાભ લીધો હતો.

જાણવા મળ્યા મુબજ શહેરનાં જંકશન પ્લોટ, ગાયકવાડી, પંચનાથ પ્લોટ, સદર તાલુકા શાળા વગેરે સ્થળોએ સવારે ૭ વાગ્યાથી ધીમુ અને શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ હતું.

જયારે ગાંધીગ્રામ, હનુમાન મઢી, કાલાવાડ રોડ, જાગનાથ, સહિતનાં વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદાન માટે લોકોની કતારો જોવા મળી હતી.

આમ સવારે પ્રથમ ર કલાકમાં ૧૦ થી ૧ર ટકા જેટલુ મતદાન થવાની શકયતાઓ છે.

(11:39 am IST)