Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટ જેલમાં દાહોદના કાચા કામના કેદી વૃધ્ધનું બેભાન થયા બાદ મોત

નાગજીભાઇ બાવાજી વિરૂધ્ધ કુવાડવા પોલીસમાં ૨૦૧૪માં ઠગાઇનો ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૩: રાજકોટ સેન્ટ્રલ જેલમાં ચાર દિવસ પહેલા જ દાહોદથી મોકલાયેલા કાચા કામના કેદી નાગજીભાઇ ઉર્ફ નાથજીભાઇ કાળુભાઇ મહારાજ (બાવાજી) (ઉ.૬૦)ને ગઇકાલ જેલમાં શ્વાસની તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ બી.વી. બોરીસાગર, રાઇટર સંજયભાઇ, મહેશભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ વિરૂધ્ધ ૨૦૧૪માં કુવાડવા રોડ પોલીસ મથકમાં ઠગાઇનો ગુનો નોંધાયો હતો. કાચા કામના કેદી તરીકે ૧૯મીએ તેને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. મુળ દાહોદના જલત ગામના વતની હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી.

(11:36 am IST)