Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કાલે બળબળતા તાપમાં નગરજનો મતદાન કરશે

બપોરના સમયે લોકોને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી લઈ જવા કાર્યકરોની પણ આકરી કસોટી થશે : મતદાનના દિવસે ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી આસપાસ રહેશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૨ : આકરા તાપ સાથે ગરમીમાં ફરી વધારો થઈ રહ્યો છે. આ સપ્તાહમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી આસપાસ રહેશે. આમ, આ મહિનામાં ગરમીથી રાહત મળવાની નથી. દરમિયાન આવતીકાલે મતદાનનો દિવસ છે. નગરજનોને બળબળતા તાપમાં મતદાન કરવાની ફરજ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલે ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી આસપાસ રહેશે.

હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે ઉત્તરના પવન ફરીથી ફૂંકાવાના શરૂ થયા છે. ગરમીમાં ધીમે - ધીમે ફરી વધારો થઈ રહ્યો છે. આ આખુ સપ્તાહ મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી આસપાસ જ રહેશે. જો કે હવે નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી કહેવાય.

દરમિયાન આવતીકાલે મતદાનનો દિવસ છે. કાલે ખાસ કરીને બપોરના સમયે મતદાન ઓછુ થવા સંભવ છે. આમ પણ રંગીલા રાજકોટવાસીઓને બપોરના સમયે આરામ કરવાનો સમય હોય છે. કાર્યકરોને પણ લોકોને તેના ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડવા મહામહેનત કરવી પડશે. કાલે ૪૩ ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે.હાલમાં રાજકોટ શહેરમાં પણ અસહ્ય તાપ વરસી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો ઉપર ઓછી ચહલ - પહલ જોવા મળી રહી છે. બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. જો કે સાંજના સમયે પવનનું જોર ફરીથી વધી જાય છે. તેથી ગરમીથી રાહત મળે છે.

(3:35 pm IST)