Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તંદુરસ્ત રહેવું છે ? તો શુધ્ધ અને સાત્વિક આહાર અપનાવો

જીવનમાં યોગ્ય આહાર જ વ્યકિતની વયમાં વધારો કરી શકે છે.

આહાર વિષે સાત્વિક, તામસિક, રાજસિક આહારની વાત આવે છે, પરંતુ જો યોગ્ય આહાર લેવામાં આવે તો તે બુધ્ધિમાં વૃધ્ધિ કરે છે. બળ અને આરોગ્ય પ્રદાન કરે છે. વ્યકિતને પ્રિતિકર અને સુખી બનાવે તે જ આહાર સર્વશ્રેષ્ઠ છે. જે આહારમાં આ બધા ગુણ હોય નહી અને જીભને ભલેને ગમે તેટલો લાગે, પણ તે ઉચિત આહાર બની શકતો નથી.

રૂગ્વેદમાં કહેવાયું છે કે,

ન મા તમન્ન શ્રમોન્નોન તત્દમ્ય

વોયામ મા સુનોતેતિ સોમમ્

યો મેં પ્રણાદ્યો, દદદ્યો, નિવોદ્યોદ્યો

મા સુન્વન્તંમુપ ગોમિરાયન

એટલે કે, હે મનુષ્ય ! જે પાદ્ય પદાર્થ શરીરને શકિત આપતો તૃપ્તિ પ્રદાન કરે, એ જે ક્રાંતિ અને સુખ આપે, ઇન્દ્રિયોને શકિત પ્રદાન કરે, જેનાથી ઇન્દ્રિયો કર્મરૂપી યજ્ઞ કરવા માટે સક્ષમ રહે, તે જ સેવન યોગ્ય છે.પરંતુ જેનાથી શ્રમ કરવાની શકિતનો હ્રાસ થાય, આળસ કે નશો ઉત્પન્ન થાય, એવા ખાદ્યપદાર્થ બનાવો નહી કે તેનું સેવન કરો નહી.

આયુ, બુધ્ધિ, બળ, આરોગ્ય, સુખને વધારનાર રસયુકત, સ્થિર રહેનાર તથા સ્વભાવથી જ મનને પ્રિય હોય એવો આહાર જ સાત્વિક હોય છે. એ જ આહાર સર્વશ્રેષ્ઠ મનાય છે.

ગીતામાં રાજસિક અને તામસિક આહારની બાબતમાં કહ્યુ છે કે, કડવા, ખાટા, લવણયુકત, બહુગરમ, તીખા, રૂક્ષ, હાનિકરક અને દુઃખ ચિંતા તથા રોગોને ઉત્પન્ન કરનાર આહારને રાજસિક કહેવાય છે.

જયારે અડધો પાકેલો, રસરહિત દુર્ગંધયુકત, વાસી, આહારને તામસિક કહેવાય છે.

પ્રવર્તમાન સમયમાં સાત્વિક આહારની કમી થઇ છે અને તામસિક તથા રાજસિક આહારની બોલબાલા વધી ગઇ છે.

અત્યારનો આહાર સ્વાસ્થ્યપ્રદ નહી પણ સ્વાદપ્રદ થઇ ગયો છે. હાર એ જ છે જે જીભને સ્વાદિષ્ટ લાગે પરંતુ એ સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. બજારમાં, હોટલોમાં આવો આહાર પ્રચલનમાં છે. ખાવા માટે વધુ સ્વાદિષ્ટ હોય છે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જંકફૂડ, ફાસ્ટફૂડ, વ્યવસાયિક હોય છે, જેનામા પોષકતત્વો ઓછા હોય છે. આહારમાં કેલરી, નમક અને ચરબી અત્યાદિક પ્રમાણમાં હોય છે. કેન્ડી, બેકરીમાં તળેલું, શેકેલું, પેસ્ટ્રી, કેક વગેરે જાત જાતના નમકીન, આઇસ્ક્રીમ આવા પદાર્થમાં આવે છે. મેગી, ચાઉમીન વગેરેમાં પોષકતત્વની કમી હોય છે. તેમાં મેંદો વધારે હોય તે આંતરડામાં ચોટી જાય છે અને કબજીયાત થાય છે.

આધુનિક આહારનું ભલે મહત્વ વધ્યું પણ તેની સાથે તેનો દુષ્પ્રભાવ પણ વધ્યો, જંકફૂડની અધિકતાથી મસ્તિષ્કના ન્યુરોનને નુકશાન પહોચે છે અને આ ન્યુરોન એવા હોય છે જે એકવાર નાશ પામ્યા પછી ફરી બની શકતા નથી. જંકફૂડના વધુ પડતા સેવનથી યાદશકિત ઘટે છે. માથાનો દુઃખાવો, આંખોમાં ભાર, થાક, મેદસ્વીતા, કબજીયાત, એસીડીટી વગેરે થાય છે. આવા આહારથી ડિપ્રેશન, તનાવ વગેરે માનસિક રોગોની શકયતા રહે છે.

આપણા ખાનપાન લથડયા છે. જો આપણો આહાર યોગ્ય અને સાત્વિક હશે તો આપણી આયુમાં વૃધ્ધિ થશે. મન સંતુલિત અને સ્થિર થશે.

જો આપણી આંખો યોગ્ય હોય તો આપણે સો વર્ષ સુધી બરાબર જોઇ શકીએ, આપણી બોલીએ બધા સાથે સારી વાતો કરીએ સાંભળીએ, આપણા કાન સ્વસ્થ બને અને સો વર્ષ સુધી સ્વસ્થ રહીએ તે ત્યારે જ શકય બને, કે જયારે આપણા આહાર વિહાર યોગ્ય હોય.

આપણે એવા આહાર પકાવીએ અને ગ્રહણ કરીએ, જે ભૂખ મીટાવે, રસ પ્રદાન કરે, પૌષ્ટિક હોય અને આયુને વધારવાની સાથે મનને તૃપ્ત કરે, શાંત રાખે, જેમના ઘરે શુધ્ધ અને સાત્વિક આહાર હોય, તો તે શાંત અને સ્થિત થઇ જાય છે માટે જ આપણે એવો આહાર ગ્રહણ કરીએ કે જેથી આયુ, સત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રેમમાં અભિવૃધ્ધિ કરે એ જ આહાર સર્વશ્રેષ્ઠ મનાય છે. આહાર શુધ્ધ પવિત્ર અને પોષક હોવો જોઇએ.

આયુ,સત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રેમમાં અભિવૃધ્ધિ કરે એ જ આહાર સર્વશ્રેષ્ઠ મનાય છે. આહાર શુધ્ધ, પવિત્ર અને પોષક હોવો જોઇએ.

પ્રાણમાત્રના પ્રાણનો આધાર શુધ્ધ, સમ્યક આહાર છે. આહારથી જ દોર ટકે છે, બળ, આયુષ્ય, તેજ, ઉત્સાહ, પ્રતિભાનું સંતુલન થાય છે. આ બધુ આહાર પર નિર્ભર છે. માટે રોજ લેવાતા આહાર પ્રત્યે સતત જાગૃત રહેવું જોઇએ.

- દીપક એન.ભટ્ટ

(4:19 pm IST)