Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મહિલા પોલીસના લોક દરબારમાં ગૃહકલેશના ૯ર કિસ્સાઓનો સુખદ અંતઃ છ ફરિયાદ થઇ

ગંજીવાડાના રઇશાબેન સૈયદ, સોની બજારના કલ્પનાબેન ખત્રી, રૈયા રોડ બ્રહ્મ સમાજ પાસેના રોજીલાબેન ખોખર, નવા થોરાળાના તૃપ્તીબેન કટારીયા, શાપરના બિનલબેન તથા ત્રંબાના ડીમ્પલબેન ગૌસ્વામીની ફરીયાદ પરથી સાસરીયાઓ સામે ગુનો

રાજકોટ તા. ર૩ :.. શહેર પોલીસે મહિલાઓની સમસ્યા અને અસ્ત વ્યસ્ત થઇ રહેલા સમાજ જીવનને ખંડિત થતુ અટકાવવા મહિલાઓ માટે ગઇકાલે મહિલા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. જેમાં પોલીસે વડીલની ભૂમિકા ભજવી ૯ર કિસ્સાઓનો સુખદ અંત લાવી ગૃહસ્થ જીવન તૂટતાં અટકાવ્યુ હતું. અને પોલીસ મથકમાં રાખેલ ઝૂંબેશમાં પાંચ દિવસમાં ર૩પ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ગઇકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતેના તાલીમ ભવનમાં મહિલાઓ માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી કરણરાજ વાઘેલા, એડીશનલ ડીસીપી હર્ષદ મહેતા, અને મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. સાપરા સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં ર૩પ મહિલા અરજદારો અને જેની વિરૂધ્ધમાં અરજી કરવામાં આવી હતી. તે તમામ આરોપીઓ હાજર રહ્યા હતાં. દરેક અરજદારને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યકિતગત રીતે મળી બંને પક્ષની ફરિયાદો સાંભળી હતી. મહત્તમ ઘરેલુ હિંસાના કિસ્સામાં પોલીસે સમાધાન થાય તેવા પ્રયાસો કર્યા હતાં. અને તેના ભાગ રૂપે ૯ર મહિલા અરજદારોએ પોતાની અરજી પાછી ખેંચી ફરીથી પતિ અને સાસરીયા સાથે સુખશાંતિથી ગૃહસ્થ જીવન જીવવાની તૈયારી બતાવી હતી અને છ મહિલા અરજદારોએ ઘરેલુ હિંસામાં પતિ અને સાસરીયાઓ સામે કાનૂની કાર્યવાહીની ઇચ્છા વ્યકત કરતાં પોલીસે એ તમામ છ કિસ્સામાં ગુના દાખલ કર્યા છે.

જેમાં ગંજીવાડા શેરી નં. ર માં રહેતા રઇશાબેન અબ્દુલાશા સૈયદ (ઉ.૩ર) ને માળીયા મિંયાણા રહેતો પતિ અબ્દુલાશા હાકમશા સૈયદ, તથા સાસુ હસીનાબેન વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ અંગે ફરીયાદ થઇ છે.

જયારે બીજી ફરિયાદમાં સોની બજાર ખત્રીવાડ ખેતશી વોરાની શેરીમાં રહેતા કલ્પનાબેન અશ્વિનભાઇ કાકુ (ખત્રી) (ઉ.૪૦) ને પતિ અશ્વિ કાન્તીલાલ, દીયર જતીન કાંતીલાલ, નણંદ દિપ્તી કાંતીલાલ (રહે. હસનવાડી) અને જામનગરના કાકાજી સસરા ઇશ્વર વૃજલાલભાઇ કાકુ સામે મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપી મારકુટ કરતા હોવાની ફરિયાદ કરી છે.

જયારે ત્રીજી ફરીયાદમાં રૈયા રોડ બ્રહ્મ સમાજ ચોકમાં અઢી વર્ષથી માવતરે રીસામણે આવેલ રોજીલાબેન નિશારભાઇ ખોખર (ઉ.રપ) ના ત્રણ વર્ષ પહેલા જૂનાગઢ ખામધ્રોળ રોડ હર્ષદનગરમાં રહેતા નિસાર જપાલભાઇ ખોખર સાથે લગ્ન થયા હતાં. પતિ નિસાર હાલ આફ્રીકા રહે છે. લગ્નના દોઢ મહિનો સારી રીતે રાખ્યા બાદ ગભર્વતી થયા બાદ સાસુ ગુલસન જમવાનું આપતા ન હતાં. બાદ પતિ નીસાર, સાસુ ગુલશન, સસરા જમાલ હમીરભાઇ ખોખર, નણંદ મહેક, અને પલક મોહસીનભાઇ અવાર નવાર શારીરિક માનસીક ત્રાસ આપતા ફરીયાદ કરી છે. જયારે ચોથી ફરીયાદમાં નવા થોરાળા મેઇન રોડ પર રહેતા તૃપ્તીબેન મેહુલભાઇ કટારીયા (ઉ.૩૦) ને પતિ મેહુલ માધુભાઇ કટારીયા, સાસુ શોભાનબેન, સસરા માથુ ધનજીભાઇ, તથા દિયર રાહુલ  અને નણંદ પ્રીયંકા અવાર નવાર નાની નાની વાતમાં મેણા - ટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપી કરિયાવર ઓળવી ગયાની ફરીયાદ થઇ છે.

જયારે પાંચમી ફરીયાદમાં શાપર આદર્શ રેસીડેન્સી ડી.-૧૦પ એ પરાપીપળીયામાં રહેતા બિનલબેન રવિન્દ્ર કારેલી (ઉ.૩ર) એ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં પોતાના નવ વર્ષ પહેલા જયંતી કારેલી ના પુત્ર રવિન્દ્ર સાથે લગ્ન થયા હતા લગ્નના થોડા સમય બાદ સાસુ-સસરા અવાર-નવાર નજીવી બાબતે મેણા-ટોણા મારી ઝઘડો કરે છે. છેલ્લા એક વર્ષથી પતિ રવિન્દ્રને તેના મામાની દીકરી સાથે આડા સંબંધ હોઇ તેથી તે ઝઘડો કરી તુ ગમતી નથી તેમ કહી માર મારતા ફરીયાદ કરી છે.

જયારે છઠ્ઠી ફરીયાદમાં ત્રંબા કસ્તુરબા ધામમાં રહેતી ડીમ્પલ વસંતગીરી ગોસ્વામી (ઉ.ર૧) નો ૭-પ-૧૭ ના રોજ જામનગર મિત્ર કોલોની બસ સ્ટેન્ડ પાછળ રહેતા હાર્દિકગીરી જીતેન્દ્રગીરી ગોસાઇ સાથે લગ્ન થયા હતાં. લગ્નના એક માસ બાદ પતિ હાર્દિકગીરી, સાસુ આશાબેન તથા સસરા જીતેન્દ્રગીરી અવાર નવાર ઘરકામ બાબતે  મેટા-ટોણા મારી ઝઘડો કરી મારકૂટ કરતા હોવાનું જણાવ્યું છે.

(4:02 pm IST)