Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

વોકહાર્ટમાં ૧૭ સે.મી. ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરતા ડો.મનીષા સિંઘ પટેલ

રાજકોટ તા. ર૦ :.. એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં રેખાબેન (નામ બદલાવેલ છે) (ઉ.૪૩) નામના એક અપરીણિત મહિલા ર૦ અઠવાડીયાના કદની ગર્ભાશયની ગાંઠની તકલીફ સાથે આવેલ હતાં. હોસ્પિટલના યુવા કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રીશ્યન અને ગાયનેક લેપ્રોસ્કોપીક સર્જન ડો. મનીષા સિંઘ પટેલ દ્વારા આ મહિલા દર્દીની સારવાર ચાલુ કરવામાં આવેલ. દર્દીને પેટના નીચેના ભાગમાં સામાન્ય ભરાવા સિવાય અન્ય કોઇ લક્ષણો ન હતા મુખ્યત્વે આવી ર૦ અઠવાડીયાના કદની ગાંઠમાં કબજીયાત, માસીકમાં અનિયમિતતા વિગેરે જેવા લક્ષણો હોય છે. પરંતુ આ દર્દીને આવા કોઇ જ લક્ષણો ન હતાં. જો આટલા મોટા કદની ગાંઠની સારવાર ન કરવામાં આવે તો તે સમય જતા અત્યંત દુખાવો, તાવ, કબજીયાત તેમજ અમુક કિસ્સામાં કેન્સરની ગાંઠમાં પરિવર્તીત થઇ શકે છે.

આ દર્દીને અન્ય હોસ્પિટલમાં ૧૭ સેન્ટીમીટર જેટલી મોટી ગાંઠના લીધે આખુ ગર્ભાશય પેટ પર ચેકો મુકીને કાઢવાની સલાહ આપવામાં આવેલ જેમાં દર્દીને ઓછામાં ઓછુ પાંચ દિવસ દાખલ થવાની જરૂર હોય છે. પરંતુ ડો. મનીષા સિંઘ પટેલે દર્દીને દૂરબીનના ઓપરેશનથી ગર્ભાશય બચાવીને માત્ર ગાંઠનું ઓપરેશન કરવાની સલાહ આપેલ. જેમાં દર્દીની સહમતી બાદ તેમને  દાખલ કરીને ઉપરોકત જણાવેલ ગર્ભાશયની ૧૭ સેન્ટીમીટર જેટલી મોટી ગાંઠનું દૂરબીન અને અન્ય આધુનિક સાધનો વડે લેપ્રોસ્કોપીક માયોમેકટોમીનું સફળ ઓપરેશન કરવામાં આવેલ તેમજ ઓપરેશનના દિવસથી જ દર્દીને પ્રવાહી ખોરાક માત્ર ચાર કલાકમાં ચાલુ કરવામાં આવેલ હતો. બીજા જ દિવસે દર્દીને પોતાની દૈનિક ક્રિયાઓમાં જરા પણ તકલીફ ન પડતા અને સંપૂર્ણપણે દર્દરહિત દૂરબીનના સફળ ઓપરેશન પછી હળવો આહાર પણ લઇ શકતા હોવાથી હોસ્પિટલમાં રજા આપવામાં આવેલ.

સારવારથી સંતુષ્ટ એવા દર્દીએ વોકહાર્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. મનીષા સિંઘ પટેલનો અને વોર્ડ તથા ઓટી સ્ટાફનો આભાર માનેલ અને ઓપરેશન પછીના માત્ર પાંચમાં દિવસે દૂરબીનથી થયેલ ઓપરેશનના બધા જ ટાંકા કઢાવીને પોતાના રોજબરોજના કામોમાં વ્યસ્ત થઇને અન્ય દર્દીઓ માટે ઉત્કૃષ્ટ  ઉદાહરણ પુરૂ પાડેલ હતું. (પ-૧૭)

(3:57 pm IST)