Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મેયરની જાહેરાત

ટીપર વાનની અનિયમીતતા દૂર કરવા બ્લેક બોક્ષ-જીપીએસ-નવા ટેન્ડર

ઘરે ઘરે કચરો એકત્રીત કરવાની ટીપર વાન યોજનાને વધુ સુદ્રઢ બનાવવા હવે ઝોનવાઈઝ ૬-૬ વોર્ડના વિભાગ બનાવી ટેન્ડરો પ્રસિદ્ધ થશેઃ સેનેટરી ઈન્સ્પેકટર મોબાઈલ પર ટીપર વાનનું લોકેશન જાણી શકશે

રાજકોટ, તા. ૨૩ :. શહેરમાં ઘરે ઘરેથી કચરો એકત્રીત કરવા માટે ટીપર વાનની યોજના વધુ સુદ્રઢ બનાવવા નવી અત્યાધુનિક ટેકનોલોજી વાળી જી.પી.એસ.  સીસ્ટમ અપનાવવા અને નવા ટેન્ડરો પ્રસિદ્ધ કરવાની જાહેરાત મેયર ડો. જૈમન ઉપાધ્યાયે કરી છે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, હાલમાં જૂની ૨૩ વોર્ડની પદ્ધતિ મુજબ ૪ - ૪ વોર્ડના વિભાગો પાડી ઘરે ઘરેથી કચરો એકત્રીત કરવા માટે ટીપર વાનના કોન્ટ્રાકટ અપાયા છે.

આ માટે એમ.જે. સોલંકી અને પાવરલાઈન એમ બે એજન્સી પાસે કોન્ટ્રાકટ છે.

ડો. જૈમન ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે રાજકોટ શહેરમાં સવારે ૩૦ર તેમજ બપોરના ૮૯ અને રાત્રીના ૧૭ મીની ટિપ્પર દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવેલ. પરંતુ ડોર ટુ ડોર કચરા કલેકશન માટે શહેરમાંથી મીની ટિપ્પર કચરો લેવા નહિ આવવાની, મોડુ આવે તેમજ કચરો ન લેવાની જુદી જુદી ફરીયાદો ન આવે અને ડોર ટુ ડોર કલેકશનની કામગીરી સુદૃઢ બને તે માટે જી.પી.એસ. સિસ્ટમમાં જરૂરી સુધારો કરવામાં આવશે અને તેનું મોનીટરીંગ વ્યવસ્થિત થાય તે રીતે આયોજન કરવામાં આવેલ છે અને નવી બ્લેક બોક્ષ સોફટવેરની જી.પી.એસ. સીસ્ટમ સુદૃઢ બનતા મીની ટિપ્પર વાન પોતાના વિસ્તારમાં કયારે પહોંચ્યું, અથવા નથી પહોંચ્યું, કયાં ઉભુ રહ્યું, કયા સમયે પહોંચ્યું તેની તમામ વિગત આંગણીના ટેરવે મળી રહેશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં વોર્ડ ઓફીસર, એસ.આઇ. વિગેરેને પણ આ કામગીરીની માહિતી મળતી રહેશે.

રાજકોટ શહેર સ્વચ્છ શહેર રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઇ ઝુંબેશ, નિયમિત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થાય, રોજે રોજ સફાઇ થાય તે માટે પગલા લઇ રહેલ છે અને ટીપ્પરવાન માટે રૂ. ૧૦ કરોડનું બજેટ જોગવાઇ છે ત્યારે શહેરના નગરજનો પણ સફાઇ રાખવામાં જાગૃતતા દાખવે તેવી મેયરશ્રીએ અપીલ કરેલ.

(4:18 pm IST)