Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તાપ - ગરમી હજુ પીછો નહિં છોડે

અંદામાન નિકોબાર આસપાસ એક મજબૂત અપરએર સાયકલોનીક સરકયુલેશન થવાની સંભાવનાઃ રાજયમાં આજથી ત્રણ દિ' ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે, ત્યારબાદ આંશિક ઘટાડાની સંભાવના : બફારો પણ વધશે : રાજકોટમાં સવારે ૨૯ ડિગ્રી, ૧૮ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન

રાજકોટ, તા. ૨૩ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતભરમાં ગરમીથી પ્રજાજનોની હાલત દયનીય બની છે. પશુપક્ષીઓની હાલત પણ ખરાબ છે. દરમિયાન હજુ આકરા તાપ ગરમીથી છુટકારો મેળવવો સંભવ નથી.

આજથી ત્રણ દિવસ ગરમીનો પારો ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે. કોઈ - કોઈ જગ્યાએ ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ રહેશે.

રાજયના અલગ અલગ વિસ્તારોમાં આગાહી દિવસો દરમિયાન તાપમાનનો પારો મોટાભાગના વિસ્તારોમાં તા.૨૨ થી તા.૨૫માં ૪૦ થી ૪૩ ડિગ્રી સુધી જોવા મળશે. તા.૨૬ થી ૨૯માં કયાંક તાપમાન આંશિક ઘટશે. જેમ કે સુરત, ભાવનગર તો કયાંક તાપમાન જળવાય રહેશે જેમ કે અમદાવાદ ડીસા, ટુંકમાં રાજયના મોટાભાગના વિસ્તારમાં ત્રણેક દિવસ ઉંચુ રહેશે. બાદ કયાંક આંશિક ઘટશે તો કયાંક જળવાશે.

હાલ રાજયના વિસ્તારોમાં સવારના ભેજનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. જે પાછલા દિવસો ભેજનું પ્રમાણ ઉંચુ જશે. બફારો વધશે. તેમજ એકલ દોકલ વિસ્તારમાં લોકલ વાતાવરણથી વાદળ બંધાયને ઝાપટુ પડી જાય. સુરત આસપાસના વિસ્તારમાં વધુ શકયતા તેમજ રાજયભરના વિસ્તારોમાં પાછલા દિવસોમાં પવન પણ વધુ જોવા મળશે. અંદામાન નિકોબાર આસપાસ એક મજબૂત અપરએર સાયકલોનીકલ સરકયુલેશન થાય તેવી શકયતા છે.

દરમિયાન રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ અસહ્ય તાપ સાથે ગરમીનો માહોલ જોવા મળે છે. ગઈસાંજે ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયેલ. આજે સવારે ૨૯ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.(૩૭.૪)

 

(12:09 pm IST)