Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

થોરાળાના વિજયનગરના ખુણે બાઇક ઝાડમાં અથડાતાં વિધવા માતાના એકના એક પુત્ર રાકેશ કોળીનું મોત

રાત્રે એકાદ વાગ્યે મિત્રોથી છુટો પડી ગંજીવાડાથી રણુજા મંદિર પાસે ઘરે જવા નીકળ્યો ને કાળ ભેટ્યો

રાકેશ ઉર્ફ સાગર કોળીનો નિષ્પ્રાણ દેહ, જેમાં બાઇક અથડાયું એ ઝાડ અને ઘટના સ્થળે ઝાડથી થોડે દૂર લોહીનું ખાબોચીયુ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: થોરાળાના વિજયનગરના ખુણે મોડી રાત્રે એકાદ વાગ્યે બાઇક લીમડાના ઝાડ સાથે અથડાતાં બાઇક ચાલક રણુજા નગરમાં રહેતાં વિધવા માતાના એકના એક ૨૦ વર્ષના પુત્રનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રણુજા મંદિર પાસે રહેતો રાકેશ (સાગર) ભરતભાઇ મકવાણા (ઉ.૨૦) નામનો કોળી યુવાન અગાઉ ગંજીવાડામાં રહેતો હોઇ તેના મિત્રોને મળવા માટે રાત્રે અહિ આવ્યો હતો. એકાદ વાગ્યા સુધી વાતો કરી બધા છુટા પડ્યા બાદ તે બાઇક હંકારી ઘરે જવા નીકળ્યો ત્યારે વિજયનગરના ખુણા પાસે પહોંચતા લીમડાનું ઝાડ ન દેખાતાં ધડાકાભેર અથડાતાં મોઢા-કપાળે ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયો હતો.

લોકો ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કરતાં થોરાળાના પી.એસ.આઇ. જે. જી. ચોૈધરી અને સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકની ઓળખ થતાં તે રણુજા નગરમાં રહેતો રાકેશ ઉર્ફ સાગર કોળી હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

પોલીસે મૃતકના બનેવી મનહર સોસાયટીમાં રહેતાં સાગરભાઇ બાલાભાઇ વાવણીયા (ઉ.૨૨)ની ફરિયાદ પરથી મૃતક રાકેશ સામે બેફીકરાઇથી બાઇક હંકારી ઝાડ સાથે અકસ્માત સર્જી પોતાને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવવા સબબ ગુનો નોંધ્યો હતો. કરૂણતા એ છે કે રાકેશ એક બહેનથી નાનો અને વિધવા માતા નયનાબેનનો એકનો એક પુત્ર હતાં. તેની બહેનની બે મહિના પહેલા જ સગાઇ થઇ છે. તે છુટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. આધારસ્તંભ દિકરાના મોતથી માતા-બહેન શોકમાં ગરક થઇ ગયા હતાં. (૧૪.૫)

રાકેશ ખરેખર ઝાડમાં અથડાયો કે બીજુ કંઇ બન્યું? બનેવીએ સીસીટીવી ફૂટેજ ચકાસવા માંગણી કરી

. મૃતક રાકેશ ઉર્ફ સાગરના બનેવી સાગર વાવણીયાએ જણાવ્યું હતું કે સાળો રાકેશ જે લીમડાના ઝાડમાં અથડાયો તેનું થડ એકદમ પાતળુ છે, જો અકસ્માત સર્જાય તો ઝાડ કદાચ તુટી જાય. બનાવ ખરેખર અકસ્માતનો જ છે કે કેમ? તે જાણવા અમે સીસીટીવી ફૂટેજ ચેક કરાવવા માંગણી કરી છે.

(12:06 pm IST)