Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સ્‍થા. જૈનો ૨૮મીથી અને દેરાવાસી સમાજ ૨૯મીથી આયંબીલ તપ આરાધના આરંભશે

ચૈત્ર સુદ તેરસના દિવસે મહાવીર જન્‍મકલ્‍યાણક મહોત્‍સવ ઉજવાશે : ઉપાશ્રયો-જિનાલયોમાં શ્રાવક-શ્રાવિકાઓ માટે આયંબીલની વ્‍યવસ્‍થા

રાજકોટ,તા. ૨૩ : આગામી ૨૮-૨૯ માર્ચથી જૈન સમાજની ચૈત્ર માસની શાશ્વતિ આયંબીલ ઓળીનો પ્રારંભ થઇ રહ્યો છે. ૨૮મી માર્ચે સ્‍થાનકવાસી તથા ૨૯મી માર્ચથી દેરાવાસી જૈનોની આયંબીલ ઓળીની શરૂઆત થશે.

જૈનોમાં ચૈત્ર માસની નવપદની આયંબીલ ઓળીનું સવિશેષ મહત્‍વ રહેલું છે. નવપદની આયંબીલ ઓળીની પાછળ શ્રીપાળ-મયણા સુંદરીની વાતપ્રચલીત છે. મયણાસુંદરીએ નવપદની આયંબીલ ઓળી કરીને રોગને મટાડયો હતો. જે પણ શ્રાવક -શ્રાવિકાઓ આ આયંબીલની ઓળી કરે છે તેના દરેક રોગ દૂર થાય છે. બાળકોથી લઇ મોટાઓ આયંબીલની ઓળી કરી પુણ્‍યનું ભાથુ બાંધતા હોય છે.

ઘણા શ્રાવક શ્રાવિકાઓ પ્રથમ આયંબીલ, છેલ્લી આયંબીલ અથવા મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણકના દિવસે આયંબીલ કરતા હોય છે. જેઓ વર્ષમાં કયારેક પણ આયંબીલ ન કરતા હોય તેઓ પણ આ દિવસોમાં આયંબીલ કરે છે.

આયંબીલ ઓળીના સાતમા દિવસે એટલે કે ચૈત્ર સુદ તેરસના દિવસે મહાવીર જન્‍મકલ્‍યાણક મહોત્‍સવની ઉજવણી થશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં દરેક ઉપાશ્રયો તથા જિનાલયોમાં શ્રાવક-શ્રાવિકાઓ માટે આયંબીલ કરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ રાજકોટમાં મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણકના દિવસે આકર્ષક ફલોટ સાથેની વિશાળ શોભાયાત્રા નિકળશે.

મોરબીમાં આ વર્ષે મોરબી સમસ્‍ત જૈન સમાજ દ્વારા ચૈત્રમાસની સામુહિક આયંબીલ ઓળીનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૨૮ માર્ચથી ૬ એપ્રિલ સુધી દેરાવાસી તથા સ્‍થાનકવાસી જૈનોની સમુહમાં આયંબીલ ઓળી થશે. જેમાં આચાર્ય રશ્‍મિરત્‍નસુરીશ્વરજી મ.સા. આદીઠાણા ૧૭, સાધ્‍વીજી મનીષરેખાશ્રીજી મ.સા. આદી ઠાણા ૮, શીલરત્‍નાશ્રીજી મ.સા. આદી ઠાણા-૧૦, ગોંડલ સંઘાણી સમુદાયના પૂ. રાજેશ્વરીબાઇ મહાસતીજી આદીઠાણા -૪, અજરામર સંપ્રદાયના બા.બ્ર. વર્ષાકુમારી મહાસતીજી આદી ઠાણા-૩ની નિશ્રામાં સમુહ આયંબીલ ઓળી થશે.

રાજકોટના દરેક ઉપાશ્રય તથા દેરાસરમાં આયંબીલ ઓળીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેનો મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવીકાઓ લાભ લેશે.

ઉલ્લેખનીય છે કે આયંબીલ ઓળી મહામંગળકારી હોવાથી અનેક વિધ્‍નોનો નાશ થાય છે. આયંબીલ કરવાથી વિકારોનું શોષણ થાય છે. શરીરને જોઇતુ પોષણ પણ મળી રહે છે. આમા આહારનો સવર્થા ત્‍યાગ નથી. મરી મસાલા તેલ મરચા ફળ વગેરેનો ઉપયોગ નથી કરવાનો હોતો ફકત સુકુ ભોજન એક જ સમયે લેવાનું હોય છે.

(10:35 am IST)