Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મહિલા પીએસઆઈ સાથે ગેરવર્તન કરનાર ભાજપના કોર્પોરેટર સોફીયા દલ અને તેના પતિ જાવિદ તથા બે પુત્રીની અટકાયત

કોર્પોરેટર તથા તેની બે પુત્રી સામે થયેલ અરજી અંગે મહિલા પીએસઆઈ બજરંગવાડીમાં ઘરે જતા કોર્પોરેટરના પરિવારજનોએ ડખ્ખો કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી

રાજકોટ, તા. ૨૩ :. મહિલા પીએસઆઈ સાથે ગેરવર્તન કરનાર વોર્ડ નં. ૨ ના ભાજપના મહિલા કોર્પોરેટર તથા તેના પતિ અને બે પુત્રીઓની આજે બપોરે ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ વોર્ડ નં. ૨ના ભાજપના મહિલા કોર્પોરેટર સોફીયા દલ અને તેની બે પુત્રી સામે મહિલા પોલીસ મથકમાં અરજી થઈ હતી. આ અરજી અનુસંધાને મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ આજે બપોરે બજરંગવાડીમાં કોર્પોરેટર સોફીયા દલના ઘરે ગયા હતા, જ્યાં કોર્પોરેટર સોફીયા દલના પરિવારજનોએ પોલીસ સાથે પોલીસ સાથે ડખ્ખો કરી ગેરવર્તન કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવને પગલે બજરંગવાડીમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

દરમિયાન આ બનાવ અંગે મહિલા પીએસઆઈએ કંટ્રોલરૂમમાં જાણ કરતા ગાંધીગ્રામના પીઆઈ વિજય ઓડેદરા, પોલીસ કાફલા સાથે બજરંગવાડી દોડી ગયા હતા અને મહિલા પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કરનાર મહિલા કોર્પોરેટર સોફીયા દલ, તેના પતિ જાવીદ દલ તથા તેની બે પુત્રીઓની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ ગયા હતા. આ લખાય છે ત્યારે કોર્પોરેટર સોફીયા દલ તથા તેના પરિવારજનો સામે ફરજમા રૂકાવટનો ગુન્હો નોંધવાની તજવીજ થઈ રહી છે.

(4:09 pm IST)