Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ચાર બાઈક ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચઃ બે શખ્સોની ધરપકડ

નવઘણ સોલંકીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અને લાખા વાઘેલાને કુવાડવા રોડ ઉપરથી ઝડપી લીધાઃ ચાર ચોરાઉ બાઈક કબ્જે

રાજકોટ, તા. ૨૩ :. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ બ્રીજ નીચેથી અને કુવાડવા રોડ ઉપરથી ક્રાઈમ બ્રાંચે બે દેવીપૂજક શખ્સોને ચોરાઉ બાઈક સાથે ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ ચાર બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી અને એસીપી જયદીપસિંહ સરવૈયાએ ચૂંટણીલક્ષી પેટ્રોલીંગ કરી શરીર સંબંધી અને મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. ત્રિવેદી, હેડ કોન્સ. સામતભાઈ ગઢવી, રાજેશભાઈ બાળા, અજીતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઈ બાવળિયા, ઈન્દ્રજીતસિંહ ગોહિલ, રઘુવીરસિંહ વાળા અને સિદ્ધાર્થસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ અને અજીતસિંહને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેના બ્રીજ નીચેથી નવઘણ રામજી સોલંકી (ઉ.વ.૨૩, રહે. સાલખડા, તા. ચોટીલા)ને એક ચોરાઉ બાઈક સાથે અને કુવાડવા રોડ ઉપરથી લાખા જેરામ વાઘેલા (ઉ.વ. ૨૫, રહે. રૈયાધાર તથા માર્કેટીંગ યાર્ડ પાસે ઝુપડામાં)ને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. પોલીસે નવઘણ સોલંકીની પૂછપરછ કરતા વધુ બે બાઈક ચોરીની કબુલાત આપતા ત્રણ ચોરાઉ બાઈક કબ્જે કર્યા હતા. આ બન્ને શખ્સોએ તાલુકા, પ્ર.નગર અને બી-ડિવીઝન પોલીસ હેઠળના વિસ્તારમાંથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. આમ પોલીસે બન્ને શખ્સો પાસેથી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી તપાસ આદરી છે.

(3:39 pm IST)