Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અકિલાના મોભી તથા લોહાણા શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાની ઉપસ્થિતિમાં

''ચેરીટી બિગીન્સ એટ હોમ''ના સૂત્રને સાર્થક કરતા લોહાણા મહાજનના હોદ્દેદારો

કારોબારી તથા મહાજન સમિતિની મિટીંગમાં મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ સહિતના હોદ્દેદારોએ દાનની સરવાણી વહેતી કરીઃ યાત્રાધામ દ્વારકા, હરીદ્વાર તથા નાથદ્વારા ખાતેના અતિથિગૃહોને સુવિધાસભર બનાવાશેઃ બુકીંગમાં પારદર્શકતા લવાશેઃ આ માટે સંચાલન સમિતિનું ગઠન ૭૦ વર્ષ પૂર્વેના બંધારણમાં સમયોચિત સુધારા અનિવાર્ય હોવાથી 'બંધારણ સુધારણા કમિટિ'નું ગઠન વાદ નહીં સંવાદ' તથા ' વિવાદ નહીં પરંતુ વિકાસ'ના સૂત્રને સાર્થક કરવા જ્ઞાતિ અગ્રણીઓ-શ્રેષ્ઠીઓનું સ્નેહમિલન નજીકના ભવિષ્યમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાના યજમાનપદે યોજાશેઃ મહાજનવાડીઓના નાવિન્યકરણની કામગીરી પૂરજોશમાં: વાણિયાવાડી મુકામેનો કુંડલીયા હોલ 'વાતાનુકૂલિત' બનાવાયો તથા સાંગણવા ચોકની વાડીના મુખ્ય મેરેજ-ફંકશન હોલનું કાર્ય સંપન્નઃ ઉપરના વિભાગનું કામ ગતિમાં: મહાજનની પ્રોફેશનલ ટીમની જાત દેખરેખ હેઠળ કામગીરીઃ વાદ-વિવાદ દફનાવી આગળ વધીએ તો જ્ઞાતિ એકતાની તથા જ્ઞાતિના મહત્વની નોંધ રાજકીય ક્ષેત્રે સરકારે પણ ચોક્કસ લેવી પડેઃ ખરા અર્થમાં ગર્વનો દિવસ ગણાવતા કિરીટભાઇ

રાજકોટ તા.૨પઃ રાજકોટ લોહાણા મહાજનની કારોબારી તથા સમસ્ત મહાજન સમિતિની મિટીંગ તાજેતરમાં કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે અકિલાના મોભી તથા લોહાણા શ્રેષ્ઠી  કિરીટભાઇ ગણાત્રાની ઉપસ્થિતિમાં મળી હતી.

જ્ઞાતિ ઉત્કર્ષના દ્રઢ નિશ્ચય સાથે મળેલ આ મિટીંગમાં ''ચેરીટી બિગીન્સ એટ હોમ'' ના સૂત્રને લોહાણા મહાજનના હોદ્દેદારોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું . મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા અન્ય મહાજન હોદ્દેદારો-સભ્યો જીતુભાઇ ચંદારાણા, મનસુખભાઇ (કિશોરભાઇ) જમનાદાસ કોટક, ગોરધનભાઇ રાચ્છ, હિરેનભાઇ ખખ્ખર, ઇન્દીરાબેન શીંગાળા, મેહુલભાઇ અરવિંદભાઇ નથવાણી વિગેરેએ દાનની સરવાણી વહેતી કરી દીધી હતી. ર૧ લાખ રૂપિયા જેટલી રકમ જાહેર થઇ હતી.

મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે લોહાણા જ્ઞાતિ ઉપર પ.પૂ. જલારામ બાપાની અસીમ કૃપા છે અને તેથી જ્ઞાતિ હિત તથા જ્ઞાતિ ઉત્કર્ષના એકપણ કામ રૂપિયાનાં વાંકે અટકશે નહીં જેનો મને દ્રઢ વિશ્વાસ છે. સમગ્ર વિશ્વમાં રાજકોટ લોહાણા મહાજન દરેક સમાજ માટે પ્રેરણારૂપ અને નમૂનારૂપ બનશે તેમાં બેમત ન હોવાનું જણાવ્યું હતું. ખાસ આમંત્રણને માન આપીને અતિ વ્યસ્તતા વચ્ચે મિટીંગમાં હાજર રહેલા અકિલાના મોભી  કિરીટભાઇ ગણાત્રાનો મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

પૂરજોશમાં ચાલી રહેલ મહાજનવાડી ઓના નાવિન્યકરણની કામગીરી સંદર્ભે મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું કે વાણિયાવાડી મુકામેનો કુંડલીયા હોલ વાતાનુકૂલિત બનાવાયો છ.ે સાંગણવા ચોકની વાડી ખાતેનો મુખ્ય મેરેજ -ફંકશન હોલનું કાર્ય સફળતાપૂર્વક પુરૂ થઇ ગયેલ છે. સાંગણવા ચોકની વાડીના ઉપરના હોલનું કામ ગતિમાં છે. નાવિન્યકરણની આ તમામ કામગીરી રાજકોટ લોહાણા મહાજનની પ્રોફેશનલ ટીમની જાત દેખરેખ હેઠળ ચાલી રહેલ છે.

અધ્યક્ષ સ્થાનેથી આશીર્વચન આપતા અકિલાના મોભી તથા લોહાણા શ્રેષ્ઠી  કિરીટભાઇ ગણાત્રાએ પોતાના અસરકારક વકતવ્યમાં જણાવ્યું હતું કે વાદ-વિવાદ દફનાવીને જો આગળ વધીએ તો જ્ઞાતિ એકતાની તથા જ્ઞાતિના મહત્વની નોંધ રાજકીય ક્ષેત્રે સરકારે પણ લેવી જ પડે. કારોબારી તથા મહાજન સમિતિની મિટીંગમાં ઉત્સાહપૂર્વકની વિશાળ હાજરી તથા ખરા અર્થમાં 'મહાજનો'ની ઉપસ્થિતિને  કિરીટભાઇ ગણાત્રાએ ગર્વનો દિવસ ગણાવ્યો હતો.

રાજકોટ લોહાણા મહાજનનું હાલનું બંધારણ આશરે ૭૦ વર્ષો પૂર્વેનું હોય, બંધારણમાં સમયોચિત સુધારા અનિવાર્ય હોવાથી કારોબારી મિટીંગમાં સર્વાનુંમતે 'બંધારણ સુધારણા કમિટિ'નું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટિમાં મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન સહમંત્રી રીટાબેન કોટક (ત્રણેય સભ્યોની હોદ્દાની રૂએ નિમણૂંક) ઉપરાંત કાયદાના તજજ્ઞ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, વહીવટી તજજ્ઞ હીરાભાઇ માણેક, કેળવણીકાર નવીનભાઇ ઠક્કર, વ્યવસાયિક તજજ્ઞ રામભાઇ બરછા તથા સખાવતી કાયદાના તજજ્ઞ પ્રકાશભાઇ ખંધેડીયા વિગેરેનો સમાવેશ કરાયો હતો. આ સમગ્ર કમિટી  કિરીટભાઇ ગણાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરશે.

રાજકોટ લોહાણા મહાજન હસ્તકના યાત્રાધામ દ્વારકા, હરીદ્વાર તથા નાથદ્વારા ખાતેના અતિથિગૃહોને સુવિધાસભર બનાવવા માટે પણ કારોબારી તથા મહાજન સમિતિનાં સભ્યોમાંથી સંચાલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. સ્વેચ્છાએ તથા સ્વખર્ચે આ સમિતિ અતિથિગૃહોનું સફળતાપૂર્વક સંચાલન કરશે. ત્રણેય અતિથિગૃહોમાં બુકીંગની કાર્યવાહી ઓનલાઇન થાય અથવા તો પારદર્શિતા સાથે સહેલાઇથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મિટીંગનું સંચાલન મહાજન સહમંત્રી રીટાબેન કોટકે કર્યું હતું.

'વાદ નહીં સંવાદ' તથા 'વિવાદ નહીં પરંતુ વિકાસ'ના સૂત્રને સાર્થક કરવા તથા જ્ઞાતિ એકતાની ઝાંખી કરાવવા માટે અકિલાના મોભી  કિરીટભાઇ ગણાત્રાના યજમાનપદે જ્ઞાતિ અગ્રણીઓ-શ્રેષ્ઠીઓ-ઉદ્યોગપતિઓ-વેપારીઓ-પ્રોફેશનલ્સ તથા રઘુવંશી સંસ્થાઓના પ્રમુખ-મંત્રીઓનું એક સ્નેહમિલન નજીકના ભવિષ્યમાં યોજવામાં આવશે, જેમાં નિમંત્રક તરીકે રાજકોટ લોહાણા મહાજન રહેશે.

યોજાયેલ કારોબારી મિટીંગમાં રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન જોબનપુત્રા(કોટક), ડો. હિમાંશુભાઇ ઠક્કર, ધવલભાલ ખખ્ખર, જીતુભાઇ ચંદારાણા, રીટાબેન કુંડલીયા, એડવોકટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીનભાઇ કારીયા, વિધિબેન જટાણીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખલાલ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, ધવલભાઇ કારીયા વિગેરે હાજર રહ્યાં હતા.

(3:29 pm IST)