Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કાલે ૨૪ માર્ચ-વર્લ્ડ ટીબી ડે

ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે :વિશ્વમાં દરરોજ ૪૫૦૦૦ વ્યકિતઓ ટીબીના કારણે મૃત્યુ પામે છે :દર વર્ષે ટીબીને કારણે ભારતના ૩ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે

રાજકોટ, તા.૨૩ : ૨૪મી માર્ચ ''વર્લ્ડ ટીબી ડે'' છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઉભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે. ટીબીના જંતુઓની શોધ કરનાર ડો.રોબર્ટ કોક નામના મહાન વૈજ્ઞાનિકનો ૧૩૬મો જન્મદિવસ હોવાના કારણે તેમને અંજલી અર્પવા વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઇન્ટરનેશનલ યુનિયન અગેઇન્સ્ટ ટયુબકર્યુલોસિસ એન્ડ લંગ ડીસીસ દ્વારા આ દિવસને ટીબી ડે તરીકે ઉજવવામાંઆવે છે. ટીબી એટલે કે ક્ષય રોગ દુનિયાભરમાં   સૌથી વધુ જીવલેણ ગણવામાં આવે છે. ઇન્ફેકશન જન્ય રોગોમાં સૌથી વધુ ફેલાયેલ આ રોગ છે.

ટીબીનંુ મૂળ નામ ટયુબકર્યુલોસિસ છે. પરાપૂર્વથી વિશ્વમાં જોવા મળતો આ રોગ હજુ પણ તેનો પગદંડો જમાવીને બેઠો છે. વિશ્વના વૈજ્ઞાનિકો, તબીબો, આરોગ્ય કાર્યકરો અને જાહેર આરોગ્યના ક્ષેત્રના તજજ્ઞોના અવિરત પ્રયાસો છતા આ રોગને નાબૂદ તો શંુ નોંધપાત્ર રીતે ઘટાડી પણ શકયા નથી. ૨૪મી માર્ચ ''વર્લ્ડ ટીબી ડે''  છે. વર્લ્ડ ટીબી ડે નિમિતે દર વર્ષની એક થીમ હોય છે. આ વર્ષની થીમ ''વોન્ટેડઃ લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ'' એ છે.

ડો.ચૌધરીએ આ સંદર્ભમાં જણાવેલ હતુ કે સામાન્ય માન્યતા એવી છે કે ટીબી માત્ર ફેફસામાં જ થાય છે પરંતુ ટીબી શરીરના ઘણા બધા અંગોમાં થઇ શકે છે. જેમાં આંતરડા, મગજ, હાડકા, આંખ, ચામડી, લીવર કે સ્ત્રી પુરુષના જનનાંગોમાં પણ ટીબી થઇ શકે છે. ટીબીનો રોગ બેકટેરીયાના ચેપને કારણે થાય છે તેમજ હવા દ્વારા ફેલાય છે. ટીબીના દર્દીના ખાંસવાથી, છીંક ખાવાથી, ગળફો થુકવાથી આ બેકટેરીયા હવા મારફતે ફેલાઇને ચેપ લાગી શકે છે. જે વ્યકિતને ચેપ લાગે તેને આ રોગ થાય જ એવુ નથી. જો વ્યકિતની રોગપ્રતિકારાત્મક શકિત સારી હોય તો તેને ચેપ લાગતો નથી. રોગના લક્ષણો જણાતા નથી. સામાન્ય રીતે ટીબી અતિગરીબ, કુપોષણથી પીડાતા, ધુમ્રપાન કરનાર, આધેડ ઉંમરના લોકો, એચઆઇવીગ્રસ્ત, સ્ત્રીઓ, નાના બાળકો, જેલના કેદીઓ, વૃધ્ધ દર્દીઓ અને ઘર વિહોણી વ્યકિતઓને વિશેષ થાય છે. ટીબીના લક્ષણોઃ લાંબા સમય સુધી ખાંસી, ખાંસીમાં કફ નીકળવો, કફમાં લોહી નીકળવુ, ઊંડો શ્વાસ લેવામાં તકલીફ થવી, કમરના હાડકામાં સોજો રહેવો, કમર, ઘંુટણ, પેટ, માથુ અને પગમાં દુખાવો થવો, શરીરના કોઇપણ ભાગમાં ટીબી થવાના કારણે દર્દીને સાંજે તાવ આવે છે, રાત્રે પરસેવો છુટે છે, થાક, વજનમાં ઘટાડો અને પાચનશકિત મંદ પડી જાય છે.

ટીબી થવાના કારણો : અપૂરતો અને અપોષ્ટીક આહાર, સ્વચ્છતાનો અભાવ, ઓછી જગ્યામાં વધુ લોકોનો વસવાટ એટલે કે વસ્તીની ગીચતા, ટીબી થયેલા દર્દીના સંપર્કમાં આવવાથી, ટીબીની અસરવાળા દર્દી ખાંસે, છીંકે, થુંકે ત્યારે સામાન્ય માણસને હવા મારફતે અસર કરે છે. આથી તેનો ફેલાવો ઝડપી અને બહોળા પ્રમાણમાં અસર કરે છે.

ઇલાજઃ એક જ ટીબીની ઓછામાં ઓછી ૨૦ દવાઓ છે. અલગ અલગ સ્તરે કઇ દવા આપવાની છે તે નકકી કરવામાં આવે છે. ટીબી મટી શકે છે જો ખુબ જ સાવચેતી અને નિયમિતતા સાથે પૂરા છ મહિનાનો ટીબીનો ૪ દવાનો કોર્ષ પૂરો કરવામાં આવે. સરકાર દ્વારા આ માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે અને દરેક ક્ષય નિયંત્રણ કેન્દ્ર પરથી તેની સારવાર મફત આપવામાં આવે છે.

એચઆઇવી અને ટીબીઃ એચઆઇવીના દર્દીઓમાં આ રોગ ખૂબ ઝડપથી અને અલગ અલગ અંગોને અસર કરતો જોવા મળે છે તેમજ ડ્રગ રેસિસ્ટન્ટ ટીબીનંુ પ્રમાણ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

દર વર્ષે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૪ માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડે ઉજવવાનો હેતુ વિશ્વને ટયુબકર્યુલોસિસ (ક્ષય રોગ) મુકત કરવાનો તેમજ તે અંગેની જાગૃતતા ફેલાવવાનો છે. વર્લ્ડ ટીબી ડે ૨૪ માર્ચ ૨૦૧૮નો થીમ ''વોન્ટેડઃ લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ'' એ છે. આ માટે ફકત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જ નહી પરંતુ વિશ્વ કક્ષાએ ડોકટર, નર્સ, હેલ્થ વર્કર, એનજીઓ, સોશ્યલ વર્કર, પોલીટીકલ વર્કર તેમજ ક્ષય રોગના દર્દીઓ પોતે સાથે મળી કામ કરે અને પોતપોતાના ક્ષેત્રમાંથી નાબુદ કરવા આગળ આવે. ''ચાલો સાથે મળીએ, આપણા વિશ્વને ટીબી મુકત બનાવીએ''

-: માર્ગદર્શન અને માહિતી :-

ડો.તેજસ ચૌધરી

એમ.બી.બી.એસ.,એમ.ડી(મેડીસીન)

કન્સલ્ન્ટન્ટ ઇન્ટરનલ મેડીસીન

કન્સલ્ટન્ટ ઇન્ટેન્સીવીસ્ટ

વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ

(4:19 pm IST)