Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જય જય શ્રી રામ : રવિવારે રામ નવમી ઉત્સવ

શ્રીરામ ચંદ્ર કૃપાળુ ભજમન હરન ભવ ભય દારૂણં, નવકંજ લોચન કંજ પદકંજ ચારૂણં

રાજકોટ તા. ૨૩ : આગામી તા. ૨૫ ના શનિવારે ચૈત્ર સુદ નોમના જગતપતિ મર્યાદાપુરૂષોતમ ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ ઉજવવા અનેરી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. રામ લલ્લાના જન્મની ઘડીને વધાવવા ઠેરઠેર આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

સોમેશ્વર મંદિરે કાલે પ્રવચન

શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા રવિરત્ન પાર્ક ખાતે વકતા નિશીથ ઉપાધ્યાય શ્રી રામનવમીનું મહાત્મ્ય વિશે કાલે શનિવારે સવારે ૯:૪૫ થી ૧૦:૪૫ પ્રવચન આપશે.

રામનવમીએ સંકિર્તન મંદિરેથી પ્રભાતફેરી

શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકિર્તન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે શ્રી રામનવમી મહોત્સવ ઉજવવામાં આવશે. સવારે ૫:૩૦ કલાકે સંકિર્તન મંદિરેથી પ્રભાતફેરી નીકળશે. ત્યારબાદ બપોરે ૧૨ કલાકે શ્રી રામ નવમી જન્મોત્સવ આરતી સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

સ્વામિનારાયણ મંદિર મહાપૂજા ધામ

રવિવારે રામનવમી તથા શ્રી સ્વામીનારાયણ જયંતિ હોય ૧૫૦ ફૂટ રીંગ રોડ - બાલાજી હોલ સામે આવેલ સ્વામીનારાયણ મંદિર મહાપૂજા ધામ ખાતે શ્રી નિલકંઠદાસજીના સાનિધ્યમાં શ્રી રામચંદ્ર તથા શ્રી સ્વામીનારાયણ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવમાં સવારે ૬ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી, ૭:૩૦ કલાકે ધજા ચડાવવામાં આવશે. ૭:૩૦ થી ૯:૩૦ સુધી મહાપૂજા થશે તથા શ્રી ઘનશ્યામ મહારાજનો વેદોકતવિધિ મુજબ મહાભિષેક થશે.ઁ બપોરે ૧૨ કલાકે મર્યાદાપુરૂષોતમ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે. સાંજે ૫:૩૦ થી ૭ સુધી બહેનોના ધૂન - કિર્તન બાદ સંધ્યા આરતી થશે. રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦ સુધી સર્વાવતારી, સર્વોપરી અક્ષરાધિપતિ પૂર્ણ પુરૂષોતમ શ્રી સ્વામીનારાયણ ભગવાનનો ૨૩૭ મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. મહાઆરતી થશે. ભાવિકોને લાભ લેવા મહાપૂજાધામ ટ્રસ્ટી મંડળ વતી અરૂણભાઈ નિર્મળની યાદીમાં જણાવેલ છે.

પૌરાણીક રઘુનાથજી મંદિરે ઉજવાશે રામજન્મોત્સવ

જળમુખી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિતે કંસારા મહાજન વાડી, લોહાણા પરા ટાકી પાસે આવેલ પૌરાણીક શ્રી હનુમાનજી મંદિર ખાતે રામ જન્મોત્સવનું ધર્મમય આયોજન કરાયુ છે. બપોરે ૧૨.૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફળાહાર) ની વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર આયોજન માટે કમીટી મેમ્બર જનકભાઇ ઉનડકટ, નીતીનભાઇ સાતા, બાલાભાઇ રાવ, જતીન દક્ષીણી, સુરેશભાઇ પુજારા, કૌશિકભાઇ શીશાંગીયા, જીતુભાઇ શીંગાળા, દીલીપભાઇ જોષી, કાનાભાઇ કેળાવાળા, નાગજીભાઇ કેળાવાળા, મચ્છાભાઇ ચા, કિશોરભાઇ સોમૈયા, જગદીશભાઇ પ્રેસ, કલપેશભાઇ ઉનડકટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ત્રિમૂર્તિ બાલાજી મંદિરે શોભાયાત્રા-યજ્ઞ

૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદિરે રામનવમી ભાવભેર ઉજવાશે. તા.૨૫ ના રવિવારે સવારે ૭ વાગ્યે પૂજન અર્ચન કરી ઉજવણીનો પ્રારંભ થશે. બાદમાં રજત સિંહાસનની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત મંદિરે પધારશે. શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે સ્વાગત કરાશે. તા. ૨૭ ના મંગળવારે સિંહાસન શુધ્ધિકરણ યજ્ઞ રાખેલ છે. બપોરે ૧૨ વાગ્યે બીડુ હોમાશે અને બપોરે ૩ વાગ્યે ધર્મસભા રાખેલ છે. તા. ૩૧ ના શનિવારે ૧૧ કુંડી મહાયજ્ઞ થશે. આ દિવસે સાંજે ૭ વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા ત્રિમૂર્તિ મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:13 pm IST)