Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મોરબી રોડ પર દેરીમાંથી હનુમાનજીની મુર્તિ ખોદીને બહાર ફેંકી દેવાઇઃ પોલીસે શુધ્ધીકરણ કરી ફરીથી પ્રતિષ્ઠા કરાવી

લુખ્ખા-આવારા-નશાખોરો કે જાણભેદૂનો હાથ? તરેહ-તરેહની ચર્ચાઃ ફરિયાદ નોંધવા તજવીજ

મંદિરને શુધ્ધ કરાયું: કોઇએ હનુમાનદાદાની મુર્તિ અંદરથી ઉખેડીને નજીકમાં પડેલા જુના ટાયરની વચ્ચે ફેંકી દેવામાં આવતાં લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો. પોલીસે મુર્તિનું પંચદ્રવ્યથી શુધ્ધીકરણ કરાવી ફરીથી પ્રતિષ્ઠા કરાવી હતી. એ પહેલા મંદિરને એક લત્તાવાસીએ પાણીથી ધોઇને શુધ્ધ કર્યુ હતું.

રાજકોટઃ શહેરના જુના મોરબી રોડ પર આવેલા ચામડીયા ખાટકીવાસ નજીકના ગણેશનગર-૧૧માં આવેલી હનુમાનજીની દેરીમાંથી કોઇ ટીખળીએ દાદાની મુર્તિ ખોદીને બહાર જુના ટાયરના ઢગલામાં ફેંકી દેતાં ચર્ચા જાગી છે. બનાવની જાણ સવારે દર્શન કરવા આવેલા એક બહેનને થતાં તેણે લત્તાવાસીઓને ભેગા કર્યા હતાં અને પોલીસને ફોન કર્યો હતો. વિસ્તારના લોકોના કહેવા મુજબ હનુમાનજીની આ દેરી આઠ-દસ વર્ષથી અહિ છે અને બધા દર્શન પણ કરે છે. કોઇએ રાત્રીના સમયે કે ગમે ત્યારે દાદાની મુર્તિ ખોદી કાઢી હતી અને બહાર ફેંકી દીધી હતી. આ કૃત્ય કોણે અને શા માટે આચર્યુ? તે અંગે તરેહ-તરેહની ચર્ચા થઇ રહી છે. બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકર, પી.એસ.આઇ. એચ. જી. ગોહિલ, ડી. સ્ટાફના મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, એભલભાઇ બરાલીયા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી હતી. જો કે લોકોએ આ કૃત્ય કોણે કર્યુ? તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. જો કે લોકોમાં થતી ચર્ચા મુજબ અગાઉ પણ આવાો બનાવ બન્યો હતો. કોઇ આવારા-લુખ્ખા તત્વો આવુ કરતાં હોવાની શંકા દર્શાવાઇ હતી. એકઠા થયેલા લોકોએ ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું. ઉખેડી ફેંકાયલી મુર્તિ પોલીસ શુધ્ધીકરણ માટે લઇ ગઇ હતી. પેડક રોડ પર આવેલા હનુમાનજીના મંદિરે લઇ જઇ પંચદ્રવ્યથી શુધ્ધીકરણ કરાવાયું હતું અને બાદમાં બ્રાહ્મણને બોલાવી શાસ્ત્રોકત વિધીથી પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. તેમ જણાવાતાં મામલો થાળે પડ્યો હતો.  તસ્વીરમાં હનુમાનજીની દેરી, તેમાંથી ખોદી કઢાયેલી મુર્તિ ટાયર વચ્ચે ફેંકી દેવાઇ તે અને બનાવની જાણ થતાં ભેગા થયેલા લત્તાવાસીઓ તથા તપાસાર્થે પહોંચેલા પોલીસ અધિકારી શ્રી ઠાકર સહિતનો સ્ટાફ દેખાય છે. આ મામલે ફરિયાદ નોંધાવવા તજવીજ થઇ રહી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:30 pm IST)