Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગાંધીગ્રામ રાધિકા પાર્કના કિશોરભાઇને 'ઘૂઘરા'નો શ્વાદ ૬૨ હજારમાં પડ્યોઃ ડેકીમાંથી રોકડ 'છૂ'

કંસારા બજારમાં દૂકાન ધરાવતાં વૈષ્ણવ વૃધ્ધ ગોંડલ રોડ માલવીયા વાડી સામે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા ને 'કારીગીરી' થઇ ગઇઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૩: વાહનોની ડેકી તોડી ચોરી કરતી ગેંગ પણ હવે મેદાનમાં આવી ગઇ છે. ગોંડલ રોડ પર માલવીયા વાડી સામે ગાંધીગ્રામના વૈષ્ણવ વૃધ્ધ ઘૂઘરા ખાવા માટે ઉભા રહ્યા ત્યારે કોઇ નજર ચુકવી તેમના એકટીવાની ડેકીમાંથી રૂ. ૬૨૮૦૦ની રોકડ સાથેનું પર્સ બઠ્ઠાવી ગયાનો બનાવ બન્યો છે.

ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્ક-૨માં રહેતાં અને કંસારા બજારમાં વાસણની દુકાન ધરાવવા ઉપરાંત કમિશન એજન્ટનું પણ કામ કરતાં કિશોરભાઇ મથુરભાઇ ગુંગલા  (ઉ.૬૦) નામના વૃધ્ધ ગઇકાલે સાંજે ગોંડલ રોડ સમૃધ્ધી કોમ્પલેક્ષમાં આવેલી વી. પી. પટેલ આંગડિયા પેઢીમાં ગયા હતાં અનેરૂ. ૪૭૮૦૦ની રોકડ ઉપાડી હતી. પોતાના ૧૫ હજાર પણ અલગથી હતાં. આ રકમ પોતાના એકટીવા નં. જીજે૩સીડી-૬૫૧૭ની ડેકીમાં રાખીને તેઓ રવાના થયા બાદ ગોંડલ રોડ માલવીયા વાડી પાસે પહોંચ્યા ત્યારે નાસ્તો કરવાની ઇચ્છા થતાં માલવીયા વાડી સામે એકટીવા ઉભુ રાખી ઘૂઘરા ખાવા ગયા હતાં.

બે-ત્રણ મિનીટમાં નાસ્તો કરી પાછા પોતાના વાહન પાસે આવ્યા અને પટેલનગરમાં પૈસા આપવા ગયા હતાં. ત્યાં જઇ ડેકી ખોલતાં અંદરથી રોકડ સાથેનું પર્સ ગાયબ જણાતાં એ-ડિવીઝન પોલીસ મથકે પહોંચી જાણ કરતાં  પી.એસ.આઇ. એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)