Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

લખનૌ અને કોલકત્તાના ગઠીયાઓએ રાજકોટના પટેલ યુવાનના ખાતામાંથી ૨૦ લાખ ઉપાડી લીધા

મેટોડામાં આવેલી પેઢીના બોગસ લેટરપેડ, બોગસ ઓથોરીટી લેટર, બોગસ પાન કાર્ડ બનાવી તેના આધારે સુરતથી સીમકાર્ડ મેળવી તેનો ઉપયોગ કરી નેટબેંકીંગથી ૧૦-૧૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા!: ક્રાઇમ બ્રાંચે દાનસીંગ, અનિતા અને ગોવિન્દો બિશ્વાસ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: શહેરના પટેલ કારખાનેદાર યુવાન સાથે લખનોૈ અને કોલકત્તાના ત્રણ ગઠીયાઓએ જબરી ઠગાઇ કરી છે. આ યુવાનની પેઢીનું બોગસ લેટરપેડ ઉભુ કરી તેના આધારે બોગસ ઓથોરીટી લેટર અને સહી સિક્કા બનાવી તેમજ બોગસ પાન કાર્ડ તૈયાર કરી નેટ બેંકીંગના ઉપયોગથી આરટીજીએસ દ્વારા રૂ. ૨૦ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતાં ક્રાઇમ બ્રાંચે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

આ બારામાં યુનિવર્સિટી રોડ પદ્દમનાભ ટાવર ૭-અમાં રહેતાં અને મેટોડા જીઆઇડીસીમાં રાજેન્દ્ર એગ્રો સ્ટોરેજ નામે પેઢી ધરાવતાં જયદિપભાઇ વૃજલાલભાઇ દેપાણી (પટેલ) (ઉ.૨૮)ની ફરિયાદ પરથી લખનોૈ ઉત્તરધોના એ-રોયલ એન્કલેવ ફલેટ નં. ૧૦૩નું સરનામુ ધરાવતાં દાનસીંગ ઓમપ્રકાશસીંગ, અનિતા વિશાલ ગુપ્તા અને કોલકત્તા કાલીબેરી નટા ડમડમ એચ-૧૭ ખાતે રહેતાં ગોવિન્દોબિશ્વાસ ખગેનબિશ્વાસ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૧૧૪, આઇટી એકટ ૬૬-એ, ૬૬સી મુજબ ગુનો નોંધ્યો છે.

જયદિપભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મેટોડાની ફેકટરીમાં કુલ છ ભાગીદારો છે. આ પેઢીનું ખાતુ પરાબજારની દેનાબેંકમાં છે. જેમાં તેના પિતાના નામે મોબાઇલ નંબર રજીસ્ટર કરાવ્યો છે. આ નંબર પરથી નેટબેંકીંગનો પણ પોતે ઉપયોગ કરે છે. આ મોબાઇલ નંબર પર ૧૯ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધીના ગાળામાં અજાણ્યા શખ્સે પેઢીના ખાતામાં ચાર વખત ટ્રાન્જેકશન કરી રૂ. ૨૦ લાખ ઉપાડી લીધા હતાં. પોતાને આ બાબતની જાણ થતાં તાકીદે પોલીસને અરજી કરી હતી.  પોલીસે તપાસ કરતાં આ પટેલ યુવાનની પેઢીનો બોગસ લેટરપેડ બનાવી, બોગસ ઓથોરીટી લેટર તૈયાર કરી તેમજ પેઢીના બોગસ સહી-સિક્કાનો ઉપયોગ કરી તેના આધારે પાનકાર્ડ તૈયાર કરી સુરતની આઇડિયા કંપનીના રિટેઇલ સ્ટોરમાં આ દસ્તાવેજો રજૂ કરી તેના આધારે સીમ કાર્ડ મેળવી લીધા બાદ તેનો ઉપયોગ કરી બેંકમાંથી ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) મેળવી લઇ નેટ બેંકીંગ દ્વારા ગઠીયાઓએ જયદિપભાઇ પટેલની પેઢીના ખાતામાંથી ૧૦-૧૦ લાખ ઉપાડી લીધા હતાં. આ રકમ આરટીજીએસથી અનિતા ગુપ્તાના ખાતામાં અને ગોવિન્દોબિશ્વાસના ખાતામાં જમા થઇ ગયા હતાં. પોલીસે તપાસને અંતે ગુનો નોંધ્યો છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. ડી. પી. ઉનડકટે તપાસ હાથ ધરી છે.(૧૪.૬)

(11:59 am IST)