Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

એક વર્ષ પહેલા ચોરેલુ અડધા લાખનું મંગલસુત્ર હિતેષ ઉર્ફ લાલો વ્યાસ વેંચવા નીકળ્યો ને ઝડપાયો

એ-ડિવીઝનના કોન્સ. હાર્દિકસિંહ અને ઇન્દ્રસિંહની બાતમી પરથી ધરપકડઃ બ્રાહ્મણ શખ્સે મિત્ર હરદેવસિંહ સાથે મળી પડોશીના ઘરમાં જ ચોરી કરી'તી

રાજકોટ તા. ૨૨: એ-ડિવીઝન પોલીસ લૂંટના ગુનાની ઘટના સંદર્ભે પેટ્રોલીંગમાં હતી ત્યારે એક વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. મનહર પ્લોટ-૭માં ભાલોડીયા કોલેજની બાજુમાં રહેતાં હિતેષ ઉર્ફ લાલો મુકેશભાઇ વ્યાસ (બ્રાહ્મણ) (ઉ.૨૯)ને રૂ. ૪૯ હજારના ચોરાઉ મંગલસુત્ર સાથે સોની બજાર પાસેથી પકડી લીધો છે. આ મંગલસુત્ર તેણે એક વર્ષ પહેલા પોતાના જ પડોશી કલ્પેશભાઇ હરેશભાઇના મકાનમાંથી ચોરી કર્યાનું અને તે વખતે આ ચોરીમાં મિત્ર હરદેવસિંહ જગદીશસિંહ પણ સામેલ હોવાનું કબુલતાં તેની ધરપકડ કરી છે.

ગઇકાલે કિસાનપરાથી મહિલા કોલેજ ચોક તરફ જતાં રોડ પર વીમા કંપનીના કર્મચારી રાહુલ સુરેશભાઇ ચાવડા (રહે. સંત કબીર રોડ) સાથે બાઇક અથડાવી નુકસાનીના ખર્ચ બાબતે ઝઘડો કરી એક શખ્સ તેની પાસથેી ૪૦ હજાર લૂંટીને ભાગી ગયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, એ.એસ.આઇ. શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઇ, કોન્સ. ઇન્દ્રસિંહ, નરેશભાઇ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, કરણભાઇ વિરસોડીયા, હાર્દિકસિંહ પરમાર, શૈલેષભાઇ, જગદીશભાઇ વાંક સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે હાર્દિકસિંહ અને ઇન્દ્રસિંહને બાતમી મળી હતી કે લીલા રંગનું ટી-શર્ટ પહેરેલો શખ્સ ચોરાઉ દાગીના વેંચવા આવ્યો છે. તેના આધારે એ શખ્સને સકંજામાં લઇ તલાશી લેતાં મંગલસુત્ર મળ્યું હતું. પુછતાછમાં પોતાનું નામ હિતેષ ઉર્ફ લાલો જણાવ્યું હતું. આકરી પુછતાછમાં આ મંગલસુત્રની મિત્ર સાથે મળી ચોરી કર્યાનું કબુલ્યું હતું. આ શખ્સની વિશેષ પુછતાછ થઇ રહી છે. હાલમાં તે છુટક ડ્રાઇવીંગ કરે છે.

(12:49 pm IST)