Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

જિલ્લા પંચાયતના વહીવટને સંપૂર્ણ પેપરલેસ બનાવવા માટે આગેકદમ

વહીવટી સરળતા અને સમય બચાવ તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરતા ડી.ડી.ઓ

રાજકોટ,તા.૨૩: જિલ્લા પંચાયતના વહીવટને પેપરલેસ બનાવવા માટે અગાઉ શરૂ થયેલી કાર્યવાહી ફરી આગળ વધી રહી છે નવા ડી.ડી.ઓ નવનાથ ગવ્‍હાણએ તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો રાજકોટનો કાર્યક્રમ પૂર્ણ થઈ પછી આવતા અઠવાડિયએ સંપૂર્ણ પેપર લેશ વહીવટ તરફ આગળના પગલાં માંડવામાં આવશે.

કાગળ પરના વહીવટના બદલે ઓનલાઇન વહીવટથી સમયનો બચાવ થાય છે સ્‍ટેશનરીનો ખર્ચ બચે છે. તેમજ વહીવટી સરળતા અને પારદર્શકતા વધે છે. રાજ્‍ય સરકારના પેપરલેસ વહીવટના અભિગમના અનુલક્ષીને અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતમાં ફાઈલોનો વહીવટ પેપરલેસ કરવામાં આવેલ. હવે બાકીની કાર્યવાહી હાલ પરંપરાગત પદ્ધતિથી કાગળ પર ચાલી રહી છે તેને પણ ઓનલાઇન કરી દેવાની નવા ડીડીઓની કલ્‍પના છે.

ભવિષ્‍યમાં સામાન્‍ય સભામાં પણ ઓનલાઇન સંચાલન થાય તે વિચારધીન છે. અત્‍યારે જે કલ્‍પના છે તે સાકાર થાય તો સંપૂર્ણ પેપરલેસ વહીવટવાળી રાજકોટ જિલ્લા પંચાયત ગુજરાતની પ્રથમ પંચાયત બનશે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી લોકોના કાર્ય ઝડપથી થઈ શકે અને સારી રીતે થઈ શકે તે માટે નવા ડી.ડી.ઓ. આગળ વધવા માંગે છે.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં જે દુકાનો આવેલી છે તેના રજીસ્‍ટ્રેશન માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે દુકાનોના રજીસ્‍ટ્રેશન માટે સામાન્‍ય સભામાં ઠરાવ થઈ ગયો છે દુકાનદાર વિનામૂલ્‍યે પોતાના ધંધાની વિગતવાર નોંધણી કરાવી શકશે પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત કરવાની કોશિશ થઈ રહી છે.

(4:22 pm IST)