Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ઘરકામ અને રસોઇ બાબતે મેણાટોણા મારી મારકૂટ કરી પરિણીતાને સુરતમાં સાસરિયાનો ત્રાસ

રેલનગરમાં માવતરના ઘરે આવેલી ખુશ્‍બુ કાલાવડીયાની મહિલા પોલીસમાં પતિ સસરા, નણંદ, નણદોયા સામે ફરિયાદ

રાજકોટ,તા.૨૩: રેલનગર વિસ્‍તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ સુરતમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે ઘરકામ તથા રસોઇ બાબતે મેણાટોણા મારી મારકૂટ કરી ત્રાસ આપતા ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં માવતરના ઘરે રહેતી ખુશ્‍બુબેન (ઉ.વ ૨૯) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં સુરતમાં રહેતા પતિ રાજેશ કાલાવડીયા, સસરા બાબુભાઈ કાલાવડીયા, નણંદ ભૂમિકા તેમજ રાજકોટમાં રહેતી અન્‍ય નણંદ કૈલાસ અને નણદોયા રાકેશ સામે ફરિયાદ નોંધાવી છે.

ખુશ્‍બુએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેણીના લગ્ન ગત તારીખ ૧૮/ ૨/ ૨૦૧૮ ના સુરતના રાજેશ કાલાવડીયા સાથે થયા હતા. આ લગ્નજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. જે હાલ પતિ પાસે છે લગ્નના છએક માસ સારી રીતે રાખ્‍યા બાદ મોટા નણંદ સાતમ આઠમ કરવા ઘરે આવ્‍યા હતા ત્‍યારે તેણે પતિને કહ્યું હતું કે, ખુશ્‍બુ જમવાનું સારું બનાવતી નથી અને ઘરનું કામ નથી કરતી તેને બહારનું કામ કરાવ,નણદોયા પણ પતિની ચઢામણી કરતા હતા. સસરા કહેતા તું ઘરમાં રસોઈ સારી બનાવતી નથી,ઘરકામ કરતી નથી તેમ કહી અપશબ્‍દ બોલતા હતા. પતિને કહેતા આને કાઢી મુક બીજી સારી છોકરી સાથે પરણાવી દઈશું. અન્‍ય નણંદ ભૂમિકા જે કુંવારી હોય તે અવારનવાર પરિણીતાએ કહેતી કે તને ઘરમાંથી કાઢી મૂકી ને પછી જ હું સાસરે જઈશ. પ્રેગ્નન્‍સી સમયે પરિણીતાને ઉલટીઓ થતાં નણંદ કહેતી કે, તું નાટક કરે છે પ્રેગ્નન્‍સી સમયે પણ બધું કામ કરાવતા હતાં. પાડોશીઓ સાથે વાતચીત પણ કરવા દેતા ન હતા અને શંકા કુશ શંકા કરતા હતાં.પતિ ઝઘડા કરી હાથ પણ ઉપાડી લેતો હતો. ઘરમાં ગણપતિ બેસાડ્‍યા હતા તે સમયે મહેમાન આવ્‍યા હોય પરિણીતાની તબિયત ખરાબ હોય ઘરકામ ન થતા સસરાએ ઝઘડો કર્યો હતો અને આ બાબતે પતિને કહેતા પતિએ કહ્યું હતું કે, મારે તું જોઈતી નથી ઘરની બહાર નીકળી જા આ સમયે લાગી આવતાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને હોસ્‍પિટલ ખસેડાઈ હતી. બાદમાં સમાધાન થઈ જતા તે ફરી સાસરીયે આવી હતી. ત્‍યારબાદ એકથી વધુ વખત તે રિસામણે ગઈ હતી પરંતુ ઘર સંસાર ચલાવવો હોય ફરી સાસરીયા આવી જતી હતી. પરંતુ તેમ છતાં પતિ સહિતના સાસરિયાંઓનો ત્રાસ યથાવત રહેતા અંતે કંટાળી જાઇ તેણે આ ફરિયાદ નોંધાવી છે.

(4:18 pm IST)