Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

સનસનાટી...હેરોઇનનો જથ્‍થો રાજકોટ લાવવાનો હતો !

ઇરાનથી લવાયેલો જથ્‍થો રાજકોટ આવવાનો હોવાની સનસનીખેજ વાત સપાટી ઉપર આવતા હવે એ ફલીત થઇ ગયું છે કે રાજકોટ પણ ડ્રગ્‍સ માટેનું સંવેદનશીલ સેન્‍ટર બની રહયું છે

રાજકોટ, તા., ર૩: વહેલી સવારે વેરાવળની નલીયા ગોદી ઉપર ગીર સોમનાથ પોલીસ વડા  શ્રી જાડેજાની રાહબરી હેઠળ   એસઓજીના પીઆઇ એમ.એન.રાણા અને પીએસઆઇ અરવિંદસિંહ જાડેજાની ટુકડી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ઇરાનથી લવાયેલો હેરોઇનનો જથ્‍થો ઝડપી લેવામાં આવ્‍યો હતો. આ જથ્‍થો રાજકોટમાં ડીલીવર કરવાનો હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલતા ભારે સનસનાટી મચી જવા પામી છે.

રાજકોટમાં છાશવારે ગાંજા અને એમડી ડ્રગ્‍સના છુટા છવાયા કેસો થતા હોય છે. આ વચ્‍ચે હેરોઇનનો મોટો જથ્‍થો રાજકોટમાં આવવાનો હોવાનું બહાર આવતા રાજકોટ પોલીસની આંખો પણ ચાર થઇ ગઇ છે. આ જથ્‍થો કોને પહોંચાડવાનો હતો ? તેનું નામ ગીર સોમનાથ પોલીસ પાસેથી જાણી ઝડપી લેવાના ચક્રો ગતીમાન કરવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટનું યુવાધન છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્‍સના રવાડે ચડયાનું અને નશાકારક દ્રવ્‍યો આસાનીથી મેળવી લેવાતા હોવાની ફરીયાદો માધ્‍યમો સુધી પણ પહોંચતી હતી. પોલીસ પણ કોલેજો અને સ્‍કુલોમાં જાગૃતી કાર્યક્રમો યોજી યુવાનોને ડ્રગ્‍સથી દુર રાખવા સેમીનારો યોજતી રહે છે. ઇરાનથી લવાયેલો જથ્‍થો રાજકોટ આવવાનો હોવાની સનસનીખેજ વાત સપાટી ઉપર આવતા હવે એ ફલીત થઇ ગયું છે કે રાજકોટ પણ ડ્રગ્‍સ માટેનું સંવેદનશીલ સેન્‍ટર બની રહયું છે. (૪.૨૬)

બે દિવસ પુર્વે જ ગીર સોમનાથ એલસીબીમાં નિમણુંક પામેલા પીઆઇ એમ.એન.રાણા પણ સફળતાના સહભાગી બન્‍યા

રાજકોટઃ અગાઉ રાજકોટ જીલ્લા અને શહેરની મહત્‍વની બ્રાંચોમાં સફળ કામગીરી બજાવી ચુકેલા પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.એન.રાણા મોડી રાત્રે ઝડપી લેવાયેલા હેરોઇનનો જથ્‍થો ઝડપવાની સફળ કામગીરીના સહભાગી બન્‍યા હતા. સાથોસાથ પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા પણ એસઓજીની ટુકડીમાં સામેલ રહયા હતા.

એક-એક કિલોના પ૦ પેકેટ પૈકી ર૬ પેકેટ રાજકોટ પાસીંગની મારૂતીમાં લદાયા અને પોલીસ પહોંચી

રાજકોટઃ મળતી માહીતી મુજબ વેરાવળથી માછીમારી માટે જતી બોટોમાં અવાર નવાર નશીલા પદાર્થોનો જથ્‍થો બોટ માલીકોની જાણ બહાર પણ આવતો હોવાનું ચર્ચાતુ રહે છે. આ વચ્‍ચે યુપીના ધર્મેન્‍દ્ર બુધ્‍ધીલાલ કશ્‍યપ નામના ટંડેલના નેજા તળે માછીમારી માટે રવાના થયેલી બોટમાં ટંડેલ ઉપરાંત ૬ ખલાસીઓ હતા. જેને ઝડપી લઇ એક-એક કિલોના પેકેટમાં પેક થયેલું હેરોઇન ઝડપી લેવાયું હતું.

રાઉન્‍ડ અપ કરાયેલા ૬ શખ્‍સોના નામની યાદી

રાજકોટઃ આજે ધરપકડ કરાયેલા ૩ શખ્‍સો ઉપર જે ૬ માછીમારોને ગીર સોમનાથ પોલીસે રાઉન્‍ડ અપ કર્યા છે તેમાં અનુજકુમાર  મુકેશભાઇ કશ્‍યપ (રહે. કાનપુર), અમનકુમાર દીનાથજી કશ્‍યપ (રહે. કાનપુર), સજનકુમાર ભગવાનદીપ મીસાર (રહે. કાનપુર), વિષ્‍ણુશંકર નિસાર (રહે. રોહીણી, જી. કાનપુર), રોહીત સુખુભાઇ મિસાર (રહે. કાનપુર) અને રાહુલ ગોરેલાલ કશ્‍યપ (રહે. રામપુર, જી. ફતેપુર, યુપી)નો સમાવેશ થાય છે.

ધરપકડ કરાયેલા ૩ શખ્‍સોમાં બે જામનગરના

રાજકોટઃ ધરપકડ કરાયેલા ૩ શખ્‍સો પૈકી બે શખ્‍સો જામનગરના હોવાનું બહાર આવ્‍યું છે. આસીફ ઉર્ફે કારા જુસબભાઇ સમા (રહે. બેડેશ્વર, જામનગર), અરબાજ અનવર સમા (રહે. ગુલાબનગર, જામનગર) અને બોટના ટંડેલ  યુપીના ધરમેન બુધ્‍ધિલાલ કશ્‍યપ (રહે. મહમદપુર, નરવાલ, જી. કાનપુર) નો સમાવેશ થાય છે.

સફળ કામગીરી કરનાર અધિકારીઓ

રાજકોટઃ એલસીબી પીઆઇ એમ.એન.રાણા, એસઓજીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.બી.જાડેજા, પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.એન.ગઢવી,  પીએસઆઇ વી.કે.ઝાલા, એફએસએલ અધિકારી ભાવીન સોનારા અને વાય.ડી.કાતરીયા સફળ કામગીરીના શ્રેયી બન્‍યા હતા.

(4:04 pm IST)