Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટમાં ભાજપની જીતના મેન ઓફ ધ મેચ છે વિજયભાઇ રૂપાણી

જનતાએ વિકાસને ચૂંટી કમળ ખીલવ્યું : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ. તા.ર૩ :  રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ રાજ્યની કમાન સંભાળી છે ત્યારથી લઈ આજ સુધી પંચાયતથી લઈ પાર્લામેન્ટની નાની-મોટી ચૂંટણીઓમાં મતદારો માત્રને માત્ર ભાજપનાં ઉમેદવારોને વિજયી બનાવી રહ્યા છે જે પાછળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કુશળ કામગીરી અને સંગઠન શકિત જવાબદાર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં લોકકલ્યાણકારી કાર્યોને કારણે મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિિ?ત હતો એવુ ભાજપ અગ્રણી પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, છેલ્લા કેટલાંક મહિનાઓ અને વર્ષોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે કરેલી કામગીરીને પ્રચાર માધ્યમો દ્વારા મતદારો સુધી લઈ જવામાં અમે સફળ રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે જાહેર કરેલી યોજનાઓને નાગરિકોએ દરેક ચૂંટણીમાં વધાવી છે. ગત વિધાનસભાની પેટા ચૂંટણીની જેમ  રાજકોટ મહાનગપાલિકા ચૂંટણીમાં ભાજપની જીતનાં મેન ઓફ ધી મેચ મુખ્યમંત્રી રૂપાણી છે એવું કહેવામાં જરા પણ અતિશ્યોકિત નહીં લાગે. તમામ મહાનગપાલિકાઓમાં મતદારોએ વિકાસને ચૂંટી કમળ ખીલવ્યું છે.

હાલમાં કોરોનાકાળ દરમિયાન ગરીબ, સામાન્ય વર્ગથી લઈ છેવાડાનાં માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપવાની હોય કે પછી કુદરતી આફતો સમયે જગતનાં તાતથી લઈ આમ જનતાને સરકારી સહાય આપી સંકટમાંથી મુકત કરવાના હોય કે પછી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે દરરોજ અવનવી યોજનાઓ અને નિર્ણયો જાહેર કરવાના હોય.. ગુજરાતીઓનાં સંકટમોચક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બન્યા છે અને એટલે જ આ મહાનગપાલિકાની ચૂંટણીઓમાં પણ મતદારોએ વિજયભાઈ રૂપાણીની પ્રજાહિતલક્ષી કામગીરીને ધ્યાને લઇ કમળ ખીલવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં છએ છ મહાનગપાલિકાની ચૂંટણીમાં ભાજપ જીતશે એવો રાજુભાઈ ધ્રુવનો વિશ્વાસ વાસ્તવિક બન્યો છે. રાજ્યના લોકો સ્વીકારે છે કે વિજયભાઈની કાર્યનિષ્ઠા, પ્રજાવત્સલતા, સજ્જનતા અને મક્કમ મનોબળ અને યોગ્ય દિશાના સમયબદ્ધ નિર્ણયોને કારણે આજે કોરોનાકાળમાં પણ ગુજરાતનો વિકાસ વણથંભ્યો રહ્યો છે.

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત મેળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પક્ષનાં ઉમેદવારો સહિત ભાજપનાં તમામ શ્રેણીનાં અગ્રણીઓ અને કાર્યકર્તાબંધુઓને રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવ્યા છે.

(2:43 pm IST)