Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વિજય સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું કડક પાલન કરવાનું રહેશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૨૨: આજે જાહેર થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીના પરિણામોમાં ઠેકઠેકાણે કમળ ખીલી ગયું છે. રાજકોટમાં છ સ્થળોએ મત ગણતરી  રાખવામાં આવી હતી. જેમ જેમ ગણતરી થતી રહી અને વિજેતા ઉમેદવારોના નામ સામે આવતાં રહ્યા તેમ તેમ મત ગણતરી સ્થળે જ ઉમેદવારો, કાર્યકરોમાં ઉત્સાહ છવાતો ગયો હતો અને ત્યાં જ ઉજવણી શરૂ કરી દીધી હતી. અહિ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો ભુલાઇ ગયા હતાં. બીજી તરફ વિજય સરઘસ વેળાએ કોવિડ-૧૯ને લગતાં નિયમોનું સખ્ત પાલન કરવાનું રહેશે અને પોલીસ આ નિયમોનું પાલન કરાવશે તેવું પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

કોવિડ-૧૯ અંતર્ગત સરકારની માર્ગદર્શિકા અનુસાર મહાનગર પાલિકાની ચુંટણીમાં વિજેતા થનાર પક્ષ, ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતું હોય છે. આ વખતે કોરોનાની મહામારીનો ખતરો હજુ પણ મંડરાઇ રહ્યો હોઇ વિજય સરઘસ યોજવા દેવા કે કેમ? તે અંગે અસમજસ ઉભી થઇ હતી. દરમિયાન શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના તમામ નિયમોનું પાલન કરીને વિજય સરઘસ યોજવાની મંજુરી આપવામાં આવશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો ધ્યાને રાખવાના રહેશે.

જો કે બીજી તરફ ઠેકઠેકાણે અલગ અલગ વોર્ડમાંથી વિજય સરઘસ નીકળી ગયા હતાં. ઉમેદવારો વિશાળ ટેકેદારો-કાર્યકરો સાથે ખુલ્લી જીપો સહિતના વાહનોમાં વિજયોત્સવ મનાવવા નીકળી ગયા હતાં. ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતાં. કોરોનાની માર્ગદર્શિકાની અહિ જાણે કોઇને ખબર ન હોય તેવા દ્રશ્યો ઉભા થયા હતાં. મોટા ભાગના વિજેતા ઉમેદવારો અને સાથેના કાર્યકરો-આગેવાનોએ માસ્ક પહેર્યા નહોતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો. તેવી લોકોમાં ફરિયાદો ઉઠી હતી.

(1:02 pm IST)