Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રાજકોટ-મોરબી ફોરટ્રેક હાઇવે બની રહયો છે ત્યારે...

ગૌરીદડ નજીક કરોડોની સરકારી જમીનો ઉપર આડેધડ દબાણોઃ ૩૦ આસામીઓને ફટકારાતી નોટીસ

આવતા અઠવાડિયે ડીમોલીશનઃ પોલીસ પ્રોટેકશન મળે એટલે ઓપરેશન હાથ ધરાશેઃ સોલંકી

ગૌરીદડ નજીક સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો નજરે પડે છે.હવે આ તમામને નોટીસો ફટકારાઇ છે.

રાજકોટ તા.૨૩:રાજકોટ-મોરબી ફોર ટ્રેક રોડ હાલ યુદ્ધના ધોરણે બનાવવાનું કામ ચાલુ છે, આ હાઇવે ઉપર ગૌરીદળની અડીને આવેલા સરકારી ખરાબાની જગ્યા ઉપર આડેધડ દબાણો ઉભા થઇ જતા માર્ગ-મકાન વિભાગના એકઝી ઇજનેર શ્રી સોલંકી  અને તેમનો સ્ટાફ દોડી ગયો હતો, અને રપ થી ૩૦ થી વધુ આસામીઓને દબાણ હટાવ અંગે નોટીસો ફટકારતા દબાણકારોમાં દોડધામ મચી જવા પામી છે.

 રાજકોટ જિલ્લા ડિવીઝનના એકઝી.ઇજનેરશ્રી સોલંકીએ ''અકિલા'' સાથેની ટેલીફોન વાતચીતમાં ઉમેર્યું હતું કે, ફોર ટ્રેક રોડના કામમાં આ સરકારી ખરાબા ઉપર નોટીસો અપાઇ છ, અને આવતા અઠવાડિયે પોલીસ પ્રોટેકશન મળે એટલે તાલુકા મામલતદાર, રાજકોટ રૂરલ પ્રાંત અને પોલીસને સાથે રાખી તમામ દબાણો દૂર કરવા ડીમોલીશન હાથધરાશે.

આ દબાણોમાં ગેરકાયદે દુકાનો-અમુક મકાનો તથા વંડા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ દબાણો ફોર ટ્રેક રસ્તાને નડતરરૂપ હોય આ રપ થી ૩૦ આસામીઓને નોટીસો ફટકારાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે રોડની બંને સાઇડ ગ્રીન બેલ્ટ છે, ગ્રામ પંચાયતની જમીન છે, અને આ સરકારી જમીનના ભાવો વધતા દબાણો થયા, અમુકે ખોટા પુરાવા  આપ્યા, પરંતુ માર્ગ-મકાન વિભાગના સબ ડિવીઝનના અધિકારીઓએ તપાસ કરતા સરકારી જમીન હોવાનું બહાર આવ્યું હતું. અને પરિણામે હવે નોટીસો અપાઇ છે અને હવે આવતા અઠવાડિયે ડીમોલીશન હાથ ધરાશે.(૧.૨૭)

(4:03 pm IST)