Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

લંડનના વૃધ્ધાના ગૂમ થયેલા ૨૨ તોલા દાગીના એ-ડિવીઝન પોલીસે શોધી આપ્યા

સાધુ વાસવાણી રોડ પરથી વૃધ્ધા પડોશણને લઇ દાગીના વેંચવા ગયાઃ પણ ભાવ યોગ્ય ન લાગતાં પરત ઘરે આવ્યા પછી દાગીના ગૂમ હતાં: પડોશણની પોલીસે પુછતાછ કરતાં દાગીના કચરા પેટીમાંથી મળ્યા

રાજકોટ તા. ૨૩: શહેરના સાધુ વાસવાણી રોડ પર મકાન ધરાવતાં ૭૦ વર્ષના એનઆરઆઇ વૃધ્ધાના સોનાના ૨૨ તોલા દાગીના ગૂમ થઇ ગયા હતાં. આ દાગીના પોતાના પડોશમાં રહેતી મહિલાએ સેરવી લીધાની શંકા વૃધ્ધાએ દર્શાવતા પોલીસે લાલ આંખ કરતાં આ દાગીના કચરા પેટીમાંથી મળી આવ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ લંડનથી રાજકોટ આવેલા વૃધ્ધાને પોતાની પાસેના બાવીસ તોલા જેટલા દાગીના વેંચવા હોઇ તેઓ ગઇકાલે આ દાગીના લઇ સોની બજારમાં આવ્યા હતાં. તેની સાથે પડોશમાં રહેતાં એક બહેનને પણ લીધા હતાં. જો કે અહિ દાગીનાના ભાવ બરાબર ન મળતાં તેઓ પડોશણ સાથે પરત ઘરે આવ્યા હતાં. જો કે ઘરે પહોંચ્યા ત્યારે થેલીમાંથી દાગીના ગાયબ જણાતાં આ વૃધ્ધા ચોંકી ગયા હતાં. તેણે સાથેના પડોશણને આ બાબતે પૃચ્છા કરતાં તેણે પોતે કંઇ જાણતા ન હોવાનું રટણ કર્યુ હતું.

બાદમાં વૃધ્ધા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પાસે પહોંચતાં એ-ડિવીઝન પોલીસને તપાસ કરવા સુચના અપાતાં પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં  એએસઆઇ રાજેશભાઇ સોલંકી, કોન્સ. કમલેશભાઇ, મહિલા એએસઆઇ પ્રવિણાબેન અને રેખાબેને તપાસ શરૂ કરી શંકાને આધારે આ વૃધ્ધાના પડોશણને બોલાવ્યા હતાં. જો કે તેણે પહેલા તો કંઇ જાણતા નહિ હોવાનું રટણ પકડી રાખ્યું હતું. બાદમાં વૃધ્ધાના ઘરમાં જ તપાસ કરવાનું કહેતાં પોલીસે ત્યાં જઇ તપાસ કરતાં કચરા પેટીમાં રાખેલી કાળા રંગની કોથળીમાંથી આ દાગીના મળી આવ્યા હતાં. દાગીના અહિ કોણે રાખ્યા? તે બહાર આવ્યું નહોતું. પરંતુ પડોશણની પુછતાછ બાદ આ દાગીના મળી જતાં સોૈએ હાશકારો લીધો હતો. (૧૪.૯)

(3:58 pm IST)