Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

આજથી બે દિવસ મતદાર નોંધણી કેમ્પ: ૨૨૦૦ બુથમાં કામગીરી

આજે અને કાલે સવારે ૧૦થી સાંજે ૫ સુધી મતદારમાં નામ નોંધણી - સુધારા - વધારાની કાર્યવાહીઃ હાલમાં ૨૦.૭૫ લાખ મતદારો છે તેમાં ૧૦ હજાર જેટલા નવા મતદારો ઉમેરાય તેવી સંભાવના

રાજકોટ તા. ૨૩ : શહેર જિલ્લામાં આજથી બે દિવસ માટે મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરાયું છે. જે અંતર્ગત શહેર જિલ્લાના ૨૨૦૦ જેટલા મતદાન મથકોએ મતદાર નોંધણીની કામગીરી થશે.

આ અંગે કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યા મુજબ આજે અને કાલે એટલે કે આજે તા. ૨૩ને શનિવારે તથા આવતીકાલે તા. ૨૪ને રવિવારે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન નોંધણી તથા સુધારા - વધારાની કામગીરી થશે.

આ મતદાર નોંધણી માટે ૨૨૦૦ જેટલા મતદાન મથકો પર ૨૨૦૦ બુથ લેવલ ઓફિસરોને જવાબદારી સુપ્રીત કરી દેવાઇ છે.

આ મતદાર નોંધણી કાર્યક્રમ અંતર્ગત ૧ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે જે યુવક-યુવતીઓને ૧૮ વર્ષ પૂર્ણ થતા હોઇ તેવા નવા મતદારો નોંધવામા આવશે. આ ઉપરાંત નામ કમી - નામ ઉમેરો - સરનામા ફેરબદલ સહિતના સુધારા - વધારાની કાર્યવાહી પણ થશે.

આથી આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે આ મતદાર યાદી નામ નોંધણી તથા સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે અને આ કાર્યક્રમને કારણે રાજકોટ શહેર જિલ્લાના હાલના ૨૨.૭૧ લાખ મતદારોમાં નવા ૧૦ હજાર જેટલા મતદારો નોંધાય તેવી સંભાવનાઓ વ્યકત થઇ રહી છે.(૨૧.૧૯)

(3:51 pm IST)