Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કાલે શહીદોને શ્રદ્ધાંજલી આપવા ૧૧ કુંડી ગાયત્રી યજ્ઞ : મહામૃત્યુંજય મંત્રની વિશેષ આહુતિ

ચક્ષુદાન - દેહદાન - થેલેસેમીયા જાગૃતિ : વ્યસનમુકિતના સંકલ્પો

રાજકોટ, તા. ૨૩ : વિવેકાનંદ યુથ કલબ દ્વારા કાશ્મીરના પુલવામા આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાનો ભોગ બનેલા ભારત માતાના પનોતા પુત્ર એવા વીર - અમર શહીદોને શ્રદ્ધાંજલી આપવા તેમજ તેઓના આત્માને ચિરઃ શાંતિ મળે તેવા શુભ આશિષથી ગાયત્રી પરિવાર વૈશાલીનગરના સહયોગથી તા.૨૪ના રવિવારે બપોરે ૩ થી સાંજના ૬:૩૦ સુધી ભકિતનગર સર્કલમાં આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરમાં ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવેલ છે. જેમાં શહીદોના આત્માની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રની વિશેષ આહુતિ અપાશે.

આ ઉપરાંત આજે પાન - સીગારેટ - બીડી, તમાકુ, દારૂ સહિતના વ્યસનોનો ભોગ નાના મોટા સૌ કોઈ બની રહ્યા છે ત્યારે આ પ્રસંગે વ્યસન મુકિત અભિયાન અંતર્ગત બહેનો તેમજ દર્શનાર્થીઓ સૌ કોઈ યજ્ઞમાં આહુતિ આપતી વેળાએ પોતાના પરીવારના સભ્યો વ્યસન મુકત બને તે માટે સંકલ્પ કરશે.

ગાયત્રી મહાયજ્ઞ નિમિતે ભારત માતાની તસ્વીર સમક્ષ દર્શનાર્થીઓ સહિત યજમાનો સૌ કોઈ શહીદોને પુષ્પાંજલી આપશે તેમજ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેનો ભાવ વ્યકત કરશે. ધર્મકાર્યની સાથોસાથ સમાજમાં ચક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા અંગે નાગરીકોમાં જાગૃતિ આવે તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન - દેહદાન શહેરીજનો કરતા થાય અને પોતાના સંતાનોની સગાઈ કે લગન પહેલા થેલેસેમીયા ટેસ્ટ કરાવતા થાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. ચક્ષુદાન દેહદાનના સંકલ્પપત્રો ભરવામાં આવશે.

આયોજનની સફળતા માટે અનુપમ દોશી, દિનેશભાઈ ગોધાણી, હસુભાઈ શાહ, મીતલ ખેતાણી, પરીમલભાઈ જોષી, પંકજ રૂપારેલીયા, નયન ગંધા, અશ્વિન ચૌહાણ, દિલીપ સુચક, ઉર્મિશ વ્યાસ, હસુભાઈ શરદ વગેરે કાર્યરત છે.(૩૭.૫)

(3:49 pm IST)