Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગ્રીનલેન્ડ ચોકડીએ રેતી-કપચીના ધંધાર્થી રાહુલ હેરભા પર ધંધાખારને લીધે ટોળકી રચી હુમલો

મોરબી-રાજકોટ રૂટ પર રાહુલના ડમ્પર ચાલતાં હોઇ તે હરેશ ઉર્ફ બેગડો રાઠોડને ન ગમતાં હેરેશ સહિત છ જણાએ કારમાં આવી ધોકા-પાઇપ-છરીથી ઘાયલ કરતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: આજી વસાહત પાસે ખોડિયારનગર-૩૫માં રહેતાં રાહુલ દિનેશભાઇ હેરભા (ઉ. ૨૩) નામના રેતી કપચીના ધંધાર્થી આહિર યુવાન પર રાત્રીના અગિયારેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએ રેતી કપચીના અન્ય ધંધાર્થી હરેશ ઉર્ફ બેગડો મેણંદભાઇ રાઠોડે ટોળકી રચી સશસ્ત્ર હુમલો કરી છરી, ધોકા, પાઇપથી હુમલો કરી ઘાયલ કરતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે.

બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાંકળીયાએ રાહુલની ફરિયાદ પરથી માધાપર ચોકડી પાસે રહેતાં હરેશ ઉર્ફ બેગડો, તેની સાથેના કેતન મેણંદભાઇ રાઠોડ, મેસરી ઉર્ફ મજનૂ ચાવડીયા, સુરેશ ગોકળભાઇ ઝાપડા, અમિત ગમારા અને એક અજાણ્યા સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

રાહુલના કહેવા મુજબ પોતે મોરબી રોડ પર ડેલો રાખી રેતી કપચીનો ધંધો કરે છે અને તેના ડમ્પર મોરબી-રાજકોટ રૂટ પર ચાલે છે. સામે હરેશ ઉર્ફ બેગડો રાઠોડ પણ આવો જ ધંધો કરતો હોઇ તેને પોતાના ડમ્પર મોરબી રૂટે ચાલતાં હોઇ તે ગમતું ન હોઇ મનદુઃખ ચાલતું હતું. આ કારણે થોડા દિવસ પહેલા તેનું ડમ્પર ઉભુ રખાવી ડ્રાઇવર સાથે માથાકુટ કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે પોતે અને મિત્રો ગ્રીનલેન્ડ ચોકડીએ મોરબીથી ડમ્પર આવવાનું હોઇ તેની રાહ જોઇને ઉભા હતાં ત્યારે બેગડો અને તેનો ભાઇ કેતન તથા બીજા શખ્સો મંડળી રચી સફેદ રંગની સ્કોર્પિયો અને આઇ-૨૦માં આવ્યા હતાં અને લાકડી, પાઇપ, છરી સાથે ધસી આવી હુમલો કરી ઇજા કરી ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો. છરીનો એક ઘા વાંસામાં તથા બીજો બેઠકના ભાગે લાગી ગયો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(3:45 pm IST)