Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

શહેર ભાજપે હાંસિયામાં જ રાખેલા કથીરિયા હજુ હાઈકમાન્ડની ગૂડ બૂકમાં હોવાનું ફરી સાબિત

કેન્દ્રના બોર્ડ-નિગમમાં રાજકોટમાંથી એક માત્ર ચેરમેનઃ નિમણૂક સૂચકઃ સંઘ સાથેનો નાતો આશીર્વાદરૂપઃ લોકસભાના સંભવિત ઉમેદવારોની યાદીમાં એક નામ બાકાત

રાજકોટ, તા. ૨૩ :. ભારત સરકારે ગૌસેવા અને ગૌસંવર્ધન પ્રવૃતિને વેગ આપવા બજેટમાં જાહેર કર્યા મુજબ રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરી છે. તેના પ્રથમ ચેરમેન તરીકે રાજકોટ શહેર જિલ્લા ભાજપ જેને નગણ્ય માને છે તેવા અગ્રગણ્ય ડો. વલ્લભભાઈ કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકારના બોર્ડ નિગમમાં રાજકોટમાંથી તેઓ એક માત્ર ચેરમેન બન્યા છે. તેમની નિમણૂંકને તેમને રાજી રાખવા ઉપરાંત રાજકીય રીતે સૂચક માનવામાં આવે છે. સ્થાનિક ભાજપે વર્ષોથી હાંસિયામાં જ રાખેલા ડો. કથીરિયા હજુ કેન્દ્રીય નેતાગીરીની ગૂડ બૂકમાં હોવાની છાપ દ્રઢ થઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનો તેમનો આત્મીય નાતો આશિર્વાદરૂપ પુરવાર થયો છે. (ડોકટરનો મો. નં. ૯૦૯૯૩ ૭૭૫૭૭)

ડો. કથીરિયા અગાઉ ચાર વખત રાજકોટમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા. એક વખત તો સમગ્ર દેશમાં સૌથી વધુ (૪ લાખથી વધુ) મતની સરસાઈથી જીતવાનો તેમણે વિક્રમ સ્થાપ્યો હતો. અટલજીની સરકારમાં તેમણે રાજ્યકક્ષાના માનવ સંશાધન અને આરોગ્ય મંત્રી તરીકે કાર્ય કરેલ. ૨૦૦૯માં ટિકીટમાંથી તેમની બાદબાકી કરવામાં આવેલ. ગુજરાત ભાજપમાં રાજકીય ચડાવઉતાર આવ્યા તે વખતે તેમણે કેશુભાઈ જુથનો સાથ નિભાવ્યો હતો. સમય જતા ફરી પાર્ટી લાઈનમાં આવી ગયેલ. તેમને રાજ્ય સરકારે ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન બનાવ્યા હતા.

ડોકટર શહેર જિલ્લા ભાજપના મુખ્ય પ્રવાહથી દૂર ગણાય છે પરંતુ કેન્દ્રીય નેતાઓ સાથે તેમના સંપર્કો અતૂટ રહ્યા છે. કામધેનુ આયોગમાં તેમની નિમણૂંક તેમના ગૌસેવાની પ્રવૃતિના અનુભવ ઉપરાંત સમય સંજોગો મુજબની હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક ભાજપના આશિર્વાદ વગર પણ મહત્વનુ પદ મેળવી શકાય છે તેવી ચર્ચા તેમની નિમણૂક પછી શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવા વખતે તેમની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક તેમના રાજકીય શુભેચ્છકો અને આંતરીક હરીફો માટે ધ્યાન ખેંચનારી છે. લોકસભાના ભાજપના સંભવિત ઉમેદવારોની યાદીમાંથી તેમનુ નામ અત્યારના તબક્કે બાદ થઈ ગયાનું સમજાય છે. લેઉવા પટેલ હોવાથી તેમની નિમણૂંકથી જ્ઞાતિગત મતનો પણ લાભ મળી શકે તેવુ પાર્ટીનંુ ગણિત હોઈ શકે. ડોકટર નવા આયોગમાં શું કરી શકશે ? તે ભવિષ્યનો સવાલ છે પરંતુ અત્યારે તો પદ મેળવી શકયા તે તેમની સફળતા છે.

ભારત સરકાર દ્વારા નવરચિત આયોગમાં પ્રથમ સુકાની તરીકે રાજકોટના અગ્રણી

રાષ્ટ્રીય કામધેનું આયોગના  ચેરમેન પદે ડો. કથીરીયા

રાજકોટ, તા. ર૩ : કામધેનુ આયોગના ચેરમેનપદે ડો. વલ્લભભાઇ કથીરિયાની નિમણૂંક.(મો. ૯૦૯૯૩૭૭૫૭૭) થતા અભિનંદન વર્ષા થઇ રહી છે

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ગૌ સેવા આયોગના પૂર્વ વડા તથા રાજકોટના વતની ડો. વલ્લભભાઈ કથીરિયાને કેન્દ્ર સરકારે કામધેનુ આયોગના ચેરમેન તરીકે નિયુકત કર્યા છે.

તેમને કેબિનેટ રેન્કનું આ ખૂબ મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે જેની હજુ ૨૦ દિવસ પહેલા બજેટમાં જાહેરાત થઈ હતી. આયોગની રચના બાદ તેના પ્રથમ સુકાની તરીકે તેમની નિમણુંક થઇ છે. ભૂતકાળમાં તેઓ ૪ વખત રાજકોટ લોકસભામાંથી ચૂંટાયેલા, અટલજીની સરકારમાં આરોગ્ય, માનવ સંશાધન વગેરે વિભાગના રાજય કક્ષાના મંત્રી રહી ચુકયા છે.

(3:43 pm IST)