Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સીટી સર્વે અને કોર્પોરેશનનાં મિલ્‍કત વેરાનું રેકોર્ડ મર્જ થશે

કોઈ પણ મિલ્‍કતનું રજીસ્‍ટ્રેશન-મિલ્‍કત વેરા સહિતની વિગતો ઓનલાઈન એક જ વેબસાઈટમાંથી મળી જશેઃ રાજ્‍ય સરકારની સૂચનાથી રેકોર્ડ મર્જ કરવા રેવન્‍યુ અને કોર્પોરેશન વચ્‍ચે મીટીંગોનો દોર શરૂ

રાજકોટ, તા. ૨૨ :. મ્‍યુ. કોર્પોરેશનનાં મિલ્‍કત વેરાનું રેકોર્ડ અને સીટી સર્વે કચેરીનું રેકર્ડ એકબીજામાં મર્જ કરી દેવાનો નીતિવિષયક નિર્ણય રાજ્‍ય સરકાર દ્વારા લેવાયો છે. જેથી શહેરની કોઈ પણ મિલ્‍કતના સર્વે નંબર અને તેના મિલ્‍કત વેરાની વિગતો એક જ વેબસાઈટમાંથી ઓનલાઈન સરળતાથી મળી શકે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્‍ય સરકાર દ્વારા ‘બીઝનેશ લીંકઅપ' યોજના હેઠળ શહેરની મિલ્‍કતોના રેવન્‍યુ સર્વે નંબર, પ્રોપર્ટી કાર્ડ, માલિકી હક્ક, જમીનનું ક્ષેત્રફળ, દસ્‍તાવેજ રજીસ્‍ટ્રેશન તેમજ મિલ્‍કતનો કોર્પોરેશનનો મિલ્‍કત વેરો, પાણી ચાર્જ સહિતની વિગતો ઓનલાઈન રાજ્‍ય સરકારની વેબસાઈટ ઉપરથી મળી રહે તે માટે રેવન્‍યુ સર્વે કચેરી અને મ્‍યુ. કોર્પોરેશનની મિલ્‍કત વેરા શાખાનું રેકર્ડ એકબીજામાં મર્જ કરી દેવા રાજ્‍ય સરકાર દ્વારા તમામ મ્‍યુ. કોર્પોરેશનોને સૂચના અપાઈ છે.

રાજ્‍ય સરકારની આ સૂચના અનુસાર મ્‍યુ. કોર્પોરેશન અને રેવન્‍યુ કચેરીના અધિકારીઓ વચ્‍ચે મીટીંગોનો દોર શરૂ થયો છે. આમ હવે ટૂંક સમયમાં બન્‍ને કચેરીઓનું રેકર્ડ એકબીજામાં મર્જ થઈ જશે.

આ સુવિધાથી જમીન-મકાન ખરીદ-વેચાણ વખતે અરજદારોને સરળતાથી ઓનલાઈન મિલ્‍કતની માહિતી મળી શકશે અને ભ્રષ્‍ટાચાર બંધ થશે તેવુ સરકારનું માનવુ છે

(4:39 pm IST)