Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ફૂલડોલ ઉત્સવની પદયાત્રામાં ૧૫થી વધુ મુસ્લિમ છાત્રો જોડાશેઃ ભાઈચારાનો સંદેશો પ્રસરાવશે

૨ માર્ચ ધૂળેટીના દિવસે રાજકોટથી રામચરીત માનસ મંદિર સુધી પદયાત્રા :શ્રમ, આરોગ્ય, શિક્ષણ અને ભાઈચારાનો સંદોશો ફેલાવશેઃ પૂ.હરીચરણદાસજી બાપુ પણ જોડાશે

રાજકોટ,તા.૨૩ : સીયારામ મંડળી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી- રાજકોટ શહેર પોલીસના સહયોગથી ધૂળેટી તા.૨ માર્ચને શુક્રવારે રાજકોટથી રામચરિતમાનસ મંદિર રતનપરની શ્રમ, આરોગ્ય, શિક્ષણ અને ભાઈચારાનો સંદેશો ફેલાવતી પદયાત્રાનું આયોજન કરેલ છે. મોરબી રોડ પર રતનપર ખાતે દર્શનીય તીર્થધામ શ્રી રામતિરત માનસ મંદિરમાં દર વર્ષે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય ફૂલડોલ મહોત્સવ ઉજવાય છે.

ફૂલડોલ ઉત્સવ અંતર્ગત અગાઉ બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજની નિશ્રામાં અસંખ્ય ભાવિકો રાજકોટથી રતનપર સુધીની પદયાત્રામાં જોડાતા હતા. જેમાં ૭૦ વર્ષની જૈફ વયે શ્રી મનહરલાલજી મહારાજ સ્વયં ચાલીને પદયાત્રા કરતા હતા. તે પરંપરા મુજબ પૂ.શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.હરિચણદાસજી મહારાજના શુભાશીષથી શ્રી સીયારામ મંડળી દ્વારા આ વર્ષે ફાગણ વદ એકમને ધૂળેટી તા.૨ માર્ચના રોજ રાજકોટથી રામચરિત માનસ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરેલ છે. જેનો પ્રારંભ ધૂળેટીએ સવારે ૭ કલાકે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ- ગીતા મંદિરથી ધૂન, ભજન, સત્સંગ અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે થશે. શ્રમ, આરોગ્ય, શિક્ષણ અને અધ્યાત્મનો સંદેશો આપતી આ પદયાત્રામાં સીયારામ મંડળી ટ્રસ્ટના કારોબારી સભ્યો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો, વિરાણી હાઈસ્કૂલ તથા અન્ય શાળા- કોલેજના વિદ્યાર્થીઓ, દાણાપીઠ અને માર્કેટયાર્ડના વ્યાપારી શ્રેષ્ઠીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાશે. તેમજ કર્મકાંડી શાસ્ત્રીના પરિવેશમાં ૨૧ જનોઈધારી ભૂદેવો, ૧૦૮ ધજાઓ સાથે ભાવિકો, સદ્દગુરૂભકતો, સત્સંગીઓ અને દર્શનાર્થીઓ, વિરાણી હાઈસ્કૂલના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે, જેમાં ૧૫ થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ જોડાઈને ભાઈચારાનો સંદેશો ફેલાવશે.

સર્વે પદયાત્રીઓને સુરક્ષા સેતુ સોસાયટી- રાજકોટ શહેર પોલીસ, આલ્ફા જવાહર નવોદય કલાસ જસદણના સંસ્થાપક જયસુખભાઈ સંખાળવા, એડીકોના કાન્તીભાઈ ઠેસિયાના સહયોગથી આકર્ષક સ્મૃતિભેટ આપવામાં આવશે. અત્રેએ ઉલ્લેખનીય છે કે ગીતા વિદ્યાલય ટ્રસ્ટના અધ્યક્ષ ડો.કૃષ્ણકુમાર શાસ્ત્રીની આગેવાની હેઠળ છેલ્લા પાંચ વર્ષથી યોજાતી આ પદયાત્રામાં હરિચરણદાસજી મહારાજ સ્વયં થોડા સમય માટે જોડાઈને ભાવિકો સાથે પદયાત્રા કરે છે. આ પદયાત્રાનું રામમંદિરે ભાવભર્યું સામૈયું થશે. સર્વે પદયાત્રીઓ માટે મિષ્ટભોજન- મહાપ્રસાદ રાખેલ છે. પદયાત્રીઓ માટે પ્રાથમિક સારવાર, ચા,દૂધ, અલ્પાહાર, ગ્લુકોઝ, લીંબુ પાણી વગેરેની ઉત્તમ વ્યવસ્થા રહેશે. પદયાત્રામાં જોડાવા ઈચ્છતા સર્વેને જંકશન પ્લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં નામનોંધણી કરાવવાનું જણાવાયું છે. પદયાત્રામાં વધુને વધુ લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે.

(3:37 pm IST)