Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

'રૂડા'ના ૨૪ લાખવાળા ૧૬૨ ખાલી ફલેટ માટે માત્ર ૭૬ ફોર્મ ભરાયા

૬૮૮ ફલેટની યોજનાને જબ્બર પ્રતિસાદઃ ૩૨૦૮ ફોર્મ ભરાઈને પરત

રાજકોટ, તા. ર૩, તા. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન ૧ બીએચકે, ૨ બીએચકે તથા ૩ બીએચકે ના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે. જેની સાપેક્ષમાં તારીખ ૨૨.૦૧.૨૦૨૧ સાંજ સુધીમાં ઇડબલ્યુ-૧ ના ૪૧૨, ઇડબલ્યુ-ર ના ૧૪૨૨ એલઆઇજી ના ૧૨૯૮ તથા એમઆઇજી ના ૭૬ ફોર્મ ભરાઈ ને પરત આવેલ આમ કુલ ૬૮૮ ખાલી આવાસની સામે ૩૨૦૮ અરજીઓ પરત આવી ગયેલ છે. જેમાં ૨૦૧ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ છે. ઇડબલ્યુ-૧, ઇડબલ્યુ-ર તથા એલઆઇજી કેટેગરીના આવાસની સાપેક્ષમાં અંદાજીત ૬ ગણા ફોર્મ આવી ગયેલ હોઈ હવે આખરી તારીખ ૨૨.૦૧.૨૦૨૧થી આગળ તારીખ વધારવા અંગે કોઈ વિચારણા નથી.

આ અંગે રાજકોટની જનતાનો આભાર માનતા રૂડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા એ જણાવેલ કે રૂડાના આવાસ કોરોનાના કપરા સમયમાં નાની કિંમતમાં લોકોના ઘરના ઘરના સ્વપ્ને સાકાર કરતી યોજના પ્રત્યે લોકો વધુ વિશ્વાસ દર્શાવતા થયા છે તે ખુબ આનંદની વાત છે. આવેલ ફોર્મ અંગે હાલ ડેટા એન્ટ્રી ચાલુ છે તથા ડેટા એન્ટ્રી થયા બાદ ફોર્મ ચકાસણીની કામગીરી શરુ કરવામાં આવશે. ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ વહેલી તકે ડ્રો ની કાર્યવાહી કરવા અંગે કામગીરી ગતિમાન કરવા અંગે આયોજન કરવામાં આવેલ છે. ડ્રો અંગે અરજદારોન એસએમએસ  દ્વારા જાણ કરવામાં આવશે જેથી લોકોએ આ અંગે પૂછપરછ કરવા રૂડા કચેરીએ ધક્કો ખાવાની જરૂરિયાત નથી.

વધુમાં એમઆઇજી કેટેગરી માટે ફોર્મ મેળવવા તથા ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત આપવાની તારીખ ૩૦.૦૧.૨૦૨૧ સુધી લંબાવવા નિર્ણય કરેલ છે. એમઆઇજી કેટેગરીના ૧૬૨ ખાલી આવાસોની સામે ૭૬ અરજીઓ પરત આવેલ હોઈ માન્ય રહેલ તમામ અરજીઓને આવાસ ફાળવણી થવાની પૂર્ણ શક્યતા રહે છે. તો રાજકોટના સ્વર્ગ સમા ગણાતા એવા કાલાવાડ રોડ વિસ્તારમાં સૌથી વિકસિત એવા ઇસ્કોન મંદિર થી તદન નજીક કાલાવડ રોડ થી ફકત ૨૦૦ મીટરના અંતરે રોડ ટચ હાઈરાઈઝ ફલેટ્સમાં મકાન મેળવવાની આ અમુલ્ય તક છે. ૬ લાખ થી ૭.૫૦ લાખ ની વચ્ચેની કુટુંબની વાર્ષિક આવક ધરાવતા લોકો અમેઆઇજી પ્રકારના આવાસ માટે અરજી કરી શકે છે. જેમાં એક માસ્ટર બેડ રૂમ, એક બેડ રૂમ તથા એક સ્ટડી રૂમની સુવિધા સાથે વિશાળ લીવીંગ રૂમ, સ્ટેન્ડિંગ બાલ્કની, ગ્રીન કોટા સ્ટોન તથા વોશ બાલ્કની સાથે રસોડું, એક અટેચ બાથરૂમ તથા એક કોમન બાથરૂમની સુવિધા સાથે અદ્યતન બાંધકામ વાળા ૬૦ ચોરસ મીટરના આવસો ફકત ૨૪ લાખની કિંમતમાં મેળવી શકાશે. ફ્લેટમાં વરમોરા કંપનીની વેટ્રીફાઈડ લાદી, ઉચ્ચ ગુણવતાના બાથરૂમ ફીટીંગ તથા સુરક્ષિત તથા ઉચ્ચ ગુણવતાના વાયરીંગ સાથે ઇલેકિટ્રક ફીટીંગ આપવામાં આવે છે. તો તક ચુકશો નહિ. આ અંગેના ફોર્મ આઇસીઆઇસીઆઇ બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ માંથી મેળવી શકાશે તથા જમા કરાવી શકાશે (જેમાં ઇડબલ્યુ-૧ ઇડબલ્યુ-ર તથા એલઆઇજી કેટેગરીના ફોર્મ મળશે નહિ).

વધારેલ તારીખ ૩૦.૦૧.૨૦૨૧ દરમિયાન અરજદાર દ્વારા ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. જે અંગે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.in પરથી તા. ૩૦.૦૧.૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯ ૯૨૬૧૨ પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.

(3:19 pm IST)