Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શનિવારે રાજકોટીયનોને હાસ્યરસમાં તરબોળ કરી દેશે શાહબુદ્દીન રાઠોડઃ નિઃશુલ્ક શો

''ઓલ યુવા'' દ્વારા આ વખતે હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમઃ સો ટચના ''સ્મિત''ની ગેરંટી

રાજકોટ,તા.૨૩: રાજકોટમાં લોકોનો અપાર પ્રેમ મેળવનાર દેશ વિદેશમાં સુવિખ્યાત હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ તા.૨૫ જાન્યુઆરીએ લોકોને હાસ્યરસમાં તરબોળ કરવા રાજકોટ આવી રહ્યા છે. પુરા પરિવાર સાથે બેસીને હાસ્યના દરિયામાં હલેસા મારવાની આ નિઃશુલ્ક મોજીલી સફર માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓલ યુવા દ્વારા યોજાઈ રહેલા આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ હાસ્યમય કાર્યક્રમમાં નાના મોટા હર કોઈને ખડખડાટ હસવા મળશે. સાથોસાથ શાહબુદ્દીન રાઠોડ આ કાર્યક્રમમાં તેમના વિશ્વ પ્રસિધ્ધ પાત્રો અને વિશ્વ સાહિત્યનો અર્ક ધોળીને નિર્ભેળ હાસ્યની સરવાણીથી લોકોને સભર કરશે.

અશ્લીલ હાસ્ય અને અભદ્ર કોમેડીના આ યુગમાં નિર્ભેળ મનોરંજનની મિશાલ જલતી રાખતા શાહબુદ્દીન રાઠોડ થાનગઢની શાળામાં શિક્ષક અને પ્રિન્સીપાલ તરીકે કાર્યરત હતા. તેમણે લખેલી સીરીયલ ''પાપડ પોલ- શાહબુદ્દીન રાઠોડની રંગીન દુનિયા'' ખુબ જ લોકપ્રિય છે, તેમણે લખેલા પુસ્તકો વિશ્વ પ્રસિધ્ધ છે. મારે કયાં લખવું હતું, હસતા હસાવતા સજજન મિત્રોના સંગાથે, દુખી થવાની કળા બેસ્ટ સેલર છે. હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ તેમની ૪ બુકનું સંપાદન કર્યું છે. પૂ.મોરારીબાપુ દ્વારા સન્માનિત શાહબુદ્દીનભાઈ હિંદી અને સંસ્કૃત ભાષા  અને સાહિત્યના વિદ્વાન છે, વિશ્વના પુસ્તકોની દુનિયામાં તેમનું વાંચન વિશાળ છે જેના કારણે તેમના વકતવ્યમાં ઉચ્ચ દરજજાનું હાસ્ય તો મળે છે સાથે જ્ઞાન અને ફિલસુફી પણ મળે છે. વનેચંદનો વરઘોડોથી લઈ તેમના અનેક હાસ્ય પ્રસંગોએ અમદાવાદથી અમેરિકા સુધી ધૂમ મચાવી છે. એક અચ્છા હાસ્યકાર અને સાથે અચ્છા ચિત્રકાર શાહબુદ્દીનભાઈએ તાજેતરમાં પોતાનો ૮૨મો જન્મ દિવસ રાજકોટમાં ઉજવ્યો હતો. લોકોની અપાર ચાહનાને કારણે તેઓ તા.૨૫ જાન્યુઆરીના હેમ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ વાગ્યે કાર્યક્રમ આપવાના છે. ઓલ યુવા દ્વારા આયોજિત આ કાર્યક્રમનાં નિઃશુલ્ક પાસ, અપની ચાય કી દુકાન, ટી- પોસ્ટ, રેસકોર્સ અથવા ટી- પોસ્ટ દેસી કાફે, કાલાવડ રોડ રાજકોટ ખાતેથી મેળવી લેવા રતિષ કકકડ (મો.૯૯૦૯૮ ૭૦૪૦૪)ની યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)