Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કાલે યુવાશકિતને ઉજાગર કરતો યુથ એસેમ્બલી કાર્યક્રમ

અમૃત ઘાયલ ઓડીટોરીયમમાં છત્રો ૧૮ર ધારાસભ્યો, પ્રધાન બનશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદઘાટન

રાજકોટ, તા.ર૩ : પ્રજાસત્તાક પર્વ રાજય કક્ષાની ઉજવણીના ભાગરૂપે આગામી ર૪મી જાન્યુ.ના રાજકોટ ખાતે યુવા શકિતને ઉજાગર કરતો 'એસેમ્બલી-ર૦ર૦' આયોજીત કરવામાં આવેલ છે. રાજય અને કદાચ દેશનો સર્વ પ્રથમ એવો આ કાર્યક્રમ અમૃત ઘાયલ ઓડીટોરીયમ યુનિવર્સિટી રોડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં પસંદ કરાયેલ વિદ્યાર્થીઓ ૧૮ર જેટલા ધારાસભ્યો અને રાજયના પ્રધાનમંડળ જેટલી સંખ્યાના પ્રધાનો બની અને વિધાનસભાનું આબેહુબ એવું દૃશ્ય ખડુ કરી અને લોકતંત્રના પાઠ ભણશે.

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ યુથ એસેમ્બલીનું ઉદ્ઘાટન કરનાર છે, યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઇ પેથાણી અને ઉપકુલપતિ વિજયભાઇ દેસાણીના માર્ગદર્શન હેઠળ સીન્ડીકેટ સભ્યો અને યુનિવર્સિટીના પ્રત્યેક શૈક્ષણિક આયામોને સાંકળવામાં આવેલ છે.

કાર્યક્રમના ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીન્ડીકેટના સરકાર નિયુકત સભ્ય ભરતભાઇ રામાનુજે આ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ નવી જ ભાત પાડતો અને પ્રથમ કહી શકાય તેવો આ કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ બને તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. છેલ્લા ત્રણ માસથી વિધાનસભાની કાર્યવાહીનો ઝીણવટભરી રીતે અભ્યાસ બાદ આ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ લોકતાંત્રીક-વ્યવસ્થાના મંદિર સમાન વિધાનસભાની કાર્યવાહીથી પરિચીત થાય, સક્ષમ અને નેતૃત્વના ગુણ વિકસે અને સરકારની વિવિધ યોજનાની માહિતી પ્રજા સુધી કેવી રીતે પહોંચાડવી તથા ભવિષ્યનું નેતૃત્વ તૈયાર કરવા જેવા ઉદેશ્ય સાથે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.

પ્રત્યેક કોલેજમાંથી અને ભવનોમાંથી કાળજી પૂર્વકની પસંદગી સાથે ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવેલ છે. આ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને છેલ્લા દોઢ માસથી આ કાર્યક્રમ માટે પ્રશિક્ષણ આપવામાં આવેલુ છે. ત્રણથી વધારે મોક ટ્રાયલ આપવામાં આવેલ છે. અનુભવી અને નિષ્ણાંત એવા બંધારણવિદો, ખૂબ જ વિદ્વાન એવા અભ્યાસુ પ્રાધ્યાપકો દ્વારા પ્રધાનમંડળના એક-એક સભ્યો બનનાર વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં આવેલ છે.

તા. ર૪ની જાન્યુ.ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થશે અને ૧:૪પ વાગ્યે આ વિધાનસભા વિરામ પામશે. વિધાનસભાની પ્રક્રિયાને છાજે તે રીતે ૧૧:૦૦ વાગ્યાથી ૧:૪પ વાગ્યા સુધી મીનીટ ટુ મિનિટ કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવેલ છે.

પ્રો. ભરતભાઇ રામાનુજની સાથે વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રોફેસર મહેશભાઇ જીવાણી, રાજેશભાઇ દવે, સંજય પંડયા, ભરત ખેર, ડો. ચન્દ્રવાડીયા, ડો. શ્રદ્ધાબેન બારોટ, કનૈયાભાઇ ડામોર, ભુપતભાઇ ગોસાઇ, કરણભાઇ દુલેરા, હરિવંદનના કોલેજના રવિરાજ, હેપિનભાઇ દવે, ડો. સાપરીયા તેમજ પરમેશ્વરીબેન રાજયગુરૂ સહિતની સમગ્ર ટીમ કાર્યક્રમને આખરી ઓપ રહેલ છે.

કાર્યક્રમની પૂર્વે ત્રણ દિવસનો એક વર્કશોપ પણ આયોજીત કરવામાં આવ્યો હતો અને તજજ્ઞ એવા ડો. પ્રદીપ જોબનપુત્રા, રમેશભાઇ ઘોડાસરા, સંદીપ ઘેટીયા, પ્રિન્સીપાલ રાજેશભાઇ કાલરીયા તેમજ ડો. પ્રેરણાબેન બુચે તાલીમ આપી હતી. રપ કોલેજ અને રપ ભવનના વિદ્યાર્થીઓ સામેલ થનાર છે.

(4:07 pm IST)