Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

લેકે પહેલા પહેલા પ્યાર...કાલે રંગીલું રાજકોટ માણશે અદ્ભુત સંગીત સંધ્યા

વિજયભાઇના હસ્તે ઉદ્દઘાટનઃ કાલે રાત્રે ૮-૩૦ કલાકે વિરાણી હાઇસ્કૂલનાં મેદાનમાં કાર્યક્રમઃ તડામાર તૈયારીઓઃ શહેરીજનોને ઉમટી પડવા મેયર સહિતના પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ,તા.૨૩: ૨૬ જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રાત્રે ૮ કલાકે વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જુના ગીતોનો સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનુ ઉદદ્યાટન ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર સયુંકત યાદીમાં જણાવ્યુ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવારની યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં બોલીવૂડ સિંગર મનીષા કરંદીકર, કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત અય મેરી જોહરાજબી, ઓ બસંતી પવન રે પાગલ, યે રાત યે ચાંદની ફિર કહાં, તેરી મહેફિલમે કિસ્મત, ઝુમતા મૌસમ મસ્ત મહિના, રાજકોટ રંગીલું શહેર છે, લેકે પહેલા પહેલા પ્યાર, ઓ મહેબુબા, ઉડે જબ જબ ઝુલ્ફે તેરી, જવાં હે મુહબ્બત વિગેરે જેવા જુના ગીતોની રમઝટ બોલાવશે.

સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યકમમાં વિવિધ ગીતો રજુ કરનાર સિંગર આનંદ વિનોદ સને ૧૯૯૯ થી મેદ્યદુત રંજન કેન્દ્ર, વડોદરા થી પોતાની સિંગિંગ કારકિર્દીનો પ્રારંભ કરેલો. અને જુના મેલોડિયસ ગીત માટે તેઓ વિખ્યાત છે. બોલીવૂડના વિખ્યાત સંગીતકારો અનીલ બિસ્વાસ, નૌશાદજી, ખૈયામ, રવિન્દ્ર જૈન, રવિ સહિતના મહાનુભાવો સાથે ગીત ગાયેલ છે. દેશ-વિદેશમાં તેઓએ ૧,૫૦૦ થી વધુ સ્ટેજ શો કરેલ છે. તેઓ લીજેન્ડરી સિંગર કિશોર કુમારના ગીતો માટે ખુબ જ જાણીતા છે.

અન્ય એક સિંગર સંજય સાવંત પણ દેશ-વિદેશમાં ૧,૫૦૦ થી વધુ સ્ટેજ કાર્યક્રમ આપેલા છે. ૨ દાયકાનો સિંગિંગ અનુભવ ધરાવતા સંજય સાવંત હિન્દી, મરાઠી, ગુજરાતીમાં ગીતો ગાય છે. તેમનું રીમીકસ મ્યુઝિક આલ્બમ ઓઢણી ઉડ ઉડ જાયે (બેબી બોકસ મિકસ) સા રે ગ મા દ્વારા ૨૦૦૪માં રીલીઝ કરાયું હતું.

આ ઉપરાંત કે.એલ. સાયગલ જેના લીજેન્ડરી સિંગરના ગીતો ગાતા નિતાંત યાદવ પંકજ મુલીકના ગીતો પણ રજુ કરશે. તેમજ અન્ય કલાકારો જુના યાદગાર ગીતો રજુ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરશે.

આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે  સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.

જુના ગીતના આ શાનદાર કાર્યક્રમમાં એન્કર તરીકે વિખ્યાત મોડેલ અભિનેત્રી હેમાલી સેજપાલ રહેશે.

'સુરીલી શામ'ને સુમધુર બનાવશે પ૦ વાજીંત્રોની વણઝાર

રાજકોટ તા. ર૩: આવતીકાલે યોજાનાર મ્યુ. કોર્પોરેશન દ્વારા યોજાનાર 'સુરીલી શામ' સંગીત સંધ્યામાં પ૦ મ્યુઝિશ્યનો લાઇવ ઓરકેસ્ટ્રા સાથે સંગીતની સુરાવલી લહેરાવશે. જેમાં ૧૬ વાયોલીન, ૬ વીપોલા, લીડ ગીટાર, સ્પેનિશ ગીટાર, બાસ ગીટાર, ર ફલ્યુટ, ૩ કીબોર્ડ, પ બ્રાસ, સેકશોફોન, સોપર્નો સેકસ, મેન્ડોલીન, સીતાર, એકઝોટિક ડ્રમ, ર પર્સીયન, ઢોલક, ર તબલા, ર ઢોલક અને ૧૧ કોરસનો કાફલો ગીત-સંગીતની જમાવટ કરશે.

તમામ શ્રોતાઓ શીંગ-રેવડીની મોજ માણશે

રાજકોટ : આવતીકાલે શહેરના વિરાણી હાઇસ્કુલમાં રાત્રે ૮:૩૦ કલાકે મ્યુ. કોપોેરેશન દ્વારા 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' જુના ગીતોનો કાર્યક્રમ પ૦ ઓરકેસ્ટ્રા સાથે લાઇવ યોજાશે. આ કાર્યક્રમમાં તંત્ર દ્વારા સૌ ઉપસ્થિત શ્રોતાઓને શીંગ-રેવડી આપવામાં આવશે.

(4:05 pm IST)