Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અંગ્રેજી ભવનના અધ્યાપક-વિદ્યાર્થીઓના શિક્ષણ બહિષ્કારના ફિયાસ્કો

ઘર ફુટે ઘર જાય... અધ્યાપકોના પરસ્પર આક્ષેપો થતા વાતાવરણ ગરમાવો : ભવનમાં કાર્યકારી અધ્યક્ષ પદે નિલાંબરી દવે યથાવતઃ શૈક્ષીક મહાસંઘને ફટકોઃ નિતિન પેથાણીનો ખોંખારો કે નિદત બારોટની ચિમકી અસર કરી ગયાની ચર્ચા

રાજકોટ, તા., ર૩: સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણ ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકો તેમની સિધ્ધીને બદલે કરતુતોને કારણે વધુ ચર્ચામાં રહે છે. અંગ્રેજી ભવનમાં માનીતા વિદ્યાર્થીઓને પીએચડીમાં અને એમ ફીલમાં પ્રવેશ આપવામાં ભાગ બટાઇમાં વાંધો પડતા બે અધ્યાપક જુથ સામસામે આવી ગયા છે.

અંગ્રેજી ભવનમાં જયદીપસિંહ ડોડીયા અને કમલ મહેતા વચ્ચે ચાલતા વિવાદમાં  સંઘ પરીવારનું શૈક્ષીક સંઘના બેનર તળે શિક્ષણ કાર્ય બહિષ્કારનું એલાન આપવામાં આવ્યું હતું. તેમા પણ અધ્યાપકોની નેૈતિકતા સાવ ઓસરી હોય તેમ હાજરી પુરાવી પગાર મેળવીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરતા સમાજમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

શૈક્ષીક સંઘની માંગણી હતી કે અંગ્રેજી ભવનના અધ્યક્ષ પદે નિલાંબરીબેન દવેને હટાવી અંગ્રેજી ભવનના જ કોઇ અધ્યાપકને ચાર્જ સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ માંગણી સામે કુલપતિ નિતીન પેથાણીએ મક્કમતાથી નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપ્યો છે. અનેક રજુઆત છતા આજની તારીખ સુધી અંગ્રેજી ભવનના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિલાંબરીબેન યથાવત છે. શિક્ષણ બહિષ્કારના એલાનમાં વધુ અધ્યાપકો ન જોડાતા આખરે અંગ્રેજી ભવનમાં શિક્ષણ કાર્ય ચાલુ રહયું છે.

અંગ્રેજી ભવનમાં અધ્યાપકોની હડતાલ મુદ્દે કુલપતિ નિતીન પેથાણીના ખોખારા ઉપરાંત કોંગ્રેસના અગ્રણી નિદત બારોટે શિક્ષણ ચાલુ કરાવવા આપેલી ધરણાની ચીમકી પણ કામ કરી ગયાનું સુત્રોએ જણાવ્યું છે.

(3:59 pm IST)