Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઉજવણીમાં કરોડો ઉડાડનારા શાસકો ફલાવર શોનો ખર્ચ કાઢવા પ્રજા પાસે 'વાટકો' ધરે તે ગેરવ્યાજબીઃ કોંગ્રેસ

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે યોજાનાર ફલાવર શોમાં રૂ. ર૦ ની એન્ટ્રી ફી રદ કરોઃ વિપક્ષી નેતાની માંગ : પાંચ ઓવરબ્રીજનું કામ તાત્કાલીક શરૂ કરાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત

રાજકોટ તા.૨૩: મ્યુ.કોર્પોરેશન દ્વારા રેસકોર્ષમાં યોજાનાર 'ફલાવર-શો'માં શાસકોએ એન્ટ્રી-ફી રૂ.૨૦ રાખતા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠિયાએ આ એન્ટ્રી ફ્રી રદ કરવાં ઉગ્ર માંગ ઉઠાવી એક નિવેદનમાં જણાવ્યુ છે કે ઉજવણીના કાર્યક્રમોમાં કરોડોનો ખર્ચ કરનાર શાશકો પ્રજા માટે રૂ.૧૫-૨૦ લાખ જેવો મામૂલી રકમનો ખર્ચ કરી શકે તેમ નથી તેવુ બહાનુ ધરી પ્રવેશ ફ્રીના નામે પ્રજા પાસેથી પૈસા ઉઘરાવે તે ગેરવ્યાજબી કહેવાય.

તેઓએ જણાવ્યુંહતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફલાવર શો યોજવામાં આવે છે જેમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે પરતું, રાજકોટ મ.ન.પા.ના પદાધિકારીઓ અને કમિશ્નર દ્વારા તા.૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ છે કે રાજકોટ ફલાવર શોમાં રૂ.૨૦/- પ્રવેશ ફી રાખવામાં આવેલ છે જે નિર્ણય તદ્દન ગેરવ્યાજબી લેવામાં આવેલ છે અને રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષે ૦.૫૦ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારે મ.ન.પા. રાજકોટની જનતા માટે ફલાવર શોમાં એન્ટ્રી ફી લેવાનો નિર્ણય પરત લે અને જાહેર જનતાને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે તેવી જાહેર જનતાના હિતમાં માંગણી કરીતતએ છીએ.

ગુજરાત સરકારની સ્વતંત્રપર્વની ઉજવણી નિમિતે રાજકોટમાં જયારે કરોડો રૂપીયાનો ખર્ચ થતો હોય છે ત્યારે આ ફલાવર શો પાછળ ફાળવેલ નાના કરતા વધારાના ૧૫-૨૦ લાખ રૂપિયાનો મામુલી ખર્ચ સરકાર ભોગવે તો રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા જે ફલાવર શો નો લાભ લેવાની છે તે સંખ્યામાં વધારો થશે અને લોકો ખુશીથી ફલાવર શો ની પરિવાર સાથે મઝા માણી શકશે.

રાજકોટમાં કાલાવડ રોડ પર તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ત્રણ સ્થળે અને ગ્રીનલેન્ડ ચોકડી સહીત કુલ ૫(પાંચ) સ્થળે અંદાજે ૨૩૦ કરોડના ખર્ચે બ્રીજ બનવવા રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને મંજૂરી આપેલ છે જે અન્વયે ૧૦% રકમ લેખે આશરે ૨૩ કરોડ ની ગ્રાન્ટ મનપાને ચૂકવવામાં આવેલ છે પરંતુ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તમામ બ્રીજોની ડીઝાઈન સહિતની મૂળભૂત કામગીરી જ હજુ મનપાના ઈજનેરો એ શરૂ કરી નથી અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકાને અન્ય બ્રીજોની ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં તે કામો પણ હજુ સુધીમાં રાજકોટ મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ નથી તો આ જાહેર કરેલ નવા બ્રીજોના કામ કયારે થશે એ તો સમયઙ્ગ જ બતાવશે તેથી અમારી આપને વિનંતી છે કે આપ રાજકોટના પનોતાપુત્ર છો ત્યારે રાજકોટના કામોમાં અંગત રસ લઇ સત્વરે કામો શરુ કરાવી લોકોને સુવિધા મળે તે માટે સત્વરે પૂર્ણ કરાવશો તેવી રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ છે તેવું વશરામભાઈ સાગઠીયાએ નિવેદનનાં અંતે જણાવ્યું છે.

(3:56 pm IST)