Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રણજિત વિલાસ પેલેસમાં રાજતિલક, રાજયાભિષેકની તડામાર તૈયારી

જયોતિપર્વ, મહાયજ્ઞ માટે ૫૧ બ્રાહ્મણો દ્વારા ઔષધિઓ અને ૩૦ તીર્થજળ દ્વારા અભિષેક : ગિનિસ બુક ઓફ રેકોર્ડ તથા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માટેનો પ્રયાસઃત્રીસ જાન્યુઆરીએ લોકડાયરો રાત્રે નવ વાગ્યાથી રંગ લાવશે : તમામ આયોજન આખરી તબક્કામાઃ તલવાર રાસની જોરદાર ચાલી રહેલી પ્રેકિટસઃ રણજિત વિલાસ પેલેસના પરિસરમાં આકાર પામી રહી છે સુંદર યજ્ઞશાળા

રાજકોટ તા. ૨૩: ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજતિલક,રાજયાભિષેકનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ એની તમામ તૈયારીઓ અને એના માટેનો ઉત્સાહ વધી રહ્યો છે. એક તરફ નગરયાત્રા અને રાજતિલક વિધિની તૈયારી ચાલી રહી છે તો બીજી બાજુ તલવાર રાસ,જયોતિપર્વ માટે પણ તૈયારી શરુ થઇ ગઇ છે. રાજકોટના આંગણે એક અપૂર્વ રજવાડી ઉત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે રાજ પરિવાર અને એમના સ્નેહીઓ આયોજનમાં કોઇ કસર છોડવા નથી માંગતા.

તા. ૨૭મી જાન્યુઆરીએ વિવિધ વિધિનો આરંભ થશે. ૨૮ મી જાન્યુઆરીએ ડ્રાઇવઇન સીનેમાના મેદાનમાં બપોરે તલવાર રાસનું આયોજન છે. ૨૫૦૦થી વધારે ક્ષત્રીય દીકરા દીકરીઓ આ વિશેષ અને પરંપરાગત તલવાર રાસની પ્રેકિટસ કરી રહ્યા છે. તો જયોતિપર્વ તા. ૨૯મીએ સાંજે યોજાશે એમાં પણ દીવડા કયાં, કેટલા પ્રગટાવવા એનું આયોજન ચાલુ થઇ ગયું છે.

રણજિત વિલાસ પેલેસના મેદાનમાં મહાયજ્ઞ થવાનો છે. વિવિધ તીર્થજળ, ઔષધિઓની આહૂતિ અપાશે, અભિષેક થશે. આ યજ્ઞ માટે ખાસ ભાગવતમાં જે વર્ણન છે તે અનુસાર શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી રહી છે. ધાર્મિક મહત્વની સાથે એમાં કળાત્મકતાનો પણ સમન્વય થશે. રણજિત વિલાસ પેલેસના તમામ મેદાનમાં કોઇ ને કોઇ કાર્યક્રમ યોજાવાનો છે એટલે બધે જ આ તૈયારી જોવા મળી રહી છે. રાજકોટમાં ૨૭  થી ૩૦ જાન્યુઆરી અનોખો માહોલ રહેશે. લોકોમાં પણ આ ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

(4:00 pm IST)