Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

માસુમ સ્કૂલના ધોરણ-૧૨ના છાત્રને બીજા છાત્રોએ પાઇપ-ઢીકાપાટુનો બેફામ માર માર્યો

હીરો ભરવાડ શાળાએથી છુટ્યો ત્યારે સાગર કલોતરાએ કેમ સ્કૂલમાં સીન કરે છે? કહી ઝઘડો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી નજીક માસુમ સ્કૂલના ગેઇટ પાસે આ સ્કૂલના ધોરણ-૧૨ના છાત્રને અન્ય એક છાત્રએ 'કેમ સ્કૂલમાં સીન કરે છે?' કહી મારકુટ કરતાં અને બીજા ત્રણ જણા સાથે મળી પાઇપ-ઢીકાપાટુનો માર મારતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર-૫માં રહેતાં અને માસુમ વિદ્યાલયમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં હીરા ચનાભાઇ મુંધવા (ભરવાડ)ની ફરિયાદ પરથી સાગર વેરશીભાઇ કલોતરા, આશિષ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

હીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ગઇકાલે બપોરે સવા બારેક વાગ્યે શાળાએથી છુટીને સ્કૂલના ગેઇટ પાસેથી તેનું ટુવ્હીલર લઇ ઘરે જવા નીકળ્યો ત્યારે માસુમ સ્કૂલમાં જ ભણતા સાગર કલોતરાએ તેને અટકાવી 'તું કેમ સ્કૂલમાં સીન મારે છે, કેમ સામે જોવે છે?' તેમ કહી ગાળો ભાંડતાં અને ઝપાઝપી કરતાં તેને ગાળો દેવાની ના પાડતાં તેણે બીજા બે એક મિત્રને બોલાવતાં તેણે લોખંડની પાઇપથી ગાલ પર ઇજા કરી હતી. થોડી મિનીટો પછી સાગરનો ત્રીજો મિત્ર આવ્યો તો અને તેણે પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. માથામાંથી લોહી નીકળવા માંડતાં બીજા છોકરા ભેગા થઇ જતાં તેને છોડાવ્યો હતો. ત્યાં તેના પિતાજી પણ ત્યાંથી અચાનક નીકળ્યા હતાં અને સારવાર માટે ખસેડ્યો હતો. બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:50 pm IST)