Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વિરાણી અઘાટમાં કેટરર્સના કર્મચારીઓ પાનમસાલા લેવા ભેગા થયા, ગાળાગાળી બાદ મારામારીઃ ૮ ઘવાયા

દિપક યાદવ, શ્યામ યાદવ અને સામે અનિલ, અરવિંદ, મુકેશ, વિક્રમ, દિલીપ અને પ્રકાશને ઇજા

રાજકોટ તા. ૨૩: ગાળો બોલવા બાબતે તાજેતરમાં ખૂનની ઘટના બની હતી. ત્યાં ગત રાતે વિરાણી અઘાટમાં ગાળો બોલવા મામલે ધોકા-તાવીથા-પાઇપથી ધબધબાટી બોલી જતાં કેટરર્સના ૮ પરપ્રાંતિય કર્મચારીઓને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

વિરાણી અઘાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતાં અને કેટરર્સમાં કામ કરતાં મુળ યુપીના દિપક દિનેશભાઇ યાદવ (ઉ.૨૪) તથા શ્યામવિર શ્રીશિવરામ યાદવ (ઉ.૨૧) રાતે અગિયારેક વાગ્યે ઘર નજીક સાંઢીયા પુલ પાસે પાનની દૂકાને હતાં ત્યારે રાજૂ નામના શખ્સે તાવીથાથી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બીજી તરફ વિરાણી અઘાટમાં જ રહેતાં અને કેટરર્સમાં કામ કરતાં અનિલ શ્યામભર પવાર (ઉ.૩૨), અરવિંદ નાથાભાઇ બુબરીયા (ઉ.૨૫), મુકેશ રાણાભાઇ પરમાર (ઉ.૨૨), વિક્રમ ગોવિંદભાઇ મીણા (ઉ.૨૧), દિલીપકુમાર ભાણાભાઇ પારગી (ઉ.૨૧) અને પ્રકાર તેજુભાઇ પરમાર (ઉ.૧૯) પણ પોતાના પર ધોકાથી હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ બંને એન્ટ્રીની ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી.

વિક્રમ અને દિલીપના કહેવા મુજબ પોતે પાનની દૂકાને વિમલ પાન મસાલા લેવા ગયા ત્યારે ગાળાગાળી થતાં ગાળો બોલવાની ના પાડતાં આ હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ તમામને રાતે અને સવારે રજા અપાઇ હતી. અનિલ સહિતને હોસ્પિટલે ખસેડનારા મદનસિંગે કહ્યું હતું કે જેને માથાકુટ થઇ હતી એ બીજા છોકરા હતાં. અમારા ગ્રુપના છોકરાઓ એ ડખ્ખામાં સામેલ હોવાનું સમજી હુમલો કરવામાં આવ્યો હતો.

(12:48 pm IST)