Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

તમારી પાસે ટેલેન્ટ હોય તો મહેનત કરો, નિરાશ ન થાવ...સફળતા અચૂક મળશે જઃ નેહા કક્કર

બોલીવૂડની સુપ્રસિધ્ધ ગાયિકા ઇન્ડિયન આઇડલ જજ સાંજે ૭ વાગ્યાથી રાજકોટીયન્સને એક એકથી ચઢીયાતા ગીતો પર મોજ કરાવશેઃ રાજકોટ શહેર પોલીસ આયોજીત લાઇવ કોન્સર્ટમાં ગાયકીના કામણ પાથરવા માટે રાજકોટ પહોંચેલી ગાયિકાએ કહ્યું-ગુજરાતીઓ અને રાજકોટના લોકો મને ખુબ પ્રિય છે, ત્રીજી વખત રાજકોટ આવી છું

રાજકોટમાં નેહાની હેટ્રિકઃ બોલીવૂડની સુપ્રસિધ્ધ ગાયિકા નેહા કક્કર આજે ત્રીજી વખત રાજકોટની મહેમાન બની છે. શહેર પોલીસ આયોજીત લાઇવ કોન્સર્ટમાં ભાગ લેવા તે બપોરે તેની ટીમ સાથે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી અને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. તસ્વીરોમાં નેહાની લાક્ષણિક અદાઓ અને મિડીયા સાથે વાતચીત કરી તે દ્રશ્યો જોઇ શકાય છે. એક ચાહક-કલાકાર નેહાનું આકર્ષક પેઇન્ટીંગ લઇને એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો, તે આ તસ્વીર નેહાને ભેટ કરવા ઇચ્છતો હતો. પરંતુ તેની ઇચ્છા ફળીભુત ન થઇ શકતાં તે દુઃખી થઇ ગયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: 'તમે કોઇપણ સ્પર્ધામાં જોડાવ તો તમારી પાસે ટેલેન્ટ હોવું જરૂરી છે, એક વખત સફળતા ન મળે તો નિરાશ ન થાવ, હિમ્મત ન હારો...મહેનત કરતાં રહો એક દિવસ સફળતા અચૂક મળશે'...આ વાત કરી હતી બોલીવૂડની સુપરડુપર પ્લેબેક સિંગર અને યુવા હૈયાઓની ધડકન ગણાતી નેહા કક્કરે. હાલમાં ટીવી ચેનલ પર ઇન્ડિયન આઇડલમાં જજ તરીકે જોડાયેલી નેહા આજે સાંજે સાત કલાકે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પોતાના એક એકથી સુપરહિટ અને જોમ ચડાવતાં ગીતો રજૂ કરી રાજકોટીયન્સને મોજ કરાવી દેશે.

ઉત્તરાખંડના ઋષીકેશમાં ૬ જૂન ૧૯૮૮ના રોજ જન્મેલી નેહા કક્કર ૨૦૦૬થી બોલીવૂડમાં ગાયિકા તરીકે સક્રિય છે. એક નાનકડા પ્રદેશમાંથી તે આજે દેશ-વિદેશમાં નામના ધરાવતી ગાયિકા તરીકે જાણીતી છે તો તેના પાછળ તેની અથાક મહેનત અને તેની ગાયકી માટેની આવડત જવાબદાર છે. નેહા આજે જે રિયાલીટી સિંગીંગ શો ઇન્ડિયન આઇડલમાં ત્રણ પૈકીના એક જજ તરીકે જોવા મળી રહી છે

એ જ ઇન્ડિયન આઇડલમાં તે ૨૦૦૬માં એક સ્પર્ધક હતી!...એટલે જ નેહાએ આજે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચતાની સાથે જ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તમારી પાસે ટેલેન્ટ-આવડત હોય તો તમે મહેનત કરો, એકાદ-બે પ્રયાસમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થાવ, થાકો નહિ...આગળ જતાં તમને ચોક્કસપણ મોટુ પ્લેટફોર્મ મળશે જ. નેહા પોતે જ તેના આ કથનનો સોૈથી મોટો પુરાવો છે.

નેહાએ ઇન્ડિયન આઇડલમાં ૨૦૦૬માં સ્પર્ધક તરીકે ભાગ લઇ પોતાની ક્ષમતા સોૈની સામે રાખી દીધી હતી. એ પછી ૨૦૦૮માં તેનું પહેલુ આલ્બમ નેહા-ધ રોક સ્ટાર નામથી મિત બ્રધર્સ સાથે આવ્યું હતું. ત્યારબાદ સફળતાએ કદી નેહાનો સાથ છોડ્યો નથી. આજે તે બોલીવૂડમાં ખાસ કરીને યંગસ્ટર્સમાં પોતાનું આગવું નામ ધરાવે છે. કરોડો ચાહકો નેહાની ગાયકીના દિવાના છે. નેહાએ ઝીના સારેગામા લિટલ ચેમ્પ્સ ૨૦૧૭માં જજ તરીકે અને એ પછી ઇન્ડિયન આઇડલમાં સતત ૧૦મી અને હાલની ૧૧મી સિઝનમાં જજ તરીકે કામ કર્યુ છે. નેહાએ બોલીવૂડની ફિલ્મો બ્લૂ, નોટ એ લવ સ્ટોરી, કોકટેઇલ, રમૈયા વસ્તાવૈયા, ફટા પોસ્ટર નિકલા હીરા...ધતીંગ નાચ, યારીયાનું સન્ની સન્ની, કવીનમાં લંડન ઠુમકદા, ધ શોૈકિન્સમાં મનાલી ટ્રેન્સ, એક પહેલી લીલામાં એક દો તીન ચાર, હેટ સ્ટોરી-૩માં તું ઇશ્ક મેરા, ચાર્લી કે ચક્કર મેં...આઇ એમ સિંગલ, દિલવાલેમાં ટુકૂર ટુકૂર, કપૂર એન્ડ સન્સમાં લડકી બ્યુટીફૂલ કર ગઇ ચૂલ.., બાગીમાં લેટ્સ ટોક અબાઉટ લવ, બાર બાર દેખોમાં કાલા ચશ્મા જચદા એ, વજહ તુમ હો...માહી વે, દંગલમાં નૈના, બદ્રી નાથ કી દુલ્હનીયા ટાઇટલ સોંગ, મશીનમાં ચીઝ બડી, રાબ્તામાં મૈં તેરા બોયફ્રેન્ડ, જૂડવા-૨માં ઉંચી હૈ બિલ્ડીંગ, ફૂકરે રિટર્ન્સમાં મહેબૂબા, સોનુ કે ટીટૂ કી સ્વીટી...છોટે છોટે પેગ માર, હેટ સ્ટોરી-૪માં આશિક બનાયા આપને, લુકાછુપીમાં કોકા કોલા તું...બાટલા હાઉસમાં ઓ શાકી શાકી રે..., મેડ ઇન ચાઇનામાં ઓઢની ઓઢુ ઓઢુ, મરજાંવામાં એક તો કમ જિંદગાની, પાગલપંતિમાં તુમ પર હમ હૈ અટકે સહિતના સુપરહિટ ગીતો ગાયા છે.

સાંજે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં શહેર પોલીસ આયોજીત લાઇવ કોન્સર્ટમાં તેના ગીતોના ચાહકોને નેહા ચોક્કસપણ મોજ કરાવી દેશે. એરપોર્ટ ખાતે એસીપી જે. એસ. ગેડમ, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, રઘુભા વાળા, જીજ્ઞેશ મારૂ, પ્રતાપસિંહ મોયા અને મહિલા પીએસઆઇ અને તોરલબેન નેહા કક્કરનું સ્વાગત કર્યુ હતું.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં સમગ્ર શહેર પોલીસની ટીમોએ આ ઇવેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. વિરાણી હાઇસ્કૂલ ખાતે નેહા કક્કર લાઇવ કોન્સર્ટ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સોૈ સમયસર પહોંચી સ્થાન મેળવી લે અને મજા માણે તે માટે પોલીસ સતત ખડેપગે રહેશે. (૧૪.૭)

(3:12 pm IST)