Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

માધાપરમાં પશુબલી સમયે વિજ્ઞાન જાથા ત્રાટકી : ૧ જીવ બચાવી લેવાયો

રાજકોટ : શહેરની ભાગોળે માધાપર ખાતે આવેલ ખાખરાવાળી મેલડી માતાના મઢે પશુબલીની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વિગતો વિજ્ઞાન જાથાની ટીમ પાસે પહોંચી હતી. છેલ્લા બે માસમાં અસંખ્ય પશુબલી થયાનું અને વરસમાં તો ૪૦૦ બલી ચડાવાતી હોવાનો આંકડો મળ્યો હતો. પંચાવ જગ્યા હોય કોઇ કહી શકતુ નહોતુ. માતાજીના મઢ આગળ પાછળ અવાવરૂ જગ્યા છે. બાવળનું પ્રમાણ વધુ છે અને અવારનવાર પશુબલી થતી હોય કુતરાઓ પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. જાથાની ટીમ પી.એસ.આઇ વિજય પરમારને લઇ આ ઓપરેશન પાર પાડવા પહોંચી હતી. પહોંચવામાં પોલીસ બંદોબસ્ત મેળવવામાં થોડો વિલંબ થઇ ગયો હોય ત્રણ બોકળાની બલી ચડાવાઇ ચુકી હતી. જયારે એક બોકળાને બચાવી લેવાયો હતો. જાથાની ટીમ પોલીસ સાથે પહોંચતા જ નાશભાગ થઇ ગઇ હતી. સ્થળ પર કપાયેલા બોકળાના ડોકા, માંસ ફેંકાયા હતા તે પણ આસપાસના કુતરા હજમ કરી ગયા હોય માત્ર અવસેષો જ હાથ લાગ્યા હતા. ગરમ તપેલામાં પ્રસાદ તૈયાર થઇ રહ્યો હતો તે લઇને નાશી જવામાં માનતા રાખવાવાળા સફળ રહ્યા હતા. જો કે ગામ લોકોએ ભુવાને થોડી ધોલધપાટ કરી લીધાનું જણાયુ હતુ. માનતા રાખવાવાળાને એક જીવીત બોકળા સહીત બજરંગવાડી પોલીસ ચોકીએ લાવવામાં આવેલ. જે સુરેન્દ્રનગરના રાજસીતાપુરના હતા. જીવીત બોકળાને પાંજરાપોળમાં સુપ્રત કરી એક નિર્દોષ જીવ બચાવી લેવાયાનો સંતોષ મનાયો હતો. વિજ્ઞાન જાથાના આ ઓપરેશનમાં મનસુખ મુર્તિકાર, દિનેશ હુંબલ, અંકલેશ, ભાનુબેન ગોહિલ, વગેરેએ હિંમત દાખવી હતી. તેમ જાથાના રાજય ચેરમેન જયંત પંડયા મો.૯૮૨૫૨ ૧ં૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે. તસ્વીરમાં માધાપર મેલડી માતાના મંદિરે બોકળાની બલી અટકાવવા જાથાની ટીમ પહોંચેલ તે સમયના દ્રશ્યો નજરે પડે છે. (૧૬.૨)

(3:57 pm IST)