Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

રોજગારલક્ષી શિક્ષણનીતિ ઘડવા 'યુવા સંસદ'માં ઉઠી માંગ

યુથ ફોર ડેમોક્રસી દ્વારા યોજાયેલ મોક પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓએ જુસ્સાભેર ભાગ લીધો

રાજકોટ, તા. ર૩ : યુથ ફોર ડેમોક્રેસી અને ગુજરાત સ્ટેટ યુથ કાઉન્સિલના સંયુકત ઉપક્રમે આ સોમવારે રેસકોર્ષ સ્થિત બાલભવન ખાતે મળેલ યુવા સંસદ (મોક પાર્લામેન્ટ)માં ઉપસ્થિત યુવા પ્રતિનિધિઓએ દેશની રાષ્ટ્રીય સરકારને અનુરોધ કરી યુવા વિકાસલક્ષી અને રોજગારલક્ષી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને રાષ્ટ્રીય યુવા નીતિ તાકીદે જાહેર કરવા માંગ ઉઠાવી હતી.

સદ્ગુરૂ મહિલા કોલેજની વિદ્યાર્થીની કોમલ વાઘેલાના સ્પીકરપદે મળેલ યુવા સંસદ-ર૦૧૯માં દરેક યુવા પ્રતિનિધિએ કેન્દ્ર સરકારના નોટબંધીના પગલાને ઉતાવળયું, બીનજરૂરી અને સામાન્ય જનતાને મુશ્કેલી ઉભી કરનાર જણાવ્યું હતું. જયારે જી.એસ.ટી.ને આવકાર આપી તેના સ્લેબમાં હજુ પણ ઘટાડો કરવાની માંગ કરી હતી.

વડાપ્રધાન ચાંદની વઘાસીયા (કણસાગરા કોલેજ)ના નેતૃત્વમાં પ્રધાનમંડળના સભ્યો અમી પલાણ (નાણા), ડિમ્પલ માનસરા (સંરક્ષણ), જીલ ગણાત્રા (શિક્ષણ), ચિંતન સકોરીયા (સમાજ કલ્યાણ), રાજુ ડાભી (આરોગ્ય) વિગેરેએ યુવા સંસદમાં રજૂ કરેલ પ્રશ્નોના ધારદાર અને અસરકારક જવાબો આપ્યા હતા.

જયારે વિરોધપક્ષના નેતા તંજીલા બાદી અને ચર્ચામાં મહિલા યુવા પ્રતિનિધિએ મહિલાઓ ઉપર થતા બળાત્કારનો પ્રશ્ન ઉભો કરી જણાવ્યું હતું કે, આવા કેસનો તાત્કાલીક નિકાલ કરી બળાત્કારીઓને આજીવન જેલ કે ફાંસીની સજા મળવી જોઇએ.

સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણીના પ્રમુખ સ્થાને મળેલ આ યુવા સંસદ-ર૦૧૯ને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાં પાસે દીપ પ્રગટાવી ખુલી મૂકવામાં આવેલ. મ્યુ. કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ સંસદીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. પૂર્વ નિયામક પ્રા.જે.એમ. પનારાએ યુવા સંસદની રચના કેમ કરવી તેની સમજણ આપી હતી.

શરૂઆતમાં યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયાએ મહેમાનોને  આવકારેલ.  આભારવિધી ગુજરાત સ્ટેટ યુથ કાઉન્સિલના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઇ ગોંડલીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કણસાગરા કોલેજના પ્રાધ્યાપક અને પ્રોગ્રામ ઓફીસર યશવંતભાઇ ગોસ્વામીએ કર્યું હતું.

આ પ્રસંગે પ્રિ. કે.એમ. માવાણી, પ્રિ.ડો. યજ્ઞેશભાઇ જોશી, ડો. જિજ્ઞેશ ગાદેશા, એલ.એસ. સૈયદ, પથીકભાઇ દફતરી, જીમ્મીભાઇ અડવાણી, અતુલભાઇ જોશી, જીતુભાઇ લખતરીયા, મુકેશભાઇ પારેખ, જશવંતભાઇ ચોવટીયા, ડો. કિશોરભાઇ રાઠોડ, નટવરસિંહ ચૌહાણ, રાજેશભાઇ ભાતેલીયા, ઉર્મિલાબેન લાબડીયા, સ્વીટીબેન વોરા, ભારતીબેન સનીસરા, ભાવનાબેન વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (૮.૧૭)

 

(3:47 pm IST)