Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

લલના સાથેનું 'મિલન' જામનગરના વણિક વૃધ્ધ માટે 'મોત'બન્યું ... હનીટ્રેપમાં હત્યા, ત્રણ ઝડપાયા

રૈયાધાર શાંતિનગરમાં એક ફલેટમાંથી લાશનો નિકાલ થવાનો છે તેવી એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાને જાણ થઇ અને ખળભળાટ મચાવતી ઘટના સામે આવીઃ જામનગરના વૃધ્ધ કિરીટભાઇ ચંદુલાલ મહેતા (ઉ.૬૫) દોઢ વર્ષ પહેલા કાજલ નામની લલના સાથે સંપર્કમાં હતાં ત્યારે પહેલી વખત વંદના ઉર્ફ વંસીકા સાથે 'મુલાકાત' થતાં ફોન નંબરની આપ-લે થઇ હતીઃ લગ્ન પછી વંસીકાએ દોઢ વર્ષ ફોન બંધ રાખ્યો ને ગત ૧૬મીએ ફરી ફોન ચાલુ કરી જુના ગ્રાહક કિરીટભાઇ સાથે વાતો કરી ગઇકાલે સાંજે મળવા બોલાવ્યાઃ પૈસાની જરૂર હોઇ પ્લાન મુજબ બ્લેકમેઇલ કરવા વિડીયો ઉતારી લીધોઃ એક શખ્સે ધોલધપાટ કરી છરી બતાવી ધમકાવતાં વૃધ્ધનું મોત થયું ને ટોળકીનો બ્લેકમેઇલનો કારસો 'મર્ડર'માં પરિણમ્યોઃ પોલીસ પહોંચી ત્યારે વંસીકા, ગાયત્રીબા અને અલીએ લાશ પોતાના સગાની હોવાનું અને એટેક આવી ગયાનું રટણ કર્યુ'તું: પણ ઉંડી તપાસ થતાં : ટોળકીનું ભોપાળુ છતું થયું: ગાયત્રીબા અને વંદના બંને દેહવ્યાપાર કરે છેઃ ગાયત્રીબા દારૂ પીવામાં અને વંદના લોહીના વેપલા સબબ અગાઉ પકડાઇ'તીઃ વિરમગામની બહેનપણી વણકર યુવતિ વંદના ઉર્ફ વંસીકાને પતિ સાથે માથાકુટ થતાં તે એક વર્ષથી રાજકોટમાં મુળ અમદાવાદની ગાયત્રી પરમારના રૈયાધાર શાંતિનગરના શ્યામરાજ ફલેટમાં તેની સાથે રહી દેહવ્યાપાર શરૂ કર્યો'તોઃ ગાયત્રીબાને મકાન બદલવા પૈસાની જરૂર પડતાં તેણે વંદના ઉર્ફ વંસીકા પાસે ૨૦ હજાર માંગ્યાઃ વંદનાએ આ પૈસાની વ્યવસ્થા કરવા વૃધ્ધને ફસાવવાનો કારસો ઘડ્યોઃ મંગળવારે જામનગરના 'ભાભા' (કિરીટભાઇ મહેતા) આવતાં હોઇ તેને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો પ્લાન ઘડ્યોઃ પ્લાન મુજબ વંદના વૃધ્ધ સાથે રૂમમાં ગઇ, બંનેએ સંબંધ બાંધ્યો પછી ઇશારો થતાં જ સાગ્રીતો અલી અને યાસીને અંદર આવી વંદના અને વૃધ્ધનો વિડીયો ઉતારી લીધોઃ યાસીને 'તું મારી પત્નિ સાથે શું કરે છે? બોલાવ તારા ઘરનાને એટલે ખબર પડે' કહી : લાફા મારતાં વૃધ્ધ પડી ગયા અને મોત નિપજ્યું: હત્યાનો ભોગ બનેલા કિરીટભાઇ મહેતા ત્રણ ભાઇ એક બહેનમાં બીજા હતાં: તેમનો પુત્ર કેનેડા અને પુત્રી લંડન રહે છેઃ અલી ગાયત્રી સાથે જ રહે છેઃ તે અગાઉ હથીયારના ગુનામાં સંડોવાયો'તોઃ યાસીન ઉર્ફ નાનભા અલીનો મિત્ર હોઇ સાથે હતો

જ્યાં હત્યા થઇ એ રૈયાધારનું શાંતિનગર અને તેની અંદરના ભાગે આવેલા શ્યામલરાજ એપાર્ટમેન્ટનો આવેલો ગાયત્રીબા પરમારનો ભાડાનો ફલેટ તથા હત્યાનો ભોગ બનેલા જામનગરના વણિક વૃધ્ધ કિરીટભાઇ ચંદુલાલ મહેતા (ઉ. ૬૫)નો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

સનસનાટીઃ જામનગરના વણિક વૃધ્ધની હનીટ્રેપમાં હત્યા થયાના સનસનાટી ભર્યા બનાવના ડિટેકશનની માહિતી ડીસીપી ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજાએ વિગતો આપી હતી. તેમની સાથે એસીપી પશ્ચિમ એસ.આર. ટંડેલ તથા યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. બી. બી. ગોયલ અને પીએસઆઇ એન. બી. ડોડીયા તથા ટીમ  જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

  રાજકોટ તા. ૨૩: પતિ સાથે ઝઘડો થતાં તેને છોડીને રાજકોટના રૈયાધારમાં બહેનપણી દરબાર મહિલા સાથે ફલેટમાં રહેવા આવેલી મુળ વિરમગામની વણકર યુવતિ પાસે બહેનપણી દરબાર મહિલાએ 'ઘરમાં રહેવું હોય તો ૨૦ હજાર આપવા પડશે' તેમ કહેતાં વણકર યુવતિએ આ પૈસાની વ્યવસ્થા કરવા જામનગરથી પોતાની સાથે મોજમજા કરવા આવનારા વણિક વૃધ્ધનો નગ્ન વિડીયો ઉતરાવી તેને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો પ્લાન ઘડતાં અને એ પ્લાન મુજબ જ વૃધ્ધને રૂમમાં લઇ ગયા બાદ બે સાગ્રીત મુસ્લિમ શખ્સોએ અંદર ઘુસી વિડીયો ઉતારી લીધા બાદ એક શખ્સે 'આ મારી પત્નિ સાથે શું કરો છો? બોલાવો તમારા સગાને...' તેમ કહી વૃધ્ધને લાફા મારતાં તેઓ પડી જતાં અને હૃદય બેસી જતાં મોત નિપજતાં બ્લેકમેઇલનો કારસો મર્ડરમાં પરિણમ્યો હતો. લલના સાથે 'મોજ' માણવા જામનગરથી આવેલા વણિક વૃધ્ધને હનીટ્રેપમાં 'મોત' મળતાં યુનિવર્સિટી પોલીસે હત્યા-કાવત્રુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી છે. આ ઘટનાને ચકચાર મચાવી દીધી છે. જો એસીપી ક્રાઇમને લાશને સગેવગે કરવાનો પ્રયાસ થઇ રહ્યાની માહિતી ન મળી હોત તો કદાચ આ ઘટના સામે પણ આવી ન હોત.

સનસનાટી મચાવતી આ ઘટના મામલે યુનિવર્સિટી પોલીસે હનીટ્રેપમાં ફસાઇને હત્યાનો ભોગ બનેલા જામનગરના વણિક વૃધ્ધ કિરીટભાઇ ચંદુલાલ મહેતા (ઉ.વ.૬૫)ના જામનગર આણદા બાવાના ચકલા પાસે કચેરી ફળીના 'સંતોષ' નામના મકાનમાં રહેતાં ભત્રીજા કિંજલભાઇ રોહિતભાઇ મહેતા (જૈન) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી મુળ અમદાવાદની હાલ રાજકોટ રૈયાધાર શાંતિનગર શ્યામરાજ એપાર્ટમેન્ટ-૧ ફલેટ નં. ૨૦૧માં રહેતી ગાયત્રીબા રવિરાજસિંહ ઇન્દ્રસિંહ પરમાર (ઉ.૨૮), મુળ વિરમગામની હાલ રાજકોટ ગાયત્રીબા સાથે જ રહેતી વંદના ઉર્ફ વંસીકા પરષોત્તમભાઇ છગનભાઇ વાઘેલા (વણકર) (ઉ.૨૫) તથા આટકોટના યાસીન ઉર્ફ નાનભા યુસુફભાઇ સાંઢ અને રાજકોટ રૂખડીયાપરા રાજીવનગર હાજીપીરની દરગાહ પાસે રહેતાં અલી ઇકબાલભાઇ શેખ સામે આઇપીસી ૩૦૨, ૨૦૧, ૫૧૧, ૩૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે.

ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨)એ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત રાત્રે એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાને ખાનગી રાહે માહિતી મળી હતી કે શ્યામરાજ એપાર્ટમેન્ટના ફલેટ નં. ૨૦૧માં કંઇક અજુગતી અને શંકાસ્પદ ઘટના ઘટી છે અને એક લાશને સગેવગે કરવા પ્રયાસ થઇ રહ્યો છે. આને આધારે એસીપી એસ.આર. ટંડેલ, ગાંધીગ્રામના પીએસઆઇ ભટ્ટ,  પી.આઇ. બી. બી. ગોયલ અને  યુનિવર્સિટીની ટીમે ત્યાં જઇ તપાસ કરતાં ફલેટમાંથી એક વૃધ્ધની લાશ મળી હતી. એ પછી શરૂ થયેલી તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

પોલીસ ફલેટમાં પહોંચી ત્યારે ત્યાં ગાયત્રીબા, વંદના તથા અલી શેખ હાજર હતાં. મૃતક વૃધ્ધ જામનગરના હોવાની વાત વંદના ઉર્ફ વંસીકાએ જણાવી હતી. પોલીસ મૃતક વિશે વધુ માહિતી મેળવવા પ્રયાસ કરી રહી હતી ત્યાં જ મૃતકના મોબાઇલમાં રીંગ વાગતાં પોલીસે ફોન રિસીવ કરતાં મૃતક વૃધ્ધ જામનગરના કિરીટભાઇ ચંદુલાલ મહેતા હોવાનું અને ફોન કરનાર રોહિતકુમાર મહેતાએ મૃતક પોતાના નાના ભાઇ હોવાનું કહેતાં પોલીસે તેમને તાકીદે રાજકોટ શ્યામલરાજ એપાર્ટમેન્ટ ખાતે આવવા જણાવ્યું હતું.

ઘટનાની જાણ થતાં રોહિતકુમાર પોતાના પુત્ર કિંજલભાઇ સહિતનાને સાથે લઇને રાજકોટ પોલીસે જણાવેલા એડ્રેસ પર પહોંચ્યા હતાં અને પોતાના ભાઇ કિરીટભાઇની લાશ જોતાં અવાચક થઇ ગયા હતાં. પોલીસની હાજરીમાં જ વંદના ઉર્ફ વંસીકાએ જે ઘટના બની તેની વિગતો વર્ણવતા પોલીસે તેના આધારે મૃતકના ભત્રીજા કિંજલભાઇની ફરિયાદ નોંધી હતી.

કિંજલભાઇ જામનગરમાં ફૂટવેર અને હોઝીયરીનો વેપાર કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું જામનગર મારા પરિવાર સાથે રહુ છું અને મારા પિતાજીનું નામ રોહિતકુમાર ચંદુલાલ મહેતા છે, તે પણ મારી સાથે જ રહે છે. મારા પિતાજીને ત્રણ ભાઇઓ અને એક બહેન છે. જેમાં મારા પિતાજી સોૈથી મોટા છે. તેનાથી નાના કિરીટભાઇ ચંદુલાલ મહેતા (ઉ.૬૫) હતાં. તેનાથી નાના મારા ફઇબા ઇલાબેન પ્રફુલભાઇ શાહ અને તેનાથી નાના કાકા દિપકભાઇ ચંદુલાલ મહેતા હતાં. સોૈથી નાના કાકા અજયભાઇ ચંદુલાલ મહેતા છે. મારા કાકા કિરીટભાઇના પત્નિ એટલે કે મારા કાકી વિણાબેન આજથી ૧૮ વર્ષ પહેલા ગુજરી ગયા છે. મારા કાકા કિરીટભાઇને સંતાનમાં એક પુત્ર હેમાંગ (ઉ.૩૭) છે અને તે કેનેડા રહે છે. તેમજ દિકરી ખ્યાતિ લંડન તેમના પતિ સાથે રહે છે. કાકા કિરીટભાઇ અમારી સાથે જામનગરમાં જ રહેતાં હતાં.

કિંજલભાઇએ આગળ જણાવ્યું છે કે મંગળવારે એટલે કે ૨૨-૧ના રાત્રે દસેક વાગ્યે હું મારા કામ સબબ જામનગરમાં વાલકેશ્વરી નગરી ખાતે હતો ત્યારે મારા પિતાજીનો ફોન આવ્યો હતો કે તું જલ્દી ઘરે આવ કિરીટકાકા અવસાન પામ્યા છે. આથી હું ઘરે પહોંચતા મારા પિતાજીએ વાત કરી હતી કે તેઓ ઘરે આવ્યા ત્યારે કિરીટકાકા ઘરમાં જોવા મળ્યા નહોતાં. તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. એ પછી ફોન લાગતાં અને રિસીવ થતાં કોઇ પોલીસે ફોન રિસીવ કર્યો હતો. તેમણે આ ફોન કોનો છે? તેમ પુછતાં મારા પિતાજીએ ફોન નાના ભાઇ કિરીટભાઇનો છે તેમ કહ્યું હતું. જેથી પોલીસે  'તમારા ભાઇ અવસાન પામ્યા છે, તમે રાજકોટ શાંતિનગર શ્યામરાજ એપાર્ટમેન્ટ ખાતે આવો' તેમ કહેતાં મારા પિતાજીએ મારા કાકાના સાઢુ કિરીટભાઇ પારેખ તથા તેમના ભાઇ કેતનભાઇ પારેખને પોલીસે જણાવેલા સરનામે પહોંચવા કહ્યું હતું. એ પછી હું તથા મારા પિતાજી, મારા ફઇબાનો દિકરો ધીમાંશુ શાહ, કાકાના દિકરા ધૈર્ય અજયભાઇ મહેતા એમ બધા જામનગરથી રાજકોટ પહોંચ્યા હતાં. ત્યારે કાકાના સાઢુ અને બીજા સગા પણ શ્યામરાજ-૧ એપાર્ટમેન્ટ રૈયાધાર ફલેટ નં. ૨૦૧ ખાતે હાજર હતાં.

ફલેટના હોલથી અંદર ડાબા હાથે એક રૂમ હતો તેમાં મારા કાકા કિરીટભાઇ ચંદુલાલ અર્ધ ખુલ્લા પેન્ટ પહેરેલી હાલતમાં સુતેલા જોવા મળ્યા હતાં. તેમના શરીરે શર્ટ નહોતો. આ વખતે ત્યાં બે મહિલા અને એક શખ્સ હાજર હતાં. આ મહિલા ગાયત્રીબા જાડેજા, વંદના ઉર્ફ વંસીકા અને શખ્સ ઇસ્માઇલ શેખ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જે પૈકી વંદના ઉર્ફ વંસીકા પરષોત્તમભાઇ વાઘેલા (વણકર) (ઉ.૨૫-રહે. નિલકી ફાટક, શકિતનગર સોસાયટી વિરમગામ, હાલ રાજકોટ લક્ષ્મીનગર મધુવન સોસાયટી-૨)ને આ બનાવ બાબતે અમે પુછતાં તેણીએ સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી.

વંદના ઉર્ફ વંસીકાએ કહ્યું હતું કે તેણીને તેના પતિ જયેશ હાજાભાઇ સાથે ૯/૧/૧૮ના રોજ ઝઘડો થયો હોઇ જેથી તે પતિને છોડી પોતાની ફ્રેન્ડ ગાયત્રીબા જાડેજાના ફલેટ ખાતે આવી હતી. અહિ આવ્યા બાદ દેહવ્યાપારના ધંધે ચડી ગઇ હતી. ગાયત્રીબા પણ દેહવ્યાપારનો ધંધો કરતાં હોઇ બંને જણી ગ્રાહકો સાથે ફોન પર વાતો કરતી હતી. વંદના ઉર્ફ વંસીકા અગાઉ પણ આવો ધંધો કરતી હતી. પરંતુ જયેશ સાથે લગ્ન બાદ દોઢ વર્ષ ફોન બંધ રાખ્યો હતો. એ પછી છેલ્લા એક મહિનાથી આ ફોન ફરી ચાલુ કર્યો છે. વંદના પહેલા કાજલ સાથે રહેતી હતી. કાજલ પણ દેહવ્યાપાર કરતી હતી. દોઢ બે વર્ષ પહેલા કાજલના ગ્રાહક તરીકે કિરીટભાઇ મહેતા આવ્યા હતાં ત્યારે તેણે તેની સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યારે એક બીજાના ફોન નંબરની પણ આપ લે કરી હતી. આ નંબર બધા ગ્રાહકો પાસે હતો.

હાલમાં વંદના ઉર્ફ વંસીકાએ વ્હો્ટસએપ ચાલુ કરતાં ૧૬/૧/૧૯ના રોજ તેણે વ્હોટ્સએપથી કિરીટભાઇ મહેતાને ૧-૪૫ કલાકે કોલ કર્યો હતો અને વાત કરી હતી.  ત્યારબાદ વંદના ઉર્ફ વંસીકાએ રૂબરૂ મળવાની વાત કરી હતી. આ વિગતો ફરિયાદી કિંજલભાઇને વંદના ઉર્ફ વંસીકાએ જણાવી હતી. તેણીએ આગળ વાત કરી હતી કે ૨૦/૧/૧૯થી ફરિયાદીના કાકા કિરીટભાઇ મહેતાએ વંદનાને વ્હોટ્સએપથી વાત કરવાનું શરૂ કર્યુ હતું. તેમજ તેમણે તેના ફોટા માંગ્યા હતાં. જેથી તેણે ફોટા પણ મોકલ્યા હતાં. દરમિયાન ૨૧/૧ના રોજ ગાયત્રીબાએ વંદના ઉર્ફ વંસીકાને વાત કરી હતી કે ગાયત્રીબાને ઇશાન જોષી નામના શખ્સ સાથે ઝઘડો થતાં તેણે ઇશાનની કારના કાચ ફોડી નાંખ્યા છે. ઇશાન ગાયત્રીબા સાથે બદલો લેશે જેથી તેને મકાન બદલવું છે. આમ કહી ગાયત્રીબાએ વંદના ઉર્ફ વંસીકા પાસેથી રૂ. ૨૦ હજારની મદદ માંગી હતી. વંદનાએ પૈસાની ના પાડતાં ગાયત્રીબાએ 'તો તું તારૂ મકાન શોધી લેજે' તેવી વાત કરી હતી.

એ પછી ૨૧/૧ના રાતે ૧:૦૪ કલાકે વંદના ઉર્ફ વંસીકાએ ફરિયાદીના કાકા કિરીટભાઇ મહેતાને વ્હોટ્સએપ કોલ કર્યો હતો અને પોતે ૨૨મીએ રાજકોટ આવીને મળશે તેવી વાત કરી હતી. આ વાત વખતે વંદના ઉર્ફ વંસીકા સાથ ેગાયત્રીબા, રાજીવનગરનો અલી શેખ, ગાયત્રીબાનો પુત્ર જયવિર (ઉ.૬), આટકોટના યાસીન ઉર્ફ નાન સાંઢ પણ હાજર હતાં. વંદનાએ ગાયત્રીબાને કહેલ કે આવતીકાલે (૨૨મીએ) બપોર પછી જામનગરના ગ્રાહક ભાભા (કિરીટ મહેતા) આવે છે. તું તારી જગ્યાના રૂ. ૫૦૦ લઇ લેજે. જેથી તેણે કહેલ કે આપણે ૫૦૦ નથી લેવા તેનો તોડ કરી નાંખીએ! જેથી ગાયત્રીબાને મકાન બદલવું હોય તો તેના રૂપિયાનો વેંત થઇ જાય. આ વાતમાં વંદના ઉર્ફ વંસીકા પણ સહમત થઇ હતી.

આ પછી વંદના ઉર્ફ વંસીકા, ગાયત્રીબા, અલી શેખ અને યાસીન ઉર્ફ નાન એમ ચારેયે મળી પ્લાન ઘડી કાઢ્યો હતો કે ભાભા (કિરીટ મહેતા) આવે એટલે વંદના ઉર્ફ વંસીકા તેને રૂમમાં લઇ જશે, દરવાજો ખુલ્લો રાખશે. એ પછી કપડા ઉતારી રેડી થાય એટલે ખોખારો ખાવાનો અને અલી, યાસીન આવી જશે અને વિડીયો બનાવી લેશે. એ પછીભાભાને બ્લેક મેઇલ કરી તેની પાસેથી પૈસા પડાવશું

આ પ્લાન ઘડાયા બાદ ફરિયાદીના કાકા કિરીટભાઇ મહેતા મંગળવારે સાંજે ચારેક વાગ્યે વંદના ઉર્ફ વંસીકાને ફોન કરી રાજકોટ રૈ્યા ચોકડીએ પહોંચ્યા હતાં. ત્યાંથી વંદના તેને ગાયત્રીબાના એકસેસ નં. જીજે૧૦સીઆર-૧૨૩૦ ઉપર બેસાડીને લઇગઇ હતી. આ વખતે પ્લાન મુજબ યાસીન, અલી હાજર હતાં અને ગાયત્રીબા બપોરે બે વાગ્યાથી પારૂલના ઘરે જતાં રહ્યા હતાં. એ પછી વંદના કિરીટભાઇ મહેતાને રૂમમાં લઇગઇ હતી અને પ્લાન મુજબ દરવાજો ખુલ્લો રાખ્યો હતો. બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં વંદનાએ પ્લાન મુજબ ખોખારો ખાતા જ અલી અને યાસીન અંદર ઘુસી ગયા હતાં અને વિડીયો ઉતારવાનું શરૂ કર્યુ હતું. યાસીન ઉર્ફ નાનભાએ 'તું મારી ઘરવાળી સાથે શું કરે છે?' તેમ કહી કિરીટભાઇને લાફા માર્યા હતાં અને અલીએ છરી પણ બતાવી હતી. જેથી કિરીટભાઇ ગભરાઇને લાદી પર પડી ગયા હતાં અને નાકમાંથી લોહી નીકળવા માંડ્યા હતાં.

એ પછી પણ અલીએ 'તારા ઘરવાળાના કોકના નંબર આપ તેને અહિ બોલાવવા છે, તું શું ધંધા કરે છે તેની ખબર પડે' તેમ કહી ડરાવ્યા હતાં. આથી કિરીટભાઇએ દિકરો લંડન છે મારી આબરૂ જશે તેમ કહી ખુબ ગભરાઇ ગયા હતાં અને હાજત કરી ગયા હતાં. બાદમાં સતત ઉંચા શ્વાસ લેવા માંડ્યા હતાં અને મૃત્યુ પામ્યા હતાં. આથ વંદના ઉર્ફ વંસીકાએ લેટરીન સાફ કર્યુ હતું. યાસીન ત્યાંથી ભાગી ગયો હતો. વંદનાએ ગાયત્રીબાને ફોન કર્યો હતો પણ તેણે ફોન રિસીવ નહોતો કર્યો. અલીએ વંદનાને ગાયત્રીબાને જાણ કરવી પડશે તેમ કહેતાં તે અને વંદના પારૂલના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં બીજા એક ભાઇ તથા રાજભા પણ હોઇ વંદનાએ ગાયત્રીબાને સાઇડમાં બોલાવી ભાભા ગુજરી ગયાની વાત કરતાં ગાયત્રીબા ગુસ્સે ભારઇ ગઇ હતી અને તેણે દેકારો મચાવતા પારૂલને, રાજભાને તથા ત્યાં હાજર બીજા ભાઇને પણ બનાવની ખબર પડી ગઇ હતી.

એ પછી વંસીકા ઉર્ફ વંદનાએ તેના ઘરવાળાને પણ ફોન કરી બનાવની જાણ કરી હતી. બાદમાં અલીએ કહેલ કે કોઇને જાણ ન કરતાં લાશનો નિકાલ થઇ જશે. વંદનાએ ના પાડી કહ્યું હતું કે લાશનો નિકાલ કરશો તો ભાભાની છેલ્લે પોતાની સાથે ફોનમાં વાત થઇ છે તેના આધારે પોતે ફસાઇ જશે. પણ ગાયત્રી અને અલીએ ધમકી આપતાં વંદના લાશનો નિકાલ કરવા તૈયાર થઇ હતી. લાશ સગેવગે કરવા માટે રાત પડવાની રાહ જોતાં હતાં ત્યાં જ ફરિયાદી કિંજલભાઇ સહિતના પરિવારજનો રાજકોટ ગાયત્રીબાના ફલેટ પર પહોંચ્યા હતાં અને પોલીસ પણ હાજર હોઇ પોલીસની હાજરીમાં જ વંદના ઉર્ફ વંસીકાએ સમગ્ર ઘટના વર્ણવી હતી અને ફરિયાદીને હત્યાના બનાવની ખબર પડી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલ અને એસીપી જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં યુનિવર્સિટીના પી.આઇ. બી. બી. ગોયલ, એસઓજી પીઆઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એમ. વી. રબારી, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ જાડેજા, અમીનભાઇ, હરેશભાઇ, રવિરાજસિંહ, પીએસઆઇ એન. બી. ડોડીયા, બોઘાભાઇ ભરવાડ, જે.પી. મેવાડા, જુવાનસિંહ ગોહિલ, જેન્તીભાઇ સોંદરવા, રાજેશભાઇ મિંયાત્રા, બ્રીજરાજસિંહ ગોહિલ, જગદીશભાઇ મૈત્રા, રવિરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ ડાંગર, મહિપાલસિંહ જાડેજા, મહિલા કોન્સ. ઉર્મિલાબેન સોલંકી, મીનાબેન વંશ સહિતે કાર્યવાહી કરી ગાયત્રીબા, વંદના ઉર્ફ વંસીકા અને અલીને સકંજામાં લીધા છે. યાસીનની શોધખોળ થઇ રહી છે.

વંદનાએ અલી-યાસીનને કહેલું-હું ખોખારો ખાઉ પછી રૂમમાં આવી જજો

હત્યા બાદ લાશને કોઇ સ્થળે દાટી દેવા મીઠા (નમક)ની ૧૫ થેલી લાવ્યા'તા!

કરિયાણાવાળાએ આટલુ બધુ મીઠુ શું કરવું છે? તેમ પુછતાં અલીએ કેટરર્સના કામ માટે જરૂર હોવાનું કહ્યું:લાશ લઇ જવા અલીએ કેટલાકને ફોન કરી કાર લઇને આવવા મદદ માંગી પણ કોઇ આવે એ પહેલા પોલીસ આવી ગઇ

. વંદના ઉર્ફ વંસીકાએ કાવત્રા મુજબ વૃધ્ધ કિરીટભાઇ મહેતાને રૂમમાં લઇ જઇ સંબંધ બાંધ્યા બાદ તેણીએ કાવત્રા મુજબ જ ખોખારો ખાધો હતો. એ પછી તુર્ત જ યાસીન ઉર્ફ નાનભા અને અલી શેખ અંદર આવી ગયા હતાં અને નગ્ન હાલતમાં રહેલા કિરીટભાઇનો વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ યાસીને 'આ તમે મારી ઘરવાળી સાથે શું કરો છો? કહી લાફા મારી દીધા હતાં અને છરી બતાવી હવે બોલાવો તમારા ઘરના લોકોને એટલે એને ખબર પડે કે તમે શું કરો છો?' તેમ કહી ધમકાવ્યા હતાં. ધોલધપાટ થતાં વૃધ્ધ પડી ગયા હતાં અને શ્વાસ ચડ્યા બાદ મોત નિપજતાં યાસીન ભાગી ગયો હતો. બાદમાં ગભરાયેલા વંદના અને અલી નાના મવા સર્કલ પાસે પારૂલના ઘરે રોકાયેલી ગાયત્રીબા પાસે ગયા હતાં અને ઘટનાની જાણ કરી હતી. ગાયત્રીબાએ લાશનો નિકાલ કરવાની વાત કરતાં વંદનાએ ના પાડી હતી. પણ ગાયત્રીબા અને અલીએ ધમકી આપતાં વંદના લાશનો નિકાલ કરવામાં સામેલ થશે તેવી હા કહી હતી. એ પછી વંદનાએ લાશનો નિકાલ કરવા માટે મીઠાની જરૂર પડશે તેમ અલીને કહેતાં વંદના અને અલી ગાયત્રીનું એકસેસ લઇ ગોપાલ ચોક સુપર માર્કેટમાં મીઠુ લેવા ગયા હતાં. જ્યાંથી મીઠાની ૧૫ થેલી માંગતા દૂકાનવાળાએ આટલુ બધુ મીઠુ શું કરવું છે? તેમ પુછતાં અલીએ કેટરર્સમાં જરૂર છે તેમ કહ્યું હતું.

આથી દૂકાનદારે પંદર થેલી મીઠુ આપ્યું હતું. અહિથી બે મોટી પ્લાસ્ટીકની કોથળીઓ પણ લીધી હતી. એ પછી ગાયત્રીબા તેના ભાઇ દિવ્યરાજસિંહ સાથે નાના મવા સર્કલે આવ્યા હતાં અને એકસેસ લઇ જતાં રહ્યા હતાં. વંદના અને અલી રિક્ષા મારફત ફલેટે પહોંચ્યા હતાં. વંદનાએ ફલેટના બાથરૂમમાં જઇ પોતાના ઘરવાળાને ફોન કર્યો હતો અને અલીએ પણ રૂમમાં ઉભા ઉભા કોઇને ફોન કરી તેના હાથે એક ભાઇનું ખૂન થઇ ગયાની વાત કરી હતી તેમજ લાશને સગેવગે કરવા માટે કારની જરૂર છે તેવી વાત પણ કરી હતી. પરંતુ અલીની મદદ માટે કોઇ આવ્યું નહોતું. તેણે બીજા બે ત્રણ જણાને પણ ફોન કરી મદદ માંગી હતી. આ લોકો રાત પડ્યે લાશનો નિકાલ કરવાના હતાં. પરંતુ એ પહેલા પોલીસને બાતમી મળી જતાં પોલીસ પહોંચી ગઇ હતી. (૧૪.૯)

(3:01 pm IST)