Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભાજપના મહામંત્રીની હારનો પડઘોઃ કિશાન મોરચાના પ્રમુખપદેથી વિજય કોરાટની હકાલપટ્ટી

રાજકોટ જિલ્લા ભાજપના બે જુથો વચ્ચેની લડાઈ વધવાના એંધાણઃ પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આરોપઃ હટાવવાનો નિર્ણય હાઈકમાન્ડનો કે બારોબાર ?

રાજકોટ, તા. ૨૩ :. જિલ્લા ભાજપના બે જુથો વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા સામે ભાજપના જ વિજય કોરાટ ૬ મતે જીતી ગયાના બે જ દિવસમાં તેની જિલ્લા કિશાન મોરચાના પ્રમુખપદેથી હકાલપટ્ટી કર્યાની જાહેરાત જિલ્લા ભાજપે કરી છે. સામાન્ય રીતે જિલ્લા પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓના નામે આવતી અખબારી યાદીના બદલે આજે વિજય કોરાટને હટાવાયાની અખબારી યાદી જિલ્લા ભાજપના લેટર હેડ પર મીડિયા કન્વીનર અરૂણ નિર્મળના નામે આવી છે. આ નિર્ણય પાછળ ઉંડુ રાજકારણ રમાયાની શંકા ઉપજે છે. જ્ઞાતિ આધારિત રાજકીય વમળો થવાની સંભાવના છે. પ્રદેશની નેતાગીરી આ બાબતે સહમત છે કે નહિ ? તે બાબતે અખબારી યાદીમાં ઉલ્લેખ નથી. વિજય કોરાટને હટાવીને તેના સ્થાને અન્ય કોઈની નિમણૂંક જાહેર કરવામાં આવી નથી.

જિલ્લા ભાજપ મીડિયા કન્વીનરની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા કિશાન મોરચાના પ્રમુખ તરીકેથી વિજયભાઈ કોરાટ સામે શિસ્ત વિરૂદ્ધના લખાણો, કેન્દ્ર સરકાર વિરૂદ્ધના નિવેદનો તેમજ રાજ્ય સરકાર વિરૂદ્ધના નિવેદનો તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી સામેની ઉમેદવારી જિલ્લા પ્રમુખની સૂચના હોવા છતાં ફોર્મ પરત ખેંચેલ નહીં, અગાઉ પણ નોટીસો આપેલ છે, જેનો પણ જવાબ હજુ સુધી પાર્ટીને આપેલ નથી તો તેને પાર્ટી તરફથી કિશાન મોરચાના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવે છે.

દરમિયાન આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે, હું ગઈકાલે બહારગામ હતો. મહામંત્રી ભાનુભાઈ મેતાએ વિજય કોરાટ સામેના મુદ્દા કિશાન મોરચાના પ્રદેશ વડા બાબુભાઈ જેબલિયાના ધ્યાને મુકી તેની સહમતી સાથે જિલ્લા મોરચાના પ્રમુખપદેથી કોરાટને દૂર કરવા નિર્ણય કરાવ્યાનું મને જણાવ્યું હતું.

(11:40 am IST)