Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ર૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરીના તમામ બૂથ પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

૧-૧-૧૮ ની સ્થિતીએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવા મતદારોના નામો ઉમેરાશેઃ નામ કમી કરવા-સરનામાં સુધારવા સહીતની કામગીરી માટે બીએલઓ સ્થળ પર હાજર રહેશેઃ શહેરીજનોએ લાભ લેવા કમલેશ મિરાણીનો અનુરોધ

રાજકોટ તા. ર૩ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે. કે શહેર જિલ્લા સહીત રાજયભરમાં તા.રર જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીનો મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કર્યોછે જેમાં રાજકોટ જીલ્લાના ર૧૪ર મતદાન મથકો ઉપર ર૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરી એમ બે રવિવારે તમામ બુથ લેવલ ઓફીસરો બુથ ઉપર હાજર રહીને મતદારોના નામ ઉમેરો, નામ કમી કરવા, સહીતના ફેરફારો કરશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકોટ સહીત રાજયભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે તે અંતર્ગત તા.૧/૧/ર૦૧૯ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ નવા મતદારોના નામો ઉમેરવા માટે આ સંક્ષિપ્ત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છ.ે જેમાં નવા મતદારોના નામ ઉમેરવા, બાકી રહી ગયેલા મતદારોના નામ નોંધવા, સરનામામાં ફેરફાર તેમજ અન્ય સુધારા-વધારાઓ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ શહેરના તમામ મતદાન મથકો પર તે વિસ્તારના બુથ લેવલ ઓફીસરો સવારના ૯ થી ૬ દરમ્યાન હાજર રહેશે.

ઉપરાંત તા.રર/૧/૧૮ થી તા.૧ર/ર/૧૮ સુધી મતદાર યાદીની સુધારણા કાર્યક્રમ ર૦૧૮ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા, ફોટો મતદાર યાદીમાં આપનું નામ છે કે નહી ? કુંટુબના લાયક સભ્યોના નામ મતદાર યાદીમાં છે કે નહી ? આપ જે મતદાન મથકના વિસ્તારમાં રહો છો તે જ વિસ્તારમાંં આપનું નામ છે કે નહી ?  તે અંગે કલકેટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી, મતદાર નોંધણી અધિકારી/પ્રાંત અધિકારીની કચેરી/, મામલતદાર કચેરીનો સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાશે.

તા.૧/૧/૧૮ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરીકોનું નામ નોંધાવવા માટે નમુના-૬ (ઉમર તથા રહેઠાણના પુરાવા સહિત) મા ફોટા સહીત અરજી કરવાની રહેશે. તેમજ મતદારયાદીમાં કોઇ નામ સાથે વાંધો લેવાનો હોય તો તે માટે અથવા મતદાર યાદીમાંથી નામ રદ કરાવવા માટે નમૂના-૭માં અરજી કરવાની રહેશે તેમજ મતદાર યાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુના-૮માં અરજી કરવાની રહેશે.

વધુ વિગતો માટે ટોલ ફ્રી નં. ૧૯પ૦ (કામકાજના સમય દરમિયાન) નો સંપર્ક પણ કરી શકાશે. આમ એક જાગૃત નાગરીક તરીકે શહેરીજનોનો સહયોગએ લોકશાહી તંત્રની પાયાની જરૂરીયાત હોય શહેરીજનોને આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ર૦૧૮ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધવવા, જરૂરી સુધારા-વધારા કરાવવા માટેની અમુલ્ય તકનો લાભ લેવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

(3:56 pm IST)